વિદેશી કંપનીઓ રાજયમાં ‘ફ્રોજન બટેટા’ માટે કરોડો રૂપિયાનું રોકાણ કરશે: દેશમાં બટેટાના ઉત્પાદનમાં ગુજરાતનો ૭.૫ ટકાનો ફાળો

સરકાર દ્વારા મુખ્યત્વે એ તમામ ચીજવસ્તુઓ કે જેમાં વિદેશી રોકાણ લાવી શકાય તે માટે સરકાર અનેકવિધ પ્રકારનાં પ્રયત્નો કરી રહ્યું છે. હાલ સફરજનની સાઈટ બટેટા કાપશે તેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે. વિદેશી કંપનીઓ રાજયમાં ફ્રોજન બટેટા માટે કરોડો રૂપિયાનું રોકાણ કરશે તેવો આશાવાદ જાગ્યો છે ત્યારે એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે દેશમાં બટેટા ઉત્પાદનમાં ગુજરાત રાજયનો હિસ્સો ૭.૫ ટકાનો છે. ગુજરાત રાજય દ્વારા ફ્રોજન બટેટામાંથી બનતી તમામ ચીજવસ્તુઓની નિકાસ થઈ શકે તે હેતુસર સરકાર વિદેશી રોકાણ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અનેકવિધ અમેરિકન અને યુરોપીયન કંપનીઓ ફ્રોજન બટેટાની ચીજવસ્તુઓ અને ફુડ પ્રોસેસીંગ માટે કરોડો રૂપિયાનું રોકાણ કરવા માટે તત્પરતા દાખવી છે ત્યારે ગુજરાતનાં બટેટા વૈશ્ર્વિક બજારમાં ૧૫ મિલીયન મેટ્રીક ટન જેટલો કારોબાર ધરાવે છે જયારે ગુજરાત રાજય ભારતીય બજારમાં ૭૫,૦૦૦ મેટ્રીક ટનનું ટનઓવર કરતું હોવાનું સામે આવ્યું છે.

વિદેશી કંપનીઓ ગુજરાતમાં ખુબ મોટા પ્રમાણમાં ફ્રોજન બટેટાની વેરાયટી માટે કરોડો રૂપિયાનું રોકાણ કરતી હોવાનું સામે આવ્યું છે જેમાં યુરોપીયન કંપની આગામી દિવસોમાં ફ્રોજન બટેટામાંથી બનાવી શકાય તેવી ચીજવસ્તુઓ માટે ૧૫૦૦ કરોડનું રોકાણ આગામી બે વર્ષમાં કરશે તેવું કિરેમકોના ડાયરેકટરે જણાવ્યું હતું અને કહ્યું હતું કે, ગુજરાતમાં રોકાણ કર્યા બાદ ફુડ પ્રોસેસીંગ ઈકવીપમેન્ટ પણ કંપની દ્વારા બનાવવામાં આવશે. ભારતમાંથી ગુજરાત એકમાત્ર એવું રાજય છે કે જે ફ્રોજન બટેટાની નિકાસ સૌથી વધુ કરે છે. ફ્રેચફાઈઝ ગુજરાતનાં બટેટાની વિદેશમાં અત્યંત ચર્ચા છે અને લોકોને ગમે છે. વિદેશી કંપનીઓનું માનવું છે કે ગુજરાતમાં અનેકવિધ પ્રકારનાં બટેટાની વેરાયટીઓ મળતા તેમની જરૂરીયાત એકમાત્ર ગુજરાત રાજયમાંથી જ પુરી થઈ જતી હોય છે. વિદેશી રોકાણ આવતાની સાથે જ સ્થાનિક કંપનીઓને અનેકગણો ફાયદો પહોંચશે અને તે તેમના કારોબારને વિસ્તૃત પણ કરી શકશે તેવી આશા સેવવામાં આવી રહી છે. કંપનીનાં ડાયરેકટરે જણાવ્યું હતું કે, ફુડ પ્રોસેસીંગ માટે ઉપયોગમાં લેવાતા ઈકવીપમેન્ટ ક્ષેત્રમાં કંપની આશરે ૩૫ મિલીયન યુરોનું રોકાણ કરશે.

યુરોપીયન કંપનીઓનું માનવું છે કે, ફુડ પ્રોસેસીંગ ક્ષેત્રે રોકાણ કર્યા બાદ તેનું પ્રોડકશન હબ ગુજરાત રાજયમાં બનશે અને પ્રોસેસ બટેટાની ચીજવસ્તુઓની નિકાસ પણ પૂર્ણત: શકય બનશે. કિરેમકોના ડાયરેકટરે જણાવ્યું હતું કે, તેઓ મેન્યુફેકચરીંગ યુનિટ માટે ઉપયોગમાં લેવાતા મશીનોનું નિર્માણ મહેસાણા, વડનગર અને વિસનગરમાં કરશે. ફુડ પ્રોસેસીંગ ક્ષેત્રની કંપનીઓ પ્રોસેસડ ફુડ માટે ગુજરાતને સારું એવું પ્રાધાન્ય આપતી નજરે પડે છે તેમાં નામાંકિત કંપની મેક કેઈન પણ ગુજરાત રાજયમાં પોતાનો પ્લાન્ટ સ્થાપિત કરવાની હોય તેવી વાત પણ સામે આવી રહી છે. યુરોપીયન દેશોની સાથો સાથ અમેરિકન કંપનીઓ પણ ગુજરાત રાજયમાં આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે કટીબઘ્ધ હોય તેવું સુત્રોમાંથી પણ જાણવા મળી રહ્યું છે. વૈશ્ર્વિક સ્તર પર ફ્રોજન બટેટામાંથી બનતી તમામ ચીજવસ્તુઓ માટે ગુજરાત રાજયને આશીર્વાદરૂપ માનવામાં આવે છે. કારણકે બટેટામાંથી બનતી અનેકવિધ પ્રકારની ચીજવસ્તુઓ માટે જે બટેટા ઉપયોગમાં લેવામાં આવે છે તે મુખ્યત્વે ગુજરાતમાં ઘણાખરા અંશે ગુણવતાયુકત નજરે પડે છે ત્યારે વૈશ્ર્વિક કંપનીઓ માટે ગુજરાત બટેટામાં રોકાણ માટે ઉત્તમ સ્થળ પણ માનવામાં આવે છે ત્યારે આગામી દિવસોમાં આ ક્ષેત્રનો વિકાસ પુરઝડપે થશે તેમ પણ સુત્રોમાંથી માહિતી મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.