પોટેટે-રેસ, બેઝબોલ ફેંક, લંગડી, કોથળા દોડ સહિતની સ્પર્ધાઓ યોજાઈ: ક્ન્યાઓનાં સ્વરક્ષણ બાબતે સૌએ કટીબધ્ધ થવું જરૂરી: મેયર બિનાબેન આચાર્ય
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે રેસકોર્ષ એથ્લેટીક ગ્રાઉન્ડ ખાતે શહેર કક્ષાના બાળરમોત્સવનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં કલ્સ્ટર કક્ષાએ વિજેતા ત્રણ બાળ રમતવિર સહિત ધો. ૧ થી ૫ તથા ધો. ૬ થી ૮ના ૫૫૦ થી વધુ રમતવીરો જોડાઈને વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.
શહેર કક્ષના રમતોત્સવમાં ૫૦, ૧૦૦, ૨૦૦ મીટર દોડ, પોટેટોરેસ, બેઝબોલ ફેક, લંગડી, કોથળા દોડ ગોળાફેંક, કેરમ, ચેસ ગોળાફેંક જેવી વિવિધ રમતોની સ્પર્ધા યોજાય હતી.
બાળ રમોત્સવમાં મેયર બિનાબેન આચાર્ય શિક્ષણસમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વાઈસ ચેરમેન ભારતીબેન રાવલ, શિક્ષણ સમિતિ સદસ્યો મુકેશભાઈ મહેતા, કિરણબેન માકડીયા, સ્વનિર્ભર શાળા એસો.ના પ્રમુખ અજયભાઈ પટેલ, શાસનાધિકારી સંજયભાઈ ડોડીયા, સમગ્ર શિક્ષાનાં આરતીબેન લુંગાતર, મંડળના પ્રમુખ દિનેશ સદાસીયા, પ્રવિણભાઈ નિમાવત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બાળ રમોત્સવનાં પ્રારંભે સ્વાગત સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે તથા કાર્યક્રમ સંચાલન જુહીબેન માંકડ કરેલ હતુ. સમારોહમાં દરેક સી.આર.સી.માં શ્રેષ્ઠ કામગીરી કરનાર ૨૫ શિક્ષકોનું સન્માન તથા ચિત્રકુટ એવોર્ડ વિજેતા શિક્ષક ભારતીબેન મોણપરા વાવડી પ્રા. શાળા, તથા બેસ્ટ બી.એલ.ઓ રશ્મિબેન રામાણીને સન્માનીત કરાયા હતા.
બાળ રમોત્સવ પ્રારંગે ગર્લ્સ સેફટી એજયુકેશન સંદર્ભે સ્વરક્ષણ તાલીમનો ડેમો તે વિષયક માહિતી ઓફીસર આરતીબેન લુંગાતરે આપી હતી. કોચ રણજીતભાઈ ચૌહાણે સ્વરક્ષણનો ડેમો રજૂ કરેલ હતો. મહેમાનોએ પણ પંચ લગાવીને પ્રોજેકટ ખૂલ્લો મૂકાયો હતો. સમિતિની દરેક શાળામાં છોકરીઓને તાલીમ અપાશે.
સમુહ કવાયતમાં ૩૫૦થી વધુ છાત્રોએ આકર્ષક અંગ કસરતનાં દાવ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. દરેક સ્પોર્ટસ ઈવેન્ટમાં વિજેતા પ્રથમક ત્રણને ઈનામો, પ્રમાણપત્રો અપાયા હતા.
બાળ રમોત્સવ મશાલને ખૂલ્લી મૂકતા મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે ઈનડોર આઉટ ડોર રમતોથી છાત્રોનો શારીરીક વિકાસ સાથે માનસીક વિકાસ થાય છે. તેમનામાં ખેલદીલી ભાઈચારા જેવા ગુણો વિકસે ખાસ છોકરીઓએ સ્વરક્ષણની તાલીમ લેવી આજના યુગમાં તાતી જરૂરીયાત છે.
શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવેલ કે સમિતિનાં બાળકો શિક્ષણની સાથે રમતોમાં પણ રાજયકક્ષાએ વિજેતા થાય છે. આવા બાળ રમતોત્સવથી તેમનામાં વિવિધ ગુણોના સિંચન સાથે આજના સ્પર્ધાત્મક યુગમાં કેમ સફળતા મેળવવી તેની શીખ મળે છે.
સમગ્ર આયોજનમાં વ્યાયામ શિક્ષકોએ જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રમતોત્સવની સાથો સાથ ‘શ્રમદાન’ પણ શિખવ્યું!
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેર કક્ષાના રમોત્સવનું આયોજન થયું હતું. આ રમોત્સવ દરમિયાન કેટલાક શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે ખુરશીઓ ઉપડાવીને ‘શ્રમદાન’ કરાવ્યું હતું. રમતોત્સવની સાથો સાથ બાળકોને ‘શ્રમ’ના પાઠ શિક્ષકોએ ભણાવ્યા હતા.