ધારસભ્ય પદે ચુડાસમાના વિજયને પડકારતા કેસમાં તમામ પક્ષોની સુનાવણી પૂર્ણ જાહેર કરતી હાઇકોર્ટ: ૧૦મી ફેબ્રુઆરી સુધી પક્ષકારો લેખીત રજુઆત કરી શકશે
રાજયની રૂપાણી સરકારમાં શિક્ષણ, કાયદા સહીતના મહત્વપૂર્ણ ખાતાઓ સંભાળતા વરિષ્ઠ કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિૈહ ચુડાસમાના મંત્રીપદ પર ટુંક સમયમાં ખતરો ઉભો થાય તેવી સંભાવનાઓ ઉભી થવા પામી છે. વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ધોળકા બેઠક પર ૩૨૭ મતની નજીવી સરસાઇથી જીતેલા ભુપેન્દ્રસિંહની જીતને તેમના હરીફ એવા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ગુજરાત હાઇકોર્ટમાં પડકારતી અરજી કરી હતી. આ અરજીમાં ચૂંટણી અધિકારીએ મત ગણતરીમાં ગેરરીતી આચરીને ચુડાસમાને વિજયી જાહેર કરવામાં આવ્યાનો આક્ષેપ કરીને ન્યાયની દાદ માંગવામાં આવી હતી. ગઇકાલે ગુજરાત હાઇકોર્ટે આ કેસના તમામ પક્ષોની સુનાવણી પૂર્ણ જાહેર કરીને પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. હવે આ કેસના તમામ પક્ષકારો ૧૦મી ફુબ્રઆરી સુધી લેખીતમાં રજુઆત કરી શકશુે.
વર્ષ ૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ધોળકા બેઠક પર ભાજપના વરિષ્ટ આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે ૩૨૭ મતોની વિજયી જાહેર થયા હતા. અશ્ર્વિન રાઠોડે ભુપેન્દ્રસિંહને ચૂંટણી અધિકારી ધવલ જાની દ્વારા ચુંટણી પંચના નિયમો વિરુઘ્ધ જઇને ખોટી રીતે વિજયી જાહેર કર્યાના આક્ષેપ સામે ગુજરાત હાઇકોર્ટમાં આ જીતને પડકારી હતી. આ અરજીમાં ચુંટણી અધિકારી જાનીએ ૪૦૦ જેટલા બેલેટ પેપરને ખોટી રીતે રદ જાહેર કરીને ગણવાનો ઇન્કાર કરીને ચુડાસમાને વિજયળી જાહેર બનાવવા ગેરરીતી આચરી હોવાનો આક્ષેપ કરાયો હતો. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત હાઇકોર્ટમાં આ કેસ ચલાવવા સામે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી. આ દાદ માટે કેસને કરેલા સોગંદનામામાં ગુજરાત હાઇકોર્ટમાં તટસ્થતાથી ન્યાય તોળાશે કે કેમ? તે મુદ્દે શંકા વ્યકત કરી હતી. રાજયના કાયદા મંત્રીનું ખાતા સંભાળતા ભુપેન્દ્રસિંહ રાજયના ન્યાય વિભાગની તટસ્થતા સામે પ્રશ્ર્નાર્થે ઉભા કરતા ભારે રાજકીય વિવાદ થયો હતો.
જો કે, સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગુજરાત હાઇકોર્ટ ન્યાય આપે તે પછી સાંભળવાનો હુકમ કર્યો હતો. જેથી આ કેસ ગુજરાત હાઇકોર્ટમાં જજ પરેશ ઉપાઘ્યાયની કોર્ટમાં શરુ થયો હતો. જજ ઉપાઘ્યાયે પણ ગુજરાત હાઇકોર્ટની તટસ્થતા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સોંગંદનામુ કરનારા ચુડાસમાની આકરી ટીકા કરીને જણાવ્યું હતું કે રાજયના કાયદામંત્રીને રાજયના ન્યાયતંત્રમાં વિશ્વાસન હોય તો હાઇકોર્ટ બંધ કરી દેવી જોઇએ. આ કેસની સુનાવણી દરમ્યાન રાજય સરકારે આ ચુંટણી પરિણામોમાં ગેરરીતી આચરવાનો જેમના પર આરોપ છે તે ધવલ જાનીને પ્રમોશન આપ્યું હતું. જે સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યકત કરતાં જાનીનું પ્રમોશન રાજય સરકારે પરત ખેંચી લીધું હતું. આ કેસમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાક્ષી ન હોવા છતાં તેમણે હાઇકોર્ટમાં પોતાનો પક્ષ રાખવાની માંગ કરી હતી. જેને હાઇકોર્ટે માન્ય રાખતા ભુપેન્દ્રસિંહે ઉપસ્થિત થઇને સુપ્રીમ કોર્ટમાં તેમને કરેલા સોગંદનામામાં હાઇકોર્ટની તટસ્થતાના મુદ્દે કરેલી ટીકા બદલ માફી માંગી હતી.
આ કેસની ગઇકાલે જજ પરેશ ઉપાઘ્યાયે તમામ પક્ષોની સુનાવણી પૂર્ણ કરીને પોતાનો ચૂકાદો અનામત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ કેસમાં કોઇ પક્ષકારને રજુઆત કરવી હોય તો તેઓ ૧૦મી ફેબ્રુઆરી સુધીમાં લેખીતમાં રજુઆત કરી શકશે. તેમ જજ ઉપાઘ્યાયે જાહેર કર્યુ હતું. આમ, આ કેસનો આગામી એકાદ માસમાં ચૂકાદો આવવાની સંભાવના સેવાય રહી છે. જેથી, કાયદામાંથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ‘ન્યાય’ ગુજરાત હાઇકોર્ટ તેમની રાજકીય કારકીર્દી માટે મહત્વપૂર્ણ નિર્ણય આવશે તેમ રાજકીય પંડીતોનું માનવું છે.