પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અન્વયે આયોજીત સંવિધાન ચેતના યાત્રા સમગ્ર જિલ્લામાં ૩૭૦ કિમીનો પ્રવાસ ખેડીને લોકોને સંવિધાન અને ફિટનેસ વિશે જાગૃત કરશે
૭૧માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ જિલ્લામાં થઇ રહી હોય તેના ભાગ રૂપે સંવિધાન ચેતનાયાત્રાને ગ્રામ વિકાસ અને પશુપાલન ખાતાના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ સહિતના મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી કલેક્ટર કચેરી ખાતેથી પ્રારંભ કરાવાયો હતો. પોલીસ અધિક્ષક રાજકોટ (ગ્રામ્ય), જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાદેશિક મ્યુ.કમિશ્નરના સંયુકત ઉપક્રમે યોજાયેલ સાયકલ રેલી તા.૨૪ સુધી જિલ્લામાં ૩૭૦ કિમી સુધી ફરશે.
આ પ્રસંગે મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે સંવિધાનયાત્રા રાજકોટમાં ફરશે. સમગ્ર દેશનો વહિવટ જેના આધારે ચાલી રહ્યોછે તે બંધારણ-સંવિધાનની લોકોને જાણકારી મળી રહે તેવો સરકારનો હેતુ રહેલો છે.વિશ્વનું સર્વ શ્રેષ્ઠ બંધારણ આપણું છે. રાજકોટના ૭૧ સાયકલ સવારો તાલુકાના શાળા- કોલેજોમાં બંધારણની ચર્ચા ચાર દિવસ સુધી કરાશે. બાળકોથી લઇ વડિલો આપણા બંધારણને અને તેની જોગવાઇઓ સમજે. આ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન કરવાની શુભેચ્છા મંત્રીએ સાઇકલ સવારોને પાઠવી હતી.
પોલીસ અધિક્ષક બલરામમીનાએ જણાવ્યું હતું કે, આ સંવિધાન યાત્રામાં સાઇકલ સવારો દ્વારા સ્વૈચ્છિક રીતે- જોડાયા છે. તેઓ સતત ચાર દિવસ સુધી લોકોને આપણા સંવિધાન અને ફીટનેસ વિશે જાગૃત કરશે.
જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ સ્વાગત પ્રવચન બાદ જણાવ્યું હતું. કે, ૭૧મા પ્રજાસત્તાક પર્વએ ૭૧ સાયકલ સવારો આપણા જિલ્લામાં ૩૭૦ કિ.મી.નો પ્રવાસ કરશે. સંવિધાન અંગેની ચેતના ખૂણે- ખૂણે લોકોને આપશે. મહાનુભાવોનું સ્વાગત સંવિધાનની બુક દ્વારા કરવામાં આવ્યું હતું. ૭૧ સાયકલ સવાર પૈકીના એક ભગીરથસિંહ જાડેજા કહે છે કે, અમારા પૈકીના મોટાભાગના સાયકલ સવારો વિદ્યાર્થી છે અમને ખુશી છે કેઅમે સંવિધાન જાગૃતિ માટે સાઇકલ યાત્રા દ્વારા સંવિધાન અને ફીટનેશ બંનેનો સંદેશો લોકોને આપીશું
આ પ્રસંગે ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહનભાઇ કુડારિયા,જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરિયા, ધારાસભ્ય ગોવિદભાઇ પટેલઅને અરવિંદભાઇ રૈયાણી,અગ્રણી કમલેશ મિરાણી, ડી.કે.સખિયા, કલેક્ટર રેમ્યા મોહન, મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ, અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડયા, રિજીયોનલ મ્યુ. કમિશ્નર સ્તુતિ ચારણ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણાસહિતના મહાનુભાવો, વિદ્યાર્થીઓ, પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં.