૨૦ પ્લેટફોર્મ, ડિજિટલ ડિસ્પ્લેમાં બસની આવન-જાવનની માહિતી, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેઈટીંગરૂમ, સુપર માર્કેટ, સિનેમા ગૃહ, હોટેલ, ગેસ્ટ હાઉસ સહિતની સુવિધાઓ
બસ પોર્ટની દિવાલો પર ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર અને સોરઠની સંસ્કૃતિને જીવંત કરવામાં આવી
રાજકોટના એરપોર્ટ સમાન બસપોર્ટનું આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. સુપર માર્કેટ, સિનેમા ગૃહ, હોટેલ, ગેસ્ટ હાઉસ સહિતની સુવિધાઓ વાળુ એરપોર્ટ સમાન બસપોર્ટનું સ્વપ્ન રાજકોટવાસીઓનું સાકાર થયું છે. ૨૦૧૨૦ ચો.મી.માં પરાયેલા બસપોર્ટમાં ૨૦ પ્લેટફોર્મ, ડિજીટલ ડિસ્પ્લે સાથે આવા ગમન સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
પ્રજાસત્તાક પર્વની પૂર્વે એટલે કે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રૂા.૧૫૦ કરોડના ખર્ચે એરપોર્ટ સમાન બસપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એરપોર્ટ કક્ષાના બસ પોર્ટમાં ટિકિટ કાઉન્ટર અને પુછપરછ કેન્દ્ર ડિજીટલ ડિસ્પ્લે સાથે આવાગમનની માહિતી, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેરીયેબલ સાઈન બોર્ડ, બસ સ્ટેન્ડ ઓફિસ, સીસીટીવી કેમેરા, વોલ્વો વેઈટીંગ રૂમ, વ્હીલચેર, લગેજ ટ્રોલી, બેઠક વ્યવસ, કેન્ટીન, રેસ્ટોરન્ટ અને કલોકરૂમ પણ રાખવામાં આવી છે. બસ પોર્ટમાં ૨૦ એલઆઈટીંગ અને બોર્ડીંગ પ્લેટફોર્મ, ઈન્કવાયરી રિઝર્વેશન અને ટીકીટીંગ ઓફિસ, પાર્સલ રૂમ, સ્ટોરરૂમ, જનરલ વેઈટીંગ, લેડીઝ વેઈટીંગ રૂમ, વોલ્વો વેઈટીંગ રૂમ, મુસાફર ટોયલેટ બ્લોક, લેડીઝના ૭ શૌચાલય અને ૧૧ યુરીનલ અને જેન્ટસના ૧૨ શૌચાલય અને ૨૦ યુરીનલ ઉપરાંત ૧૮૩૦૦ ચો.મી.નો પાર્કિંગ વિસ્તાર ઉપલબ્ધ બનાવવામાં આવ્યો છે.
બસપોર્ટમાં સોરઠ, હાલાર, ગોહિલવાડ અને ઝાલાવાડની સંસ્કૃતિને જીવંત કરાઈ છે. જેમાં સોરઠમાં કવી કલાપી, સોમનાથનું મંદિર, જૂનાગઢમાં જૂનાગઢનો મકબરો, વીરપુરમાં જલારામબાપાનું મંદિર અને પોરબંદર જેમની જન્મભૂમિ છે તેવા મહાત્મા ગાંધીનો ચરખો, સોરઠનો સિંહ, ગીરનારનો રોપ-વે, વેરાવળનાં દરિયામાં જતુ જહાજ બતાવાયું છે. હાલારને દર્શાવતું દ્વારકાનું જગત મંદિર, ગૌમંડલ ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે રાજકોટની આલ્ફેડ હાઈસ્કૂલ અને મોરબીના નળીયા, વોલ કલોક અને ઝુલતો પુલ, રાજકોટની ડિજલ એન્જીંન, ગોંડલની વિન્ટેજ કાર અને જામનગરની બાંધણી દર્શાવાઈ છે. ઝાલાવાડના ચિત્રોમાં ત્રિનેશ્ર્વર મંદિર, સુરેન્દ્રનગરનો જિંઝુવાડા ગેઈટ, મીઠાનું ઉત્પાદન કરતું ખારાઘોડાનું રણ, તરણેતરના મેળાની છત્રી, જંગલી ગધેડાનું અભિયારણ તેમજ ગોહિલવાડને દર્શાવતા ચિત્રમાં ભાવનગરના પાલિતાણાનું મંદિર, મોરારીબાપુના હસ્તાક્ષરી લખાયેલું રામ, સારંગપુરના હનુમાનજી, ભાવનગરનો ડાયમંડ ઉદ્યોગ સહિતના ચિત્રો નજરે પડે છે. ઢેબર રોડ પર નિર્મિત બસ પોર્ટનું વિજયભાઈના હસ્તે લોકાર્પણ થયું જેમાં રાજ્ય કક્ષાના વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, આર.સી.ફળદુ, મુખ્ય મહેનાત તરીકે ઉપસ્થિત રહ્યાં હતા ત્યારે અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી અને મેયર બીનાબેન આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.
ચાર જમ્બો ફેનનું આકર્ષણ
રાજકોટના એરપોર્ટ સમાન બસપોર્ટમાં વિજળી બચાવ અભ્યાનને સાર્થક કરાયું છે. બસપોર્ટમાં ચાર જમ્બો ફેન મુકવામાં આવ્યા છે. જેમાં એક ફેન ૩૬ પંખાની ગરજ સારે તેવી હવા ફેંકે છે. બસ પોર્ટમાં વધુ પંખા ન નાખવા પડે તે માટે જમ્બો ફેન મુકાયા છે જેનાથી વિજળીની બચત થશે અને ચાર પંખાથી મુસાફરોને ગરમીમાં રાહત થશે.