અવારનવાર ગાબડા પડવાના કારણે ખેડૂતોમાં રોષ: કોન્ટ્રાક્ટરો માત્ર ગજવા જ ભરે છે કામ ન કરતા હોવાનો આક્રોશ
હળવદ પંથકમાં થી પસાર થતી નર્મદા કેનાલ અને માઇનોર કેનાલમાં અવારનવાર ગાબડા પડવાના કારણે હજારો લિટર પાણી નો વેડફાટ થતો હોય છે ત્યારે તાલુકાના મયુરનગર અને ધુળકોટ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ ગાબડા પડવાના કારણે હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે નવાઈની વાત તો એ છે કે હજુ સુધી અહીં કોઈ રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી.
પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલ થકી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચી રહે તે માટે લાખો રૂપિયાના ખર્ચે માઇનોર કેનાલો બનાવવામાં આવી છે પરંતુ લેભાગુ કોન્ટ્રાક્ટરો ના પાપે નબળી કામગીરીને લઈ અવારનવાર માઇનોર કેનાલો તુટી જવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે હળવદ તાલુકાના ધુળકોટ અને મયુરનગર ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલની માઇનોર કેનાલમાં ત્રણ ત્રણ ગાબડા પડયા છે પરંતુ સુધી રીપેરીંગ કામ કરવામાં નથી આવ્યુ જેને કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
અહીં નવાઈની વાત તો એ છે કે ગાબડા પડ્યા હોવા છતાં પણ ગજવા ભરવામાં વ્યસ્ત કોન્ટ્રાક્ટરો રીપેરીંગ કામ કરવાની જાણ સુધ્ધા પણ લેતા નથી જેને કારણે ખેડૂતો સ્વખર્ચે કેનાલો રીપેરીંગ કરાવી રહ્યા છે અને ગાબડા બુરાવી રહ્યા છે પરંતુ કેનાલનું કામ એટલી હદે નબળું થયું છે કે એક જગ્યાએ ગાબડું બુરે તો થોડા દિવસમાં અન્ય જગ્યાએ ગાબડું પડે છે જેથી આ અંગે ખેડૂત સુરેશભાઈ ઠાકોર, અશ્વિનભાઈ લકુમ સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરો એ ભ્રષ્ટાચાર કરી માત્ર કહેવા પૂરતી જ માઇનોર કેનાલ બનાવી હોય તેમ અવારનવાર પડતા ગાબડાને કારણે અમારા મોલમાં પાણી ગરી જાય છે જેથી મોટા પાયે નુકસાની થતી હોય છે જેને કારણે રાજ્ય સરકાર વહેલી તકે આવા લેભાગુ કોન્ટ્રાક્ટરો સામે લાલા આખ કરે તે જરૂરી છે.