કદાવર ખેડુત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં સ્વ. શૈલેષ રાદડીયા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા કરાયું અદભૂત આયોજન: રાજકીય, સામાજીક ક્ષેત્રના આગેવાનો રહ્યા ઉપસ્થિત
સૌરાષ્ટ્રના ધરખમ ખેડુત નેતા અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિમાં સ્વ. શૈલેષ રાદડીયા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા શનિવારે સર્વધર્મ, સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા મેદાનમાં યોજાયેલા આ અનોખા સમુહ લગ્નોત્સવમાં રાજકીય, સામાજીક ક્ષેત્રનાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૪૦ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આ નવદંપતિઓને આયોજક દ્વારા તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવી હતી. આ અનોખા સમુહલગ્નોત્સવમાં હિન્દુ ધર્મની વિવિધ જ્ઞાતિઓના નવદંપતિઓ તથા મુસ્લિમ ધર્મના ત્રણ નવદંપતિઓએ એક જ સ્થાનેથી લગ્નજીવનમાં પગલા પાડતા ધાર્મિક કોમી એકતાનું અનોખુ દ્રશ્ય જોવા મળ્યું હતુ.
આ અનોખા સમુહ લગ્નોત્સવમાં આર્શિવચન પાઠવવા કાગદડીના ખોડીયાર ધામ આશ્રમના જયરામદાસ બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જયેશભાઈ રાદડીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, રાજકોટ જિલ્લા ભાજપનાપ્રમુખ ડી.કે. સખીયા, ઓલ ઈન્ડીયા બાર એસો.ના સભ્ય અભયભાઈ ભારદ્વાજ સહિતના રાજકીય, સામાજીક, આગેવાનોએ ઉપસ્થિત રહીને ટ્રસ્ટની આ અનોખી પહેલને વધાવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ.
આ સમુહ લગ્નોત્સવમાં બ્રાહ્મણ જ્ઞાતિના બે લેઉવા પટેલ જ્ઞાતિના એક, વરિયા પ્રજાપતિ જ્ઞાતિના બે, સગર જ્ઞાતિના બે, વાણિયા જ્ઞાતિના એક, દરજી જ્ઞાતિના બે, મોચી જ્ઞાતીના એક, આહિર હજામ જ્ઞાતિના એક, વણકર જ્ઞાતિના ચાર, વાણંદ જ્ઞાતિના એક, રાવળદેવ જ્ઞાતિના એક, રામાનંદી સાધુ જ્ઞાતિના બે,બાવાજી જ્ઞાતિના પાંચ, કોળી જ્ઞાતિના દસ, ભીલ જ્ઞાતિના એક, નવદંપતિઓએ શાસ્ત્રોકત વિધિથી લગ્ન ગ્રંથીથી જોડાઈને પ્રભુતામાં પગલા પાડયા હતા. જયારે મુસ્લિમ સમાજના ત્રણ નવદંપતિઓએ મૌલવી સમક્ષ મુસ્લિમ ધાર્મિકવિધિ મુજબ નિકાહ પઢયા હતા પ્રભુતામાં
સ્વ. વિઠ્ઠલભાઈને સાચી શ્રધ્ધાંજલી પાઠવવા આ લગ્નોત્સવનું આયોજન કરાયું: મુકેશભાઈ રાદડીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન શૈલેષ રાદડીયા મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને મહાનગરપાલીકાના રોશની સમિતિના ચેરમેન મુકેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતુ કે અમે જે સમુહ લગ્નનું આયોજન કરેલ છે તે સર્વ જ્ઞાતિય સમુહ લગ્ન છે. જે સૌરાષ્ટ્રના ધુરંધર ખેડુત નેતા વડીલ વિઠ્ઠલભાઈ રાદડીયાને સાચી શ્રદ્ધાંજલી આપવા માટે અમે સમુહ લગ્નનું આયોજન કર્યું છે. કોઈ જ્ઞાતિજાતી ધર્મનો ભેદભાવ રાખવામાં નથી આવ્યો ૩૭ હિન્દુ દીકરીઓ તથા ૩ મુસ્લિમ દીકરીઓના સમુહ લગ્ન યોજાયા અને તેઓ પ્રભુતામાં પગલા પાડયા છે.કદાવર ખેડુત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ થોડા સમય પહેલા મૃત્યુ પામ્યા ત્યારબાદ અમે વિચાર્યું કે વિઠ્ઠલભાઈ એક સેવા વ્યકિત હતા કે જે સૌરાષ્ટ્રના ખેડુત સમાજ માટેની ઓથ સમાન અડધી રાતનો હોકારો હતો તેથી તેમને શ્રધ્ધાંજલી આપવા માટે સમુહ લગ્નનું આયોજન કર્યું જેમાં ૪૦ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડયા છે.