‘મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્રેન્સી’ બીલને કેન્દ્ર સરકાર દ્વારા લીલીઝંડી: આગામી સત્રમાં સંસદમાં મુકાશે
મોદી સરકારે આજરોજ મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેન્સી બીલ ૨૦૨૦ને મંજૂરી આપતા અપરિણીત કે એકલી રહેતી મહિલાઓને ગર્ભપાત માટેનો હકક મળ્યો છે. તેની સાથો સાથ ૨૪ સપ્તાહ એટલે કે ૬ મહિનાની પ્રેગ્નેન્સી હશે ત્યારે પણ ગર્ભપાત થઈ શકે તે માટેની અડચણો દૂર થવા પામી છે. પ્રેગ્નેન્સી એકટ ૧૯૭૧માં સંશોધનનો રસ્તો મોદી સરકારે ખુલ્લો કર્યો છે. આગામી સત્રમાં આ બીલને સંસદમાં રજૂ કરવામાં આવશે.
હાલમાં જે કાયદો છે તે અંતર્ગત ગર્ભ-નિરોધક કામ ન કરે અથવા અનિચ્છીત ગર્ભના ગર્ભપાત માટે કાયદામાં માત્ર પરણિત મહિલાઓના કેસ માન્ય રાખવામાં આવે છે. કાયદા મુજબ સગીર યુવતીઓ માટે પેરેન્ટસની લેખિત પરવાનગી જરૂરી છે જ્યારે અપરણિત મહિલા ગર્ભ-નિરોધકના કામ ન કરવાને ગર્ભપાતનું કારણ ગણાવી શકતી નહોતી. આ સાથે ગર્ભવધિને ૨૦ અઠવાડિયાથી વધારીને ૨૪ અઠવાડિયા કરવાનો પણ પ્રસ્તાવ છે. જેમાં દિવ્યાંગ અને સિંગલ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભ્રૂણને કોઈ અસમાન્યતા હોય તો ૨૦ અઠવાડિયા બાદ કોઈ પણ સમયે ગર્ભપાતની પરવાનગી મળી શકશે. કાયદાકિય રીતે માતાના જીવને જોખમ હોવું, રેપને કારણે ગર્ભધારણ થવું, બાળકના શારીરિક-માનસિક દુર્બળ હોવા પર ગર્ભ નિરોધકના કામ ન કરવ પર ગર્ભને ૨૦ અઠવાડિયાની અંદર ગર્ભપાત કરાવી શકાય છે. સૂત્રોએ જણાવ્યું છે કે સરકારે અપરણિત મહિલાઓ માટે કાયદામાં સમાવેશ કરવાથી સિંગલ મહિલાઓની સેક્શુઅલ એક્ટિવિટી સાથે જોડાયેલા સામાજિક ટેબૂમાં ઘટાડો થશે.
અહીં ઉલ્લેખનીય છે કે, મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેન્સી બીલમાં ગર્ભપાત કરાવવાની મર્યાદા વધારવામાં આવશે. અગાઉ આ મામલે અદાલતમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન અદાલતે કેન્દ્ર સરકારને વિવિધ મુદ્દે આદેશ કર્યા હતા. ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ગર્ભપાતની સમય મર્યાદા ૨૦ સપ્તાહમાંથી વધારી ૨૪ થી ૨૬ સપ્તાહ કરવા અંગે મંત્રાલયે વિચાર વિમર્શ શરૂ કર્યો હતો. દરમિયાન આજે કેબીનેટ દ્વારા મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેન્સી બીલ ૨૦૨૦ને મંજૂરી આપવામાં આવી છે.