છેલ્લા ૧૦ દિવસમાં ૧૦ ઘરો અને દુકાનોમાં ચોરી, ગત રાત્રે પાંચ દુકાનોના તાળા તુટયા: ચોરી થઈ તે જગ્યા પોલીસ મથકથી માત્ર ૪૦૦ મિટર દૂર છતાં ઉંઘતુ પોલીસ તંત્ર
પડધરીમાં મેઈન રોડ ઉપર તસ્કરોએ એક સાથે ૫ દુકાનોના તાળા તોડીને પોલીસને પડકાર ફેંક્યો છે. જો કે પોલીસ પણ પોતાની કામગીરીમાં ઉણી ઉતરી હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે. પોલીસ અને જીઆરડીના જવાનો નાઈટ ડ્યુટીમાં હોવા છતાં મેઈન રોડ ઉપર તસ્કરો દુકાનના તાળા તોડીને ચોરી કઈ રીતે કરી ગયા તેવો સો મણનો સવાલ ગ્રામજનોમાં ઉદ્દભવ્યો છે.
પડધરી મેઈન રોડ ઉપર ગત રાતે તસ્કરોએ તરખાટ મચાવીને સિદ્ધિ વિનાયક શોપ, એવન મોબાઈલ એન્ડ કોમ્પ્યુટર, નેન્સી મોબાઈલ એન્ડ નોવેલ્ટી, આનંદ પાન કોલ્ડડ્રિન્ક અને કનૈયા પ્રોવિઝન સ્ટોર દુકાનના તાળા તોડ્યા હતા. આજે સવારે જ્યારે વેપારીઓ દુકાને આવ્યા ત્યારે તેઓએ પોત પોતાની દુકાનના તાળા તૂટેલી હાલતમાં અને શટર ઉચકાયેલી હાલતમાં જોયું હતું. જેથી સવારે ૭:૩૦ કલાકે સમગ્ર બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં દુકાનદારો પોલીસની રાહ જોઇને દુકાનની બહાર બેઠા રહ્યા હતા. પોલીસ આવે પછી દુકાનમાંથી શુ શુ ચોરાયું છે તે જોઈ લેશું તેવું વિચારીને દુકાનદારો પોલીસની રાહ જોઈ રહ્યા હતા. બનાવ સ્થળ પોલીસ મથકથી માત્ર ૪૦૦ મીટરના અંતરે હોય પોલીસે બનાવ સ્થળે પહોંચવામાં ૨ કલાક જેટલો સમય લીધો હતો. ત્યાં સુધીમાં તો દુકાનદારો અકળાઇ ઉઠ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પડધરી શહેરના મુખ્ય વિસ્તારો ઉપર પોલીસ અને જીઆરડીના જવાનોને નાઈટ ડ્યુટી સોંપવામાં આવે છે. પોલીસ તો ભાગ્યે જ રાત્રે બહાર પેટ્રોલીંગમાં દેખાય છે. પરંતુ જીઆરડીના જવાનો મહેફિલો કરીને ચોકે ચોકે બેઠેલા જોવા મળે છે. ગત રાતે પણ પોલીસ અને જીઆરડી બન્નેની નાઈટ ડ્યુટી હતી.તેમ છતાં તસ્કરો ૫ દુકાનમાં ચોરી કરી ગયા ત્યારે ગ્રામજનોએ પોલીસની કામગીરી ઉપર અનેક શંકા કુશંકા વ્યક્ત કરી છે. જો કે છેલ્લા ૧૦ દિવસમાં પડધરીમાં ૧૦ દુકાનો અને મકાનોમાં ચોરી થઈ છે. ત્યારે પોલીસે સતર્ક બનવાની તાતી જરૂરીયાત છે.