વિંછીયા ખાતે રૂા.૩૫૦૦ લાખના ખર્ચે બનનાર ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
રાજ્યના પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે જસદણ અને વીંછિયા વિસ્તારમાં વિકાસમાં કોઇ કચાસ નહિ રખાય અને ખુટતી વિકાસની કડીઓ ક્રમશ: પૂર્ણ કરાશે. વિછીયા ગામને આગામી સમયમાં તમામ પ્રાથમિક સુવિધાઓથી સજ્જ કરીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. રાજકોટ જિલ્લાના વિછીયા ખાતે રૂ.૩૫૦૦ લાખના ખર્ચે બનનાર ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપર મુજબ જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે વિછીયા ભૂગર્ભ ગટર યોજના માટે રૂા.૩૫૦૦ લાખની રકમ ગ્રોસ માટે મંજુર કરવામાં આવેલ છે. જેમાં રૂ.૧૩૭૦.૫૫ લાખના ખર્ચે કલેક્શન સિસ્ટમ, રૂ.૧૦૧ લાખના ખર્ચે રાઇઝિંગમેન, રૂા. ૩૦૩ લાખના ખર્ચે હાઉસ કનેક્શન, બે પમ્પિંગ સ્ટેશન, પમ્પીંગ મશીનરી અને સાધનો સાથેનું આયોજન થયેલ છે. તેમજ આ સૂએઝનું ગંદુ પાણી એકત્રિત કરી શુદ્ધિકરણ કરવા રૂ.૭૧૭.૧૮લાખના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે. આયોજના ૨૪ માસમાં પૂર્ણ કરી કાર્યાન્વિત કરવાનું આયોજન છે. ભૂગર્ભ ગટરથી નુકસાન થયેલ રસ્તાઓ પુન: આર.સી.સી. બનાવાશે.
વિંછીયા વિસ્તારના મંજૂર થયેલા વિવિધ વિકાસના કામોની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે વિછીયા ગામે સીધું પાણી મળે તે માટે જળાશય આધારિત રૂા. ૫૨ કરોડની યોજના મંજુર કરવામાં આવેલ છે. એશિયામાં ટ્રાફિક નિવારણ માટે રૂપિયા નવ કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. વિંછીયા વિસ્તારમાં ઉદ્યોગ વિકાસ અને રોજગારી માટે જીઆઇડીસી શરૂ કરાશે. ઉદ્યોગકારોને રાહત ભાવે પ્લોટો આપવામાં આવશે.
મંત્રી કુંવરજીભાઈ વધુમાં જણાવ્યું હતું કે વિછીયા તાલુકા મથકે વિવિધ ખાતાઓના કચેરીઓ કાર્યરત કરાશે. તાલુકા સેવા સદન મંજુર થયેલ છે. પાણી પુરવઠા બોર્ડના પેટા કચેરી ટૂંક સમયમાં શરૂ થશે. કોર્ટ-કચેરી માટે પણ મકાન મંજુર થયેલ છે.આઈટીઆઈનું મકાન રૂપિયા ૬ કરોડના ખર્ચે બનશે. વિછીયા તાલુકાના લોકોને આરોગ્ય સુવિધા માટે તાલુકા મથકે સામુહીક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે આયોજન કરાયેલ છે. વિંછીયા ખાતે વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચત્તર માધ્યમિક શાળા માટે અલગ મકાનની જોગવાઈ કરાયેલ છે. જસદણ વિછીયા વિસ્તારના ૪૧ શાળાઓને જ્યોતિગ્રામ યોજના અંતર્ગત વીજ કનેક્શન આપવા માટે રૂપિયા ૧૦ કરોડની જોગવાઈ કરીને મંજુર કરાયેલ છે.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષાબેન ડાભી, સરપંચ લીલાબેન રાજપરા, અગ્રણીઓ પોપટભાઈ રાજપરા, જિલ્લા પંચાયતના સભ્ય ચતુરભાઈ રાજપરા, અગ્રણીઓ ભુપતભાઇ રોજાસરા, કિશોરભાઈ ગોહિલ, દેવાભાઈ રાજપરા, કાળુભાઈ અન્ય તાલુકાના આગેવાનો, પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેર કોટા, કાર્યપાલક ઇજનેર જોધાણી, તાલુકા કાર્યપાલક ઇજનેર જોશી, મામલતદાર ભેસાણીયા તાલુકા વિકાસ અધિકારી ગોંડલીયા, વિનોદભાઈ વાલાણી, હિતેશભાઈ વાલાણી, કિશોરભાઈ ગોહિલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.