બે વકીલોના અંગત વિવાદમાં હુમલો થયાનું અનુમાન : ત્રણ જીવતા બૉમ્બ પણ મળી આવ્યા
ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉની કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ વજીરગંજ વિસ્તારમાં થયો છે. આ બોમ્બ બ્લાસ્ટમાં અનેક વકીલો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ય જાણકારી પ્રમાણે કોર્ટ પરિસરમાંથી ત્રણ જીવતા બોમ્બ પણ મળી આવ્યા છે. વકીલ સંજીવ લોધી પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ધોરણે કોર્ટ પહોંચી ગઈ છે.
આ દુર્ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. કોર્ટ પરિસરમાંથી મળી આવેલા ત્રણ જીવતા બોમ્બને પોલસે જપ્ત કરી લીધા છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બોમ્બ દ્વારા હુમલો અંગત અદાવતના કારણે કરવામાં આવ્યો છે. કોર્ટમાં પણ ચૂંટણી યોજાવાની છે તેથી શક્ય છે કે એવા કોઈ કારણસર હુમલો કરવામાં આવ્યો હોય.
બે વકીલ વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે આ હુમલો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જીતૂ યાદવ નામના વ્યક્તિ પર આરોપ છે કે તેણે બોમ્બ દ્વારા હુમલો કર્યો છે. આ હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. અન્ય કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.