શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનો ફેશન શો યોજાયો
હાથ બનાવટી વસ્તુઓ લુપ્ત ન થાય તેવા હેતુથી યોજાયો ફેશન શો
હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટનો ઉપયોગ વધે તેવો ગરવી ગુર્જરીનો પ્રયાસ
ગરવી ગુર્જરી દ્વારા શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી ખાતે તા. ૧૪ ફેબ્રુઆરી થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન ક્રાફ્ટ અને હસ્તકલાની વિવિધ વસ્તુઓનો મેળો લગાવવામાં આવ્યો છે ત્યારે તા.૧૬ના રોજ હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનો ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશનશોમાં હાથે બનાવેલ પટોળા, બાંધણી, સાલ જેવી અનેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ ફેશન શોનો મુખ્ય હેતુ જે કારીગરો હસ્તકલા દ્વારા વસ્તુઓ બનાવે છે તેને લોકો સમક્ષ રજુ કરવામાં આવે સાથે સાથે તેમના કારીગરો પણ સમાજ સમક્ષ આવે તેવા ઉદ્દેશ્યથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ પટોળા, બાંધણી, અજરક, રોગન, એમ્બ્રોડરી, પેચવર્ક વગેરે જેવી ક્રાફ્ટ વસ્તુઓ રહી છે. સમગ્ર કાર્યક્રમનો ઉદેશ્ય નાના હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહીત કરવાનો હતો. આ તકે ગરવી ગુર્જરીના ચેરમેન શંકરભાઈ દલવાડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા મોટી સંખ્યામાં લોકોએ આ ફેશન શોને માણ્યો હતો.
લોકોને આપણી સંસ્કૃતિ, કારીગરીનો ખ્યાલ આપવાનો પ્રયાસ: અજયભાઈ પટેલ
અજયભાઈ પટેલે આ તકે જણાવ્યું હતું કે, ગરવી ગુર્જરી દ્વારા જે હસ્તકલાનું પ્રદર્શન ચાલે છે. તે માટે અભિનંદન, કારણ કે અત્યારે હસ્તકલા લુપ્ત થવાને આરે છે અને ગુજરાતના નાગરિકોને આપણી જે સંસ્કૃતી છે. આપણી જે કારીગરી છે તેનો ખ્યાલ આપવા માટેનો આ પ્રયાસ છે તેને હું બીરદાવું છું. ખાસ કરીને જોઈએ જણીએ અને સાથે સાથે હસ્તકલાની વસ્તુઓ વેચાણ માટે મુકેલ છે તેને સહયોગ સાથે અને હસ્ત કલાકારીને ખૂબ સપોર્ટ કરે.
ગરવી ગુર્જરી ફેશન શો રાજકોટમાં સફળ રહ્યો: રણબીરભાઈ
રણબીરભાઈએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે, આ એક અનોખો પ્રયાસ છે પહેલીવાર કારીગરોના માધ્યમથી બનેલી જે ચીજ વસ્તુઓ છે એ વસ્તુઓને લોકોની સામે સમર્પણ કરવાનો એક મોકો મળ્યો છે. જે ડીઝાઈનર પીસ ગામડામાં રહીને કારીગરો બનાવે છે. તેમને લોકોની સમક્ષ આવવાનો મોકો નથી મળતો તો આ ફેશન શોના માધ્યમથી કારીગર પોતે સ્ટેજ પર આવે છે અને લોકોની સમક્ષ આ બધી વસ્તુઓ મુકે છે જેમાં કચ્છની એબ્રોઈડરી છે. બ્રોગન આર્ટ છે. બીડ વર્ક છે. આદિવાસી વિસ્તારના લોકો અહીં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતને
ગરવી ગુર્જરીના માધ્યમથી આ એક અનોખો પ્રયાસ કરીને ક્રાફટ ફેશન શોનું આયોજન અહિં કરવામાં આવ્યું છે. મને એવું લાગે છે કે રાજકોટમાં આ અનોખો પ્રયાસ અહિં સફળ થયો છે. અહિંયા જે સંખ્યામાં લોકો દેખાય રહ્યા છે તેનાથી લોકો તેને આવકારી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસની અંદર કારીગરો ખુબ ખુશ છે. નાના કારીગરો માટે જ આ મેળો ભરાયો છે જેથી જેઓની ઓળખાણ ન હોતી એ લોકોને ઓળખાણ મળે અને વિશ્ર્વમાં આગળ વધે.
જુની કારીગરી લુપ્ત ન થાય અને કારીગરોને રોજી રોટી મળી રહે તે માટે અમારા પ્રયત્નો: શંકરભાઈ
ગરવી ગુર્જરીના ચેરમેન શંકરભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય હાથશાળ કળાનિગમ એ ગુજરાત સરકારનું સાહસ છે અને ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ જીલ્લાઓમાં અલગ અલગ ક્રાફ્ટના કારીગરો છે એ કારીગરો દ્વારા જે કાંઈ વસ્તુ બને તેનું વેચાણ કરાવી આપીએ છીએ અને અમે વેચીએ છીએ. આવા ૩૦-૩૫ નાના કારીગરોને લઈ આખા ગુજરાતમાં ભારતમાં ૪૦ જેટલા મેળા કરીએ છીએ. કારીગરોને પ્રોત્સાહીત કરીએ છીએ. કારીગરોની વસ્તુ કોઈ દુકાનમાં નથી મળતી પરંતુ આવા મેળા થાય ગરવી ગુર્જરી દ્વારા એના દ્વારા બધી વસ્તુ મળતી હોય છે. આપણી જે કારીગરી છે એ લુપ્ત ન થાય અને આપણી જુની કારીગરી ટકી રહે અને કારીગરોને પોતાની રોજીરોટી ચાલે એના માટે આ સરકાર અને હેન્ડલુમ હેન્ડીક્રાફ્ટ ગરવી ગુર્જરી દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. કચ્છ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, ભરૂચ, સુરત અલગ અલગ જીલ્લાઓમાં આના કારીગરો હોય છે. જુદા જુદા ક્રાફ્ટના એ બધા ક્રાફ્ટને ભેગા
કરી પ્રોત્સાહીત કરતા હોય છે. સાડી ભરત, રોગન પેઈન્ટીંગ, દિવાલ પર માટીની ડીઝાઈન બનાવે છે અલગ અલગ ૨૦ થી ૨૫ જાતના આના કારીગરો હોય છે અને એ કારીગરો ખાસ કરી મુંબઈ, પુણા, દિલ્હી, ગાંધીનગર, અમદાવાદ અલગ અલગ રીતે વેચાણ કરતા હોય છે. અમારા પણ ૩૦ જેટલા શોરૂણ છે. હેન્ડીક્રાફ્ટના કારીગરોનું ભવિષ્ય સારૂ થાય તે માટે અમે અનેક પ્રયત્નો કરી રહ્યા છીએ.