બાળકના જીવનમાં પ્રથમ છ વર્ષ તેમને તંદુરસ્ત અને જવાબદાર નાગરિક બનાવવામાં મહત્વનો ફાળો ભજવે છે: તેમના મગજનો ૯૦ ટકા વિકાસ પણ આ સમયગાળા દરમિયાન થાય છે: બાળકોના રસ-રૂચી-વલણોને ધ્યાને લઈ બાળકો માટે સર્વાંગી વિકાસના કાર્યક્રમો થાય તે અતી આવશ્યક છે: આજનો બાળક આવતીકાલનો નાગરીક છે, તેનું શ્રેષ્ઠ ઘડતર એ સૌની જવાબદારી છે
૬ થી ૧૪ વર્ષની વયે બાળકો જે આવડત, કૌશલ્ય, મૂલ્યશીખે છે તેની લાંબે ગાળે અસર થાય છે આ સમયમાં બાળકોને પ્રોત્સાહિત કરે તેવા અનુભવો-કાર્યક્રમો-ઈન્ડોર-આઉટ ડોર રમતો સ્પર્ધા સાથે તેનો સર્વાંગીય વિકાસ થાય તેવા બાળ કાર્યક્રમોની જરૂર છે પણ રાજકોટમાં એક-બે સંસ્થા સિવાય કયાંય ‘ટબુકડા બાલ-દોસ્તો’ માટે આયોજન નથી થતું : શાળાઓએ પણ તેમનામાં રહેલી વિવિધ છુપી કલાને ઉજાગર કરવાનું કાર્ય કરવું પડશે આ માટે અભ્યાસની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરવી પડશે, કારણ કે બાળકોનાં શારીરીક વિકાસની સાથે સામાજીક માનસિક વિકાસમાં શાળાઓ અને બાલ સંસ્થાનો વિશેષ ફાળો હોય છે
આજનાં બાળકોનાં અધિકારો માટે આપણે કે મા-બાપો કેટલા જાગૃત છે. રાજકોટની વિવિધ હજારો સંસ્થામાંથી કેટલા બાળ કાર્યક્રમો યોજે છે ? યુવા-મહિલા, સીનીયર સીટીઝન માટે યોજાતા કાર્યક્રમોની સામે બાળકોનાં કેટલા કાર્યક્રમો થાય છે. નાની-નાની બાળ સ્પર્ધા યોજવાથી કંઈ નહી વળે !! શાળા સંચાલકો, શિક્ષકો, વાલીઓ વિગેરે સાથે બધાની જવાબદારી છે કે બાળકોને ખીલવાનું, તેનામા રહેલી વિવિધ કલાને , આવડતને ‘પ્લેટફોર્મ’ પૂરૂ પાડીને પ્રોત્સાહિત કરે. બાળકનો તબકકાવાર વિકાસ એ બધાની જવાબદારી છે.
આજના બાળકને દોડવું -કૂદવું-ચઢવું રમતો રમવી પુસ્તકો વાંચના-નવું નવુ કરવું ચર્ચા કરવી વિગેરે ગમે છે પણ આજે બાળકોને સાંભળનારૂ કોણ? બાળકોની જીજ્ઞાસાથી ઉદભવતા પ્રશ્ર્નોના સાચા વૈજ્ઞાનિક જવાબો કોણ આપશે શહેરમાં હોબીસેન્ટર કે જેમાં માટીકામ, ચિત્રકલા, વેસ્ટમાંથી બેસ્ટ જેવી વિવિધ કલા શોખનાં સેન્ટરો હોવા જોઈએ પણ કયાં છે? ચિલ્ડ્રન પાર્કમાં પણ ‘હિંચકે’ મોટા બેસી જાય છે. બાળકો રાહ જોવે છે !! રાજકોટમાં ‘શેરી રમતો’નું ચલણ હમણા વધ્યું છે. જેનાથી વર્ષો પહેલાની રમતો બાળકો-મમ્મી-પપ્પા સાથે રમે છે. પણ રાજકોટમાં વિવિધ સંસ્થાઓ બધા માટે કાર્યક્રમો કરશે પણ બાળકો માટે શું કરે છે? પહેલાતો બાળનાટકો આવતા તા હવે એ પણ બંધ થઈ ગયા.
સહ અભ્યાસિક પ્રવૃત્તિનું બાળકના સર્વાંગી વિકાસમાં બહુ મહત્વ છે. તેનામાં રહેલી વિવિધ છુપી કલાને નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવીને તેનો વિકાસ કરાવી શકે એવી સંસ્થા કેટલી ? અગાઉ તો દાદા=-દાદી વાર્તા કહીને પણ જીવનમૂલ્યો સાથે વિવિધ સંસ્કાર-ગુણોનું સિંચન કરતા !! પણ રાજકોટમાંતો ‘બાળ સંસ્થા’ઓની જ ખોટ છે!! બાળક જાય તો કયાં જાય !!
બાળક એક સુંદર ચિત્ર-સંગીત છે, આપણે ફકત જોવાની અને સાંભળવાની જરૂર છે. બાળક ઈશ્ર્વરનું સ્વરૂપ માનવામાં આવે છે.તેની નિર્દોષતા સૌ કોઈના મન હરી લે છે. અગાઉ બાળકો માટે વિવિધ કાર્યક્રમો-પ્રોજેકટ-બાલ મહોત્સવો થતા અત્યારે ૨૧મી સદીમાં બાળક જ ‘મોબાઈલ’માં ગુચવાય જવાથી તેને જ રસ નથી. બાળકોમાં આ ટેવ ખુદ મા-બાપે જ પાળી છે. આજે શાળાકીય લેવલે વિવિધ સ્પર્ધા શાળાનો વાર્ષિક ઉત્સવ જેવા કાર્યક્રમો યોજાય છે. તો સરકારી શાળામાં પરિપત્રો વાળા કલા મહોત્સવ, રમોત્સવ, બાળમેળા જેવા કાર્યક્રમો થાય છે. શિક્ષકે બાળકને ભણાવવાનો હોતો જ નથી તેને ભણતો કરવાનો છે.
બાલ મનોવિજ્ઞાન બાળકોની વિવિધ સ્પર્ધા ‘નંબર’ પ્રથાને સ્વીકારતી નથી, તેનાથી નાનકડા બાળ માનસપર ગંભીર અસર પડે છે. પાસ કે ફેઈલની જગ્યાએ ‘ટ્રાય અગેઈન’ લખવું જરૂરી છે. કુમળા બાળ માનસને કોણ સમજશે? હાલની શિક્ષણ ટેકનીક-પરીક્ષા, હોમવર્ક વિગેરેમાંથી બાળક ઉંચુ જ નથી આવતું ત્યાં ઈત્તર પ્રવૃત્તિ માટે કયાંથી સમય લાવે !!
રાજકોટમાં બાલભવન ખાતે નિયમિત બાળ કાર્યક્રમો થાય છે એ એક સારી બાબત છે. બાલ મહોત્સવમાં સંગીત, ચિત્ર, નાટય નૃત્ય જેવી વિવિધ પ્રવૃત્તિની સ્પર્ધા કે વર્કશોપ કરવા જરૂરી છે. બાળકોમાં રહેલી વિવિધ છુપી કલાને પ્રોત્સાહન આપીને માર્ગદર્શન આપીને તેમાં તેનો વિકાસ કરવો નિપૂણ બનાવવો એજ સાચો બાળ વિકાસ છે. આજે અમુક શાળા કે ગ્રુપો સિવાય આ ક્ષેત્રે કોઈ કામ કરતું નથી. રાજકોટમાં ‘બાળ કાર્યક્રમો’ની અછત છે. ચિલ્ડ્રન કલબો પણ નાના પાયે આયોજન કરે છે. જો બાળકોને નિયમિત કોચીંગ-માર્ગદર્શન અપાય તો તે મોટો કલાકાર બની શકે છે.
રાજકોટમાં એક માત્ર બાલભવન ખાતે વિવિધ બાળ પ્રવૃત્તિઓ ચાલે છે
ભારત દેશમાં બાળકોનાં સર્વાંગી વિકાસ માટે ૭૨ બાલભવન કેન્દ્રો ચાલે છે જેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ ખાતે બાલભવન કાર્યરત છે. રાજકોટ બાલભવનમાં હાલમાં ૨૬૦૦ બાળસભ્યો છે. છેલ્લા ૨૦ વર્ષમાં બાલભવનનાં ૮ તેજસ્વી બાળકોને તેની વિવિધ શ્રેષ્ઠ કલા માટે રાષ્ટ્રીય કક્ષાનો ‘બાલશ્રી એવોર્ડ’ મળેલ છે. નિયમિત દરરોજ સાંજે ૫ થી ૯ ઈનડોર આઉટડોર ગેઈમ્સ સાથે ચિત્ર-હેન્ડીક્રાફટ, વેસ્ટમાંથી બેલ્ટ, ઓરેગામી, કાગળમાંથી રમકડા, લાયબ્રેરી સાયન્સ, સંગીતમાં ગાયન, વાદન, હારમોનિયમ, તબલા જેવા વિષયોનાં નિષ્ણાંતોના માર્ગદર્શન સાથેના વર્ગો ચાલે છે. ૧૯૫૬ બાલભવન રાજકોટમાં કાર્યરત છે. બાલભવનમાં વિવિધ પ્રવૃત્તિ, પ્રોજેકટ થકી ટબુકડા બાળ દોસ્તો માટે ક્રિએટીવ પરફોર્મન્સ, આર્ટરાઈટીંગ તથા ક્રિએટીવ સાયન્સ જેવી પ્રવૃત્તિ સાથે તેનો સર્વાંગી વિકાસ થાય તેવી પ્રવૃત્તિ ચાલે છે. અહી જુદી જુદી વિવિધ બાળસ્પર્ધા પણ થાય છે. જેમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી છે કે વિજેતાને નંબર નહી પણ ભાગ લેનાર બધાને ઈનામ અપાય છે. રાજકોટમાં બાળ કાર્યક્રમોની અછત વચ્ચે ‘બાલભવન’ એક માત્ર ટબુકડા બાલદોસ્તોના ‘ભાઈબંધ’ ની ગરજ સારે છે!!
રાજકોટમાં જરૂર છે આવા બાળ સેન્ટરોની
- હોબી સેન્ટર
- ચિલ્ડ્રન પરફોમીંગ આર્ટ સેન્ટર
- ટીચીંગ લર્નીંગ મટીરીયલ (ટીએલએમ) મેકીંગ સેન્ટર
- સ્ટોરી ટેલીંગ સેન્ટર
- બાળકો માટે વિવિધ જનરલ નોલેજ માટે સેન્ટરો
- ચિલ્ડ્રન ઈકો કલબ
- બર્ડ એન્ડ એનીમલ ઈન્ફરમેશન સેન્ટર
- ચિલ્ડ્રન લાયબ્રેરી
- માતા-પિતા માટે ચાઈલ્ડ સાયકોલોજી સેન્ટર
- ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર
- રોલ-પ્લે એન્ડ ડ્રામા સેન્ટર
- મેથેમેટીક કલબ
- સાયન્સ કલબ