વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર ઉભા કરી નાગરિકોને માર્ગદર્શન પુરૂ પાડશે
રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ હરિપર (પાળ)ની આર.ડી. ગારડી બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા વેલેન્ટાઇન ડેની વિશિષ્ટ અને અનોખી રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શુક્રવારે ગારડી બી.એડ . કોલેજના તાલીમાર્થીઓ ભાઇઓ તથા બહેનો તથા સ્ટાફ પરીવાર રાજકોટ શહેરના ટ્રાફીકથી ધમધમતા ટ્રાફીક સીગ્નલો અને ચોક ઉપર સવારે ૯ થી ૧૨.૩૦ દરમિયાન ગ્રુપમાં ઉભા રહી વાહન ચાલકોને ટ્રાફીક અવેરનેશ અંગે સમજુતી આપશે તેમજ શહેરના નાગરીકોને સરકારના પરીવહનને લગતા પ્રવર્તમાન કાયદાઓ અંગે માહીતગાર કરી કાયદાઓનું સચોટ પાલન કરવા અંગે જાગૃતતા ફેલાવશે. વિદ્યાર્થીઓ ‘અબતક’ ની મુલાકાત લઇ માહીતી આપી હતી.
આ કાર્યક્રમ અંગેની માહીતી આપતા ગારડી બી.એડ. કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઇ દોશી, ડો. નિદત બારોટ, હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પશ્ર્ચિમી સંસ્કૃતિના અનુકરણની અને ઉજવણીનો આંધળી દોટના વાતાવરણમાં ગારડી કોલેજના બી.એડ. ના તાલીમાર્થીઓ કે જેઓ ભવિષ્યમાં ઉમદા શિક્ષક પણ બનવાના છે. તેઓ સામાન્ય નાગરીક નહિં પણ વિશિષ્ટ કરવા તરફ પ્રેરાય અને સમાજને હંમેશા કાંઇક ને કાંઇ પ્રેરણા આપતા રહે તેવા કાર્યો કરતા રહે તેવા પ્રયાસના ભાગરુપે આ ટ્રાફીક અવેરનેશ કાર્યક્રમનું વેલેન્ટાઇન ડેના દિવસે આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમો સફળ બનાવવા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઇ દોશીના માર્ગોદર્શન હેઠળ કોલેજના ઇન્ચાર્જ આચાર્યા રુચીતાબેન રાઠોડ તેમજ શૈલેષ દવે, ગીતાબેન વોરા, ડીમ્પલબેન કાનાણી, સત્યજીતસિંહ જાડેજા, સંજયભાઇ વસાવા સહીતના સ્ટાફ પરીવારના સભ્ય મહેનત કરી રહ્યા છે.