કોંગ્રેસ ગાંધીજીના વિચારોને અનુસરે અથવા બાપૂના કહ્યા મુજબ પક્ષને વિખેરી નાખે: ભરત પંડયા
અમે તો વર્ષોથી કહીએ છીએ કોંગ્રેસને સિધ્ધાંતો સાથે કંઈ લાગે વળગે નહી: પ્રશાંત વાળાનું ટવીટ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ગાંધી નિર્વાણ દિન નિમિતે યોજાયેલા એક કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું હતુ કે કોંગ્રેસ હવે સિધ્ધાંતલક્ષી રહી નથી માત્ર સત્તાલક્ષી બની ગઈ છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખના આવા નિવેદનથી ભાજપ ગેલમાં આવી ગયું છે. તેઓના આ નિવેદન બાદ ભાજપના મીડિયા ક્ધવીનરે ટવીટ કરી પ્રહાર કર્યો હતો કે અમે તો વર્ષોથી કહીએ છીએ કે સિધ્ધાંતોને અને કોંગ્રેસના કંઈ લાગે વળગે નહી સત્તા માટે દેશના ભાગલા પાડતા પણ કોંગ્રેસ અચકાતા નથી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને આ વાત આટલા વર્ષ બાદ સમજાયું છે.
આ અંગે આકરી આલોચના કરતા ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સાચું જ બોલી ગયાં છે કે કોંગ્રેસ સિધ્ધાંતલક્ષી રહી નથી, માત્ર સત્તાલક્ષી થઈ ગઈ છે. લગભગ ૫૫-૬૦ વર્ષના શાસનકાળ દરમ્યાન કોંગ્રેસે ગાંધી વિચારોને અનૂરૂપ કોઈ ખાસ કાર્યો કર્યાં નથી. ગાંધીજી સત્ય,પ્રેમ અને અહિંસામાં માનતા હતાં. અત્યારની કોંગ્રેસ તેનાથી ઊલટું કરે છે.
અસત્ય બોલે છે, પ્રેમને બદલે વેરઝેર ફેલાવે છે અને અહિંસાને બદલે હિંસા ફેલાવવાના ષડયંત્રો રચે છે. ગાંધીજી જોડવામાં માનતાં હતાં. અત્યારની કોંગ્રેસ તોડવાની પ્રવૃતિ કરે છે.
કોંગ્રેસના નેતા દ્વારા ગાંધીની અટક લઈ લેવાથી ગાંધીજી બની જવાતું નથી. ૬૦ વર્ષના શાસનમાં કોંગ્રેસે ગાંધી વિચારને જ ખતમ કરી નાખ્યાં છે. કોંગ્રેસે ગાંધીજીના વિચારો સ્વચ્છતા,ખાદી,ગૌહત્યા પ્રતિબંધ, એકતા, સમરસતા માટે કામ ન કર્યું. જયારે ભાજપે નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ગુજરાતમાં ખાદી ખરીદવા માટે સાર્વજનિક અભિયાન કરવાનું હોય. મહાત્મા ગાંધીજીના જીવન દર્શન વિશ્વને બતાવવા મહાત્મા મંદિર, દાંડી કૂટીરનું નિર્માણ કરવાનું હોય.
સ્વચ્છતા અભિયાન દ્વારા ૧૦ કરોડ શૌચાલય સાથે ૬૯૯ જીલ્લા અને ૬ લાખ ગામોને ખુલ્લામાં શૌચમુક્ત-ભારત કરવાનું કામ કર્યું છે. ગાંધીજીની ૧૫૦મી જન્મજ્યંતિ નિમિત્તે તાજેતરમાં દેશની તમામ લોકસભા ક્ષેત્રમાં ભાજપના તમામ સંસદસભ્ય,ધારાસભ્ય અને આગેવાનોએ ગાંધી વિચારોને પ્રજા સુધી પહોંચાડવા પદયાત્રાઓ, સાયકલયાત્રા સહિત અનેક કાર્યક્રમો કર્યાં છે.
ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં રહેતાં હિન્દુ,શીખ જો તે ત્યાં નિવાસ કરવા માંગતા ન હોય તો તે દરેક દૃષ્ટિથી તેઓ ભારત આવી શકે છે.
આ સ્થિતિમાં તેઓને નોકરી આપવી અને તેમના જીવનને સામાન્ય બનાવવા ભારત સરકારનું પ્રથમ કર્તવ્ય છે. નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકાર ગાંધીજીના શબ્દોમાં સીએએ લાગુ કરીને ભારત સરકારનું પ્રથમ કર્તવ્ય નિભાવી રહી છે. પરંતુ, કોંગ્રેસના નેતાઓ આ ગાંધીજીની લાગણી અને અભિપ્રાયને માનતા નથી.
ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે કોંગ્રેસ ગુજરાતની શાંતિ, એકતા અને વિકાસ માટે ગાંધીજીના વિચારને-સત્ય,પ્રેમ અને અહિંસાને અનુસરે અથવા ગાંધીજીએ કહ્યું હતું કે, કોંગ્રેસને વિખેરી નાંખવી જોઈએ. તે પ્રમાણે કોંગ્રેસને વિખેરી નાંખે.