ત્રીજી વન-ડેમાં પણ ભારતનો પાંચ વિકેટે કારમો પરાજય: ટવેન્ટી-ટવેન્ટી શ્રેણીમાં કિવિઝને ક્લીન સ્વીપ કરનાર ટીમ ઈન્ડિયા પાણીમાં બેસી ગઈ
પાંચ ટવેન્ટી-ટવેન્ટી મેચની શ્રેણીમાં ન્યુઝિલેન્ડને કલીન સ્વીપ કરનાર ટીમ ઈન્ડિયા વન-ડે શ્રેણીમાં પાણીમાં બેસી જતાં ત્રણ વન-ડે મેચની શ્રેણીમાં ભારતને વ્હાઈટ વોશનો સામનો કરવો પડયો છે. આજે રમાયેલી ત્રીજી વન-ડેમાં ભારતનો પાંચ વિકેટે કારમો પરાજય થયો છે. વિકેટ કીપર બેટ્સમેન કે.એલ.રાહુલની આક્રમક સદી એળે ગઈ છે. ૨૯૬ રનનો સ્કોર પણ ભારતને પરાજયમાંથી બચાવી શક્યો ન હતો.
આજે રમાયેલા ત્રીજા વન-ડેમાં ન્યુઝિલેન્ડના સુકાનીએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમની શરૂઆત ખુબજ ખરાબ થઈ હતી. માત્ર ૮ રનના સ્કોરે ઓપનર મયંક અગ્રવાલ પેવેલીયનમાં પરત ફર્યો હતો. ત્યારબાદ સ્કોરબોર્ડ પર ૩૨ રન જ થયા હતા ત્યારે કોહલી માત્ર ૯ રન બનાવી આઉટ થઈ જતાં પેવેલીયનમાં સન્નાટો છવાઈ ગયો હતો. ૬૨ રનમાં પૃથ્વી શોના રૂપમાં ભારતની ત્રીજી વિકેટ પડી હતી. ત્યારબાદ કે.એલ.રાહુલ અને મનીષ પાંડેની જોડીએ ચોથી વિકેટ માટે ૧૦૦ રનની ભાગીદારી નોંધાવતા ભારતનો રકાશ ખાળ્યો હતો. દરમિયાન મનીષ પાંડે ૪૨ રને આઉટ થયો હતો. કે.એલ.રાહુલે તમામ ક્વિઝ બોલરોનો મક્કમતા પૂર્વક સામનો કર્યો હતો અને પોતાની વન-ડે કારકિર્દીની વધુ એક સદી ફટકારી હતી. તે ૧૧૩ બોલમાં ૯ ચોગ્ગા અને ૨ સીકસરની મદદી ૧૧૨ રન બનાવી આઉટ થયો હતો. ભારતને નિર્ધારીત ૫૦ ઓવરમાં ૭ વિકેટના ભોગે ૨૯૬ રન બનાવ્યા હતા.
૨૯૮ રનના લક્ષ્યાક સાથે મેદાનમાં ઉતરેલી ન્યુઝિલેન્ડની ટીમનો ઓપનર ગુપ્ટીલ અને નિકોલસે નિશ્ર્ચિત કરી દીધો હતો. બન્નેએ માત્ર ૧૬.૩ ઓવરમાં પ્રથમ વિકેટ માટે ૧૦૬ રન નોંધાવ્યા હતા. જો કે, ત્યારબાદ ન્યુઝિલેન્ડની વિકેટે ધડાધડ પડવા લાગી હતી. એક તબક્કે ૨૨૦ના સ્કારે ન્યુઝિલેન્ડની ૫ વિકેટ ધરાશાયી થવા પામી હતી. થોડા અંશે એવી આશા ઉભી થઈ હતી કે, ભારતીય ટીમ ત્રીજી વનડે જીતી પોતાની લાજ બચાવી લેશે. જો કે છઠ્ઠી વિકેટ માટે લાથમ અને ગ્રેધમ ફોમે અણનમ ૮૦ રનની ભાગીદારી નોંધાવતા ન્યુઝીલેન્ડે ત્રીજા વનડેમાં ભારતને પાંચ વિકેટે કારમો પરાજય આપ્યો છે. ટવેન્ટી-ટવેન્ટીમાં ૫-૦થી હાર સહન કરનાર માત્ર એક જ સપ્તાહમાં જાણે બદલો લઈ લીધો હોય તેમ ભારતને વન-ડે શ્રેણીમાં ૩-૦થી કલીન સ્લીપ ર્ક્યું છે. આગામી ૨૧મી ફેબ્રુઆરીથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે.