સ્વીગી અને ઝોમેટોએ દેશમાં પગદંડો જમાવ્યો: આગામી પાંચ વર્ષમાં ઓનલાઈન ખાણી-પીણીનાં વેપારમાં ભારતનો વિકાસ ૨૫ ટકાથી વધુનો રહે તેવી શકયતા
ભારત દેશમાં ખાણી-પીણીનો વેપાર પુરઝડપે ચાલે છે ત્યારે ઓનલાઈન ફુડ ડિલવરી મળતાની સાથે જ લોકોમાં આળસવૃતિનું કારણ ખુબ જ વધુ જોવા મળી રહ્યું છે. મનુષ્યનો જયારથી ઉદભવ થયો છે ત્યારથી આળસ તરફ લોકો અગ્રેસર થઈ રહ્યા છે ત્યારે આળસવૃતિનાં કારણે લોકોની પ્રગતિ પણ રૂંધાય રહી હોય તેવું લાગી રહ્યું છે. આજના સમયમાં લીઝરનાં મતલબને લોકો આળસ માને છે ત્યારે લોકોની આળસવૃતિને પારખી સ્વીગી અને ઝોમેટો તેમની જવાબદારી બખુબી નિભાવી રહ્યા છે અને ઓનલાઈન મારફતે તેઓને ખાણી-પીણી માટેની સેવાઓ પુરી પાડી રહ્યા છે. હાલ દેશમાં ડિજિટલાઈઝેશનનો વેગ વધતાની સાથે જ આગામી ૨ વર્ષમાં ખાણી-પીણીનો વેપાર રૂા.૫૬ હજાર કરોડને આંબશે તેવી આશા સેવાઈ રહી છે.
લોકો પાસે ઓનલાઈન ફુડ ડિલવરી અંગેની ઘણીખરી એપ્લીકેશનો ઉપલબ્ધ છે જેના પરથી લોકો તેમની મનપસંદ ખાવાની સામગ્રીઓ મંગાવી શકે છે. હાલ આ પ્રકારની એપ્લીકેશનોની કંપનીનાં સેન્ટરો દેશના ૫૦૦ શહેરોમાં આવી પહોંચ્યા છે અને તેઓનું માનવું છે કે, ગ્રાહકોની ખરીદ શકિત આ મુદ્દે દિન-પ્રતિદિન વધી રહી છે. ઓનલાઈન ખાણી-પીણીનાં વેપારમાં ૧૯ ટકાનો જે હિસ્સો છે તે જાહેરખબર માટેનો હોવાનું સામે આવ્યું છે જેમાં મધ્યમ વર્ગથી માંડી હાયર ઈન્કમ ગ્રુપનાં લોકોનો પણ સમાવેશ થાય છે. આંકડાકિય માહિતી મુજબ આગામી પાંચ વર્ષમાં ભારતમાં ખાણી-પીણીનો ઓનલાઇન વેપાર ૨૫ ટકાનાં ગ્રોથ સાથે આગળ વધશે અને ૧૩૦ બિલીયન ડોલર સુધી પહોંચશે તેવું લાગી રહ્યું છે તેમ બીસીજી ક્ધઝયુમર અને રીટેલ પ્રેકટીસનાં એમ.ડી. રચિત માથુરે જણાવયું હતું.
ગત વર્ષોની સરખામણીમાં લોકોની માંગને પહોંચી વળવા ખાણી-પીણી સાથે સંકળાયેલી ઓનલાઈન કંપનીઓનો ગ્રોથ ૬ ગણો વઘ્યો હતો અને આગામી સમયમાં તે વધુ વેગવંતો બનશે તેવું લાગી રહ્યું છે. હાલ દેશમાં સ્વીગી અને ઝોમેટો ભારતમાં ફુડ ડિલવરી માર્કેટમાં પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યા છે ત્યારે ગત સપ્તાહમાં ઝોમેટોએ કુબેર ઈટ ફુડ ડિલવરીને હસ્તગત કરી લીધું છે. ઓનલાઈન ફુડ ઓર્ડરમાં લોકો ડિલવરી ચાર્જ, ખાદ્યચીજવસ્તુઓની ગુણવતા સહિત અનેક મુદ્દાઓને ધ્યાને લેતા હોય છે. મેટ્રો સિટીઝ કે જે ટાયર-૧ શહેરોની યાદીમાં આવતા હોય છે તે શહેરનાં લોકો મુખ્યત્વે ઓનલાઈન ખાદ્ય ચીજ-વસ્તુઓ મંગાવવાનું ટાળે છે કારણકે તેમના દ્વારા મંગાવવામાં આવતા ખાદ્ય ચીજ-વસ્તુઓ માટેનો ડિલવરી ચાર્જ અત્યંત વધુ હોય છે સાથો સાથ બીજી તરફ લોકોનો જે ભરોસો ઓનલાઈન એપ્લીકેશન ઉપર હોવો જોઈએ તે પણ જોવા મળતો નથી. પહેલા ઓનલાઈન ફુડ મંગાવવું તે એક શોખ હતો પરંતુ જેમ-જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેની સામે લોકોની આળસવૃતિમાં પણ વધારો થઈ રહ્યો છે જેનાં કારણોસર ઓનલાઈન ફુડ બજાર ધમધમી રહી છે અને આગામી દિવસોમાં પણ તે પુરઝડપે ચાલશે તેવું લાગી રહ્યું છે.