સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લીટરેચર ફેસ્ટીવલનો ખર્ચ મંજૂર કરવા સહિતની ૧૬ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય: બજેટમાં નવા કરબોજની સંભાવના નહિંવત
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે શુક્રવારે સ્ટેન્ડિંગ કમીટીની બેઠક મળશે. જ્યારે શનિવારના રોજ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ વર્ષ ૨૦૧૯-૨૦નું રિવાઈઝડ બજેટ અને વર્ષ ૨૦૨૦-૨૧નું સામાન્ય બજેટ દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરશે. ચાલુ વર્ષે મહાપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય બજેટમાં નવા કરબોજની સંભાવના ખુબજ નહીંવત છે. બજેટ મોટાભાગનું તૈયાર થઈ ગયું છે. માત્ર આવક-જાવકના આંકડાઓ મુકવાનું જ બાકી રહ્યું છે. બજેટ સંપૂર્ણપર્ણે સ્માર્ટ સિટીઆધારીત રહે તેવી સંભાવના હાલ જણાય રહી છે.
કાલે બપોરે ૧૨ કલાકે મહાપાલિકામાં મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં શહેરના વોર્ડ નં.૩માં ટીપી સ્કીમ નં.૨૩ના રસ્તાઓને મેટલીંગ કરવા, વોર્ડ નં.૧૮માં ઢેબર રોડ પર રોડની બંને સાઈડ મેટલિંગ કરવા, ટીપી સ્કીમ ૨૩ અને ૨૪માં બાકી રહેતા રસ્તાઓ પર મેટલીંગ કરવા, વોર્ડ નં.૧૨માં ગોકુલધામ, જલજીત મેઈન રોડ પર લાગુ શેરીઓમાં સ્ટ્રોમ ડેઈન વોટર લાઈન નાખવા, શહેરમાં મોન્સુન ગ્રાન્ટ અન્વયે નુકશાન પામેલા રસ્તાઓના પેવર કામના થર્ડ પાર્ટી ઈન્પેકશન કરાવવા માટે એજન્સીની નિયુક્તિ કરવા. પશ્ર્ચિમ ઝોનમાં સમાવિષ્ટ વોકળા તથા બોકસ ગટરની ફૂલટાઈમ કામદારો મારફત સફાઈ કરાવવા, મહાપાલિકાના કર્મચારીઓને ગણવેશ આપવા, રેસકોર્સ રીંગ રોડ પર પરમેનેન્ટ લાઈટીંગ ફીટ કરવા માટે થયેલો રૂા.૨૨.૫૦ લાખનો ખર્ચ મંજૂર કરવા, સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લીટરેચર ફેસ્ટીવલ અંતર્ગત થયેલ રૂા.૧.૨૦ કરોડનો ખર્ચ પૈકી મહાપાલિકાને ફાળે આવતો રૂા.૫૦ લાખનો ખર્ચ મંજૂર કરવા સહિતની અલગ અલગ ૧૬ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા આગામી શનિવારના રોજ કોર્પોરેશનનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. બજેટનું કદ ૨૦૦૦ કરોડ આસપાસ રહે તેવી સંભાવના જણાય રહી છે. ચાલુ વર્ષના અંતમાં મહાપાલિકાની ચૂંટણી યોજાવાની હોય. આવામાં બજેટમાં રાજકોટવાસીઓ પર કરબોજ લાદવામાં આવે તેવી શકયતા ખુબજ નહીંવત છે. છતાં જો કરબોજ માટે કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવશે તો સ્ટેન્ડિંગ કમીટી અભ્યાસ બાદ જ્યારે મંજૂરીની મહાર મારશે ત્યારે કરબોજ નકારી દે તેવી શકયતા નકારી શકાતી નથી.
વેરામાં વ્યાજ માફી યોજના મુકવા કોંગ્રેસની માંગણી
મહાપાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ આગામી શનિવારના રોજ મ્યુનિ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવનાર છે ત્યારે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા તથા દંડક અતુલભાઈ રાજાણી દ્વારા એવી માંગણી કરવામાં આવે છે કે, બજેટમાં મિલકત અને પાણી વેરામાં વ્યાજ માફી યોજના અમલમાં મુકવી જોઈએ. બજેટ લોકોની સુખાકારી સુવિધા અને જટીલ પ્રશ્ર્નોનું નિરાકરણ આપવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ગત બજેટમાં રજૂ કરવામાં આવેલા કામો પૈકી ૭૦ ટકા કામો પૂર્ણ થયા નથી ત્યારે આ વર્ષે બજેટમાં ખોટા સ્વપ્ન દેખાડવાને બદલે વાસ્તવિક બજેટ રજૂ કરવાની માંગણી કરી છે. જો ભાજપના શાસકો દ્વારા રાજકોટવાસીઓ પર ખોટો ટેકસ બોજ લાદવામાં આવશે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તેઓએ ચિમકી ઉચ્ચારી છે. બજેટમાં વ્યાજ માફી યોજના મુકવાની માંગણી કરવામાં આવી છે.