રાજકોટનું ૧૦.૬ અને નલિયાનું ૬.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન: સૌરાષ્ટ્રમાં સુસવાટા મારતાં ઠંડા પવનો: ફરી કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો
સૌરાષ્ટ્રમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ઠંડા પવનો વધવાથી ઠંડી પણ વધી છે. રાજકોટમાં આજે એક જ દિવસમાં ઠંડીનો લઘુત્તમ તાપમાનનો પારો ૬ ડિગ્રી પટકાયો છે અને તાપમાન ૧૦.૬ ડિગ્રી નોંધાયું છે. જ્યારે રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.
આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૦.૬ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૫.૮ ડિગ્રી નોંધાયું છે જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને ૧૧ કીમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે નલિયાનું લઘુત્તમ તાપમાન ૬.૫ ડીગ્રી અને મહતમ તાપમાન ૨૪.૫ ડિગ્રી નોંધાયું છે જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા અને ૮ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉતરભારતમાં ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. જેમા જમ્મુ-કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને દિલ્હીમાં પણ વરસાદ થતાં તાપમાનમાં ફેરફાર થયો છે જેની અસર ગુજરાત માં પણ જોવા મળી છે. હિમવર્ષાને કારણે રાજોરીમાં જનજીવન પ્રભાવિત થયું છે.
આજે રાજ્યભરના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૨.૧ ડિગ્રી, દિશાનું ૧૧.૨ ડિગ્રી, વડોદરાનું ૧૫.૮ ડિગ્રી, સુરતનું ૧૫ ડિગ્રી, રાજકોટનું ૧૦.૬ ડિગ્રી, કેશોદ-જુનાગઢનું ૧૧.૬ ડિગ્રી, ભાવનગરનું ૧૪.૬ ડિગ્રી, પોરબંદરનું ૧૩.૨ ડિગ્રી, વેરાવળનું ૧૪.૮ ડિગ્રી, દ્રારકાનું ૧૯.૧ ડિગ્રી, ઓખાનું ૧૬.૮ ડિગ્રી, ભૂજનું ૧૧ ડિગ્રી, નલિયાનું ૬.૫ ડીગ્રી, સુરેન્દ્રનગરનું ૧૨.૫ ડિગ્રી, અમરેલીનું ૧૧.૬ ડિગ્રી, મહુવાનું ૧૨ ડિગ્રી, દિવનું ૧૨.૪ ડિગ્રી અને વલ્લભ વિધાનગરનું ૧૨.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.