રાજકોટના શખ્સની લાંબા સમયથી ચાલતા ઘોડીપાસાના જુગારધામ પર દરોડામાં આઠને પકડયા બાદ જવા દઇ લાખોની રોકડ પરત કરવી પડી
મિત્ર દ્વારા પાર્ટી યોજવામાં આવ્યાનું પોલીસે જાહેર કરી ભીનું સંકેલી લીધું
થાન નજીક આવેલા સોનગઢ નજીક રાજકોટના શખ્સે લાંબા સમયથી શરૂ કરેલી જુગાર કલબ પર એલસીબી અને થાન પોલીસે સયુંકત દરોડો પાડતા થયેલી નાસભાગમાં રાજકોટના સોની યુવાનનું કૂંવામાં પડી જતાં મોત નીપજયું છે. રાજકોટના ત્રણ સહિત આઠની ધરપકડ કરી હતી પરંતુ નાસભાગમાં યુવકનું મોત થયાનું જાહેર થતા પોલીસે પકડેલા શખ્સોને રોકડ પરત આપી મુક્ત કરી સમગ્ર પ્રકરણ ભીનું સંકેલી લીધું હતું.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ થાન પાસેના સોનગઢ ખાતે છેલ્લા કેટલાક સમયથી રાજકોટના નામચીન શખ્સે શરૂ કરેલી જુગાર કલબમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીના શખ્સો જુગાર રમવા આવે છે. ગત તા.૧૯મીએ રાતે પોલીસે અચાનક દરોડો પાડયો હતો.
પોલીસે જુગાર રમતા થાનના યુવરાજભાઇ ખાચર, લાલભા જરૂ, જયરાજભાઇ ધાધલ, રાજકોટના ભાવેશ જયંતી જરૂ, તેજશ જયંતી જરૂ, રજાક નુરમહંમદ, પરેશ અને રઘુભાઇ મુંધવા સહિતના શખ્સોને ઝડપી લીધા હતા પરંતુ દરોડા દરમિયાન થયેલી નાશભાગમાં રાજકોટના ગોપાલનગરમાં રહેતા અમિત સુર્યકાંતભાઇ ગેડીયા નામના ૪૦ વર્ષના સોની યુવાન અંધારાના કારણે કૂંવામાં ખાબકતા તેને થાન હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું.
પોલીસે જુગાર દરોડા દરમિયાન રાજકોટના યુવકનું મોત થતા જુગાર રમતા પકડેલા આઠેય શખ્સોને મુકત કરી કબ્જે કરેલી રોકડ પરત કરી દીધી છે.
જુગારના દરોડામાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો
પોલીસ દ્વારા જુગારનો દરોડો પાડવામાં આવે ત્યારે થતી નાસભાગના કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. શહેરની ભાગોળે રોણકી પાસેની નદીમાં જુગાર અંગે પ્ર.નગર પોલીસે દરોડો પાડયો ત્યારે થયેલી નાસભાગમાં નામચીન મહંમદગોલીના પુત્રનું પડી જતા મોત નીપજ્યું હતું. તે રીતે બે વર્ષ પહેલાં માંગરોળ પાસે જુગાર અંગે પોલીસે દરોડો પાડયો ત્યારે જુગાર રમવા ગયેલા જેતપુરના વિપ્ર યુવાનનું કૂંવામાં પડી જતા મોત નીપજયું હતું જ્યારે જામજોધપુર ખાતે જુગાર દરોડા દરમિયાન થયેલી નાસભાગમાં એક યુવાનનું પડી જતા મોત નીપજયું હતું.