મહેસાણાના એસ્ટેટ બ્રોકર કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ પર રોકડ સાથેની બેગ ભુલી જતા ઇલેકટ્રીકના વેપારીએ ભક્તિનગર પોલીસને સોંપી પ્રમાણિકતા દાખવી
શહેરમાં ચોર, ગઠીયા અને લૂંટારા દ્વારા થતી હેરાનગતિ વચ્ચે રૂપિયા ૨૫ લાખની રોકડ ભરેલી બેગ મળતા પોલીસને પુરેપુરી રકમ સાથે પરત સોપનાર ઇલેકટ્રીકના વેપારીનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.
મહેસાણાના વેપારી મહેન્દ્રભાઇ હીરાલાલ વાઘેલાએ રાજકોટમાં મિલકતનું વેચાણ કર્યુ હોવાથી તેમની પાસે રૂા.૨૫ લાખની રોકડ સાથેનો થેલો હતો. રોકડ સાથેનો થેલો લઇને મહેન્દ્રભાઇ વાઘેલા કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ પર આવેલા પરમેશ્ર્વર ઇલેકટ્રીકના વેપારી રાકેશભાઇ રસિકભાઇ ડેડકીયાને ત્યાં ગયા હતા ત્યારે તેઓ રૂા.૨૫ લાખની રોકડ સાથેની બેગ ભુલીને જતા રહ્યા હતા.
મહેન્દ્રભાઇ વાઘેલા રૂા.૨૫ લાખની રોકડ સાથેની બેગની ચોરી થયાની ફરિયાદ કરવા માટે ભક્તિનગર પોલીસ મથકે જતા પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. ડી.એ.ધાંધલ્યા સહિતના સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી તે દરમિયાન કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ પર આવેલી પરમેશ્ર્વર ઇલેકટ્રીક સર્વિસ નામની દુકાનદાર રાકેશભાઇ ડેડકીયા રૂા.૨૫ લાખની રોકડ સાથેની બેગ લઇને ભક્તિનગર પોલીસ મથકે આવી પોલીસને સોપતા પોલીસ સ્ટાફ પણ અચંબામાં પડી ગયા હતા અને મહેન્દ્રભાઇ વાઘેલાને તેમની રૂા.૨૫ લાખની રોકડ સાથેની બેગ પરત કરી દેતા તેઓ પણ રાકેશભાઇ ડેડકીયાની પ્રમાણીકતાની પ્રસંશા કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાકેશભાઇ ડેડકીયાનુ રૂા.૨૫૦૦ રોકડ ઇનામ આપી સન્માનિત કર્યા હતા.