નલિયાનું સૌથી નીચું ૭.૫ ડિગ્રી તાપમાન નોંધાયું: રાજકોટનું ૧૨.૩ ડિગ્રી
રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. ગઈકાલથી જ લોકો ફરી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ફરી એકવાર તાપમાન નીચું જાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
આગામી ૨૪ કલાકમાં ઠંડી વધે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ફુલગુલાબી ઠંડી પ્રવર્તી છે ત્યારે નલિયાનું લઘુતમ તાપમાન રાજ્યભરમાં સૌથી નીચું ૭.૫ ડિગ્રી નોંધાયું છે. આજે વહેલી સવારે રાજકોટનું લઘુત્તમ તાપમાન ૧૨.૩ અને મહતમ તાપમાન ૨૯ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને ૭ કીમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
નલિયાનું લઘુત્તમ તાપમાન ૭.૫ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૯ ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૩ દિવસ સુધી લઘુતમ તાપમાનનો પારો ગગડશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો પરથી વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ પસાર થશે જેની અસરથી મેદાની પ્રદેશો ઉપરથી પસાર થતા પવનનું જોર પણ વધશે. જેના કારણે ઠંડીમાં પણ વધારો થશે.
રાજ્યમાં જુદા જુદા શહેરોના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૧.૧, ડીસાનું ૯.૮ ડિગ્રી, વડોદરાનું ૧૪.૪ ડિગ્રી, સુરતનું ૧૫.૬ ડિગ્રી, કેશોદ-જુનાગઢનું ૧૩.૩ ડિગ્રી, રાજકોટનું ૧૨.૩ ડિગ્રી, દ્વારકાનું ૧૭ ડિગ્રી, ભુજનું ૧૩ ડિગ્રી, નલિયાનું ૭.૫ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૩.૫ ડિગ્રી અને ગાંધીનગરનું ૧૦ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
કરછમાં બે અને સુરેન્દ્રનગરમાં ભૂકંપનો એક આંચકો
રાજ્યમાં ઠંડીની સાથોસાથ ભૂકંપનાં આંચકા પણ વધી રહ્યા છે. મોડી રાતે ૧૧.૨૦ કલાકે સુરેન્દ્રનગરથી ૩૦ કીમી દૂર ૧.૭ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટમાં નોંધાયો હતો. ત્યારબાદ રાતે ૨:૫૬ કલાકે કરછના રાપરથી ૧૬ કીમી દૂર ૧ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો અને આજે વહેલી સવારે ૭:૫૬ વાગ્યે કરછના ભચાઉથી ૧૬ કિમી દૂર ૨.૪ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો.