મઘરવાડા ગામે ૬૬ કે.વી. સબસ્ટેશન સહિત રૂ. ૭.૯૧ કરોડના વિકાસકામોના મંત્રીના હસ્તે ગણેશ રાજ્યના આદિજાતી વિકાસ, વન તથા મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, રાજયના ખેડૂતોને ગુણવત્તાસભર વીજળી પુરી પાડવા રાજયસરકાર પ્રતિબધ્ધ છે.
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે મઘરવાડા ખાતે યોજાયેલા વીજ સબ સ્ટેશન લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી ગણપતભાઇ વસાવાએ કહયું હતું કે, રાજ્ય સરકારે વિકાસના કાર્યોથી છેવાડાના વિસ્તારોને આવરી લીધા છે. આ ઉજવણી અન્વયે છેલ્લા એક માસમાં રાજકોટ ખાતે ૯૪૧ કરોડ રૂપિયાના ખર્ચે ૩૯૬ વિકાસ કામોના શુભારંભ થયો હોવાની માહિતી પણ મંત્રીએ ઉપસ્થિતો સમક્ષ રજૂ કરી હતી. ચાલુ વર્ષે નવા છ વીજ સબ સ્ટેશન સ્થાપવાની મંત્રીની જાહેરાતને ઉપસ્થિતોએ તાળીના ગડગડાટથી વધાવી હતી. રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણલક્ષી યોજનાની સવિસ્તર માહિતી મંત્રી વસાવાએતેમના વક્તવ્યમાં રજૂ કરી હતી.
રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજકોટ તાલુકાના મઘરવાડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી ગણપતભાઈ વસાવાએ ૬૬ કીલોવોટના વીજ સબસ્ટેશન તથા પારેવાડા અને ભુપગઢ ગામોએ રૂપિયા ૫૦ લાખના ખર્ચે બનેલા બે પેટા આરોગ્યકેન્દ્ર તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું. મંત્રી ગણપતભાઇએ નવનિર્મિત મઘરવાડા વીજ સબ સ્ટેશનની મુલાકાત લીધી હતી, અને આ સબ સ્ટેશનની યોગ્ય જાળવણી કરવા અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી. મઘરવાડા ખાતે બનેલા નવા વીજ સબ સ્ટેશનથી પારેવાડા, ચાંચડીયા, મેસવાડા, બારવણ, મઘરવાડા અને સાયપર ગામોના નાગરિકોને પુરતા દબાણવાળી વીજળીનો લાભ મળશે.
મંત્રી વસાવાના હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મઘરવાડા પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજુ કર્યું હતું. જે તમામ બાળાઓને મંત્રી ગણપતભાઇએ રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરી હતી. જેટકોના એડિશનલ ચીફ એન્જિનિયર એન. એન. ભટ્ટના સ્વાગત પ્રવચન બાદ આમંત્રિતોનું મગની થેલીથી સ્વાગત કરાયું હતું. સ્થાનિક અગ્રણીઓએ મંત્રીનું હાર પહેરાવી બહુમાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય નાથાભાઈ મકવાણા અને બચુભાઇ, તાલુકા પંચાયત સભ્ય ભરતભાઇ ગોહિલ, અગ્રણી ગૌતમભાઇ કાનગડ, રાજકોટ લોધિકા સંઘના ડીરેકટર ધનાભાઇ ચાવડા, મઘરવાડાના સરપંચ રામજીભાઇ રાઠોડઅને ઉપસરપંચ શૈલેષભાઇ ટોપિયા, તાલુકા વિકાસ અધિકારી પરમારતથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉ૫સ્થિત રહયા હતા.