કપાસ-મગફળી-લસણ-જીરૂ- ચણા- ધાણા – તલ-તલી વગેરેની આવક ઘટી
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હજુ નવા શિયાળુ પાકોનું આગમન થયું નથી પરંતુ હાલ પુરબહારમાં ચાલી રહેલી લગ્નગાળાની સીઝનને લઈને તમામ જણસીની આવકમાં સરેરાશ ૨૫ થી ૩૦%નો ઘટાડો જોવા મળ્યો છે. મુખ્ય પાકો કપાસ, મગફળી ઉપરાંત લસણ, જીરૂ, ચણા, ધાણા, તલ-તલી વગેરેની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
હાલ લગ્નગાળાની જાણે મોસમ ખીલી છે. ફેબ્રુઆરી માસની મોટાભાગની તારીખો લગ્ન માટેની છે ત્યારે લગ્ન ગાળાની બજારમાં પણ અસર વર્તાઈ છે. તેવી જ રીતે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ હાલ આવતી દરેક જણસીની આવકમાં લગ્નગાળાની સીઝનને લીધે ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરીજનોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પણ લગ્નગાળામાં વ્યસ્ત થયા છે. જેના કારણે તેઓ માર્કેટીંગ યાર્ડ સુધી પોતાની જણસી લાવી શકતા નથી.વિવિધ જણસીની આવક ઘટાડાનું અન્ય એક કારણ જોઈએ તો એ પણ છે કે હજુ મોટાભાગે નવા પાકો, શિયાળુ પાકો તૈયાર થયા નથી તો કપાસ મગફળીનો પાક મોટાભાગનાં ખેડૂતોએ વેચી દીધો છે. તેના લીધે પણ હાલ માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક મંદ પડી છે.
ખાસ કરીને નવા પાકોમાં ધાણા, જીરૂ, લસણ, ચણા, તેમજ કપાસ-મગફળી, તલ-તલી વગેરે જણસીની આવકમાં સરેરાશ ૨૫ થી ૩૦%નો ઘટાડો નોંધવા પામ્યો છે. મળતી વિગતો મુજબ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકમાં ૨૫ થી ૩૦%ના ઘટાડાનું મુખ્ય કારણ હાલ લગ્નગાળાની સીઝન અસર વર્તાવી રહી છે.