ઘઉંમાં બમ્પર ઉત્પાદન થશે: રવિ પાકમાં ૮.૫ ટકા સુધીનું ઉત્પાદન વધે તેવી આશા વ્યકત કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ: મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઉત્પાદન સારૂ મળશે
ભારતમાં ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે જળોત મુદ્દે ખેડૂતોને કોઈ ચિંતા નથી ત્યારે ભારે વરસાદ બાદ કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડયો હોવાના કારણે પાકને નુકશાન થશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી હતી. જો કે આ દહેશત પાયા વિહોણી હોય તેવું જણાય રહ્યું છે. કમોસમી વરસાદ નહીં પરંતુ ચોમાસુ જેમ મોડુ શરૂ થયું તેમ મોડે સુધી ચાલ્યું હતું. પરિણામે એકસ્ટેડેડ ચોમાસાના કારણે અનાજનું ઉત્પાદન વધશે તેવું સ્કાયમેટ સંસ્થાનું કહેવું છે.
હવામાન ક્ષેત્રે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા અનાજના ઉત્પાદન મુદ્દે આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ એકસ્ટેડેડ વરસાદના કારણે આગામી ઘઉંનું ઉત્પાદન બમ્પર રહેશે તેવું જણાવાયું છે. ઘઉંના ઉત્પાદનમાં આગામી દિવસોમાં ૧૦ ટકાનો ઉછાળો જોવા મળે તેવી શકયતા સ્કાયમેટ દ્વારા વ્યકત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯-૨૦માં રવિ પાકમાં ઘઉંનું ઉત્પાદન ૧૦ ટકા વધુ એટલે કે, ૧૧૩ મીલીયન ટન થશે તેવી આગાહી સ્કાયમેટ દ્વારા થઈ છે. ગત વર્ષે ઘઉંનું ઉત્પાદન ૧૦૨.૨ મીલીયન ટન હતું. સારા વરસાદના કારણે તેલીબીયાના ઉત્પાદનમાં પણ ઉછાળો જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. રવિ પાક માટે ચાલુ વર્ષે અનુકુળ વાતાવરણ જોવા મળ્યું છે.
ઘઉંની સાથે રાય અને ચણાનું ઉત્પાદન પણ વધે તેવો અદાજ છે. આ સાથે એવું પણ જણાવાયું છે કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઘઉં, ચણા સહિતના પાકનું ઉત્પાદન વધુ જમીનમાં કરવામાં આવ્યું હતું.
ગત વર્ષે ઉત્પાદન ૫૯૭ લાખ હેકટરમાં થયું હતું. જ્યારે ચાલુ વર્ષમાં ઉત્પાદન ૬૫૪ લાખ હેકટરમાં થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઉત્પાદનમાં તોતીંગ વધારો જોવા મળશે. આંકડા મુજબ મહારાષ્ટ્રમાં ઘઉંની ઉત્પાદન ૮૦ ટકા સુધી જ્યારે ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન ૭૨ ટકા જેટલું વધે તેવી શકયતા છે. ગત વર્ષની સરખામણીએ સરેરાશ રવિ પાકમાં ઉત્પાદનનું પ્રમાણ ૮.૭ ટકા જેટલું વધશે તેવું જણાવાયું છે. આ ઉપરાંત ચોખાનું ઉત્પાદન પણ ૨૩ ટકા જેટલું વધશે. કઠોળમાં પણ ૫.૭ ટકાનો ઉછાળો જોવા મળશે તેવું સ્કાયમેટનું કહેવું છે. અહીં નોંધનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદનો સાક્ષી દેશ બન્યો હતો. દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો. જો કે છેલ્લા થોડા વર્ષોથી વરસાદનું પ્રમાણ ઓછુ રહેતા આ ભારે વરસાદ આશિર્વાદરૂપ સાબીત થયો છે. આ સાથે વરસાદ લંબાયો હોવાના કારણે પ્રારંભીક તબક્કે ખરીફ પાકમાં પણ ઉત્પાદન વધે તેવું માનવામાં આવે છે. વર્તમાન સમયે ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા આગામી સમયમાં ઉત્પાદન ૧૦ ટકા જેટલું વધશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે.