આવનારા સમયમાં રેલવે પ્રોજેકટ અમલી બનતાની સાથે જ જમ્મુ-કાશ્મીર દેશ સાથે જોડાઈ જશે : પિયુષ ગોયલ
દેશને તમામ ક્ષેત્રમાં વિકસિત કરવા અને મજબુત બનાવવા માટે સરકાર અનેકવિધ પ્રયત્નો હાથ લઈ રહી છે ત્યારે દેશનાં તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોનાં વિકાસ માટે મોદી સરકાર આવનારા સમયમાં ઈન્ડસ્ટ્રીયલ પેકેજ જાહેર કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. સવિશેષ વાત કરવામાં આવે તો ભારત દેશનું સ્વર્ગ ગણાતા કાશ્મીરને પણ વિકસિત કરવા અને આર્થિક સઘ્ધર બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પેકેજો જાહેર કરવામાં આવ્યા છે. કલમ ૩૭૦ અને ૩૫-એ નાબુદ કર્યા બાદ જમ્મુ-કાશ્મીરનો વિકાસ ઝડપભેર આગળ વધે તે દિશામાં સરકાર પ્રયત્નશીલ હોય તેવું લાગી રહ્યું છે.
આ તકે રેલવે અને કોમર્સ મંત્રાલયનાં પિયુષ ગોયલે જાહેર કરતા કહ્યું હતું કે, આગામી સમયમાં જમ્મુ-કાશ્મીર સહિત અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોનાં વિકાસ માટે નવા ઈન્ડસ્ટ્રીયલ પેકેજો જાહેર કરવામાં આવશે અને ખુબ જ મોટા પ્રમાણમાં રોકાણો પણ કરાશે. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, આગામી ડિસેમ્બર માસના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરને રેલવે મારફત સમગ્ર દેશ સાથે જોડી દેવામાં આવશે. આ તકે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ જમ્મુ-કાશ્મીરનો વિકાસ પુર ઝડપે થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ જમ્મુ-કાશ્મીર વિકસિત થશે તે હેતુસર સરકાર દ્વારા અનેકવિધ વિકાસલક્ષી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તેઓએ પત્રકારો સાથે વાતચીતમાં પણ જણાવ્યું હતું કે, કરોડો રૂપિયાનું રોકાણ કાશ્મીરમાં આવી રહ્યું છે જેથી રોજગારીની વિશાળ તકો ઉભી થશે. તેઓએ કહ્યું હતું કે, કલમ ૩૭૦ અને ૩૫-એ હટયા બાદ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો મળેલ છે અને આ વિસ્તારને આર્થિક રીતે મજબુત કેવી રીતે બનાવી શકાય તે દિશામાં પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં જાગૃતતા કેળવવા માટે અનેકવિધ યુનિયન મિનીસ્ટરો જેવા કે સ્મૃતિ ઈરાની, મહેન્દ્રનાથ પાંડે, અર્જુન મેઘવાલ, અનુરાગ ઠાકુર, જીતેન્દ્રસિંગ સહિતનાં મંત્રીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી અને સ્થાનિકોને મળી આશ્ર્વાસન પણ આપ્યું હતું. પિયુષ ગોયલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નાનપણથી જ જમ્મુ-કાશ્મીરને સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે તે વાતને પરીપૂર્ણ કરવા અને વધુ સાર્થક બનાવવા માટે સરકાર તમામ પ્રકારે પ્રયત્નો કરી રહ્યું છે. જમ્મુ ખાતે પિયુષ ગોયલ દ્વારા પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના, ઈન્ડોર સ્ટેડિયમ તથા ફર્લ્ડ પ્રોટેકશન પ્રોજેકટને ખુલ્લો મુકયો હતો.
જમ્મુ-કાશ્મીરનાં વિકાસ માટે સરકાર નીચલા સ્તર પરથી કામ શરૂ કરી દીધેલ છે અને તે તમામ પ્રોજેકટો અંગે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચેનબ નદી પર રેલવે બ્રિજનું કામ આગામી દિવસોમાં ઝડપભેર પુરુ કરવામાં આવશે અને જે ફંડ તે માટે ઉપયોગમાં લેવામાં આવ્યું છે તેને પણ યથાયોગ્ય પૂર્ણ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં રેલવે લાઈન બનતાની સાથે જ સમગ્ર દેશ સાથે જમ્મુ-કાશ્મીર જોડાઈ જશે. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર જ નહીં દેશનાં તમામ કેન્દ્રશાસિત પ્રદેશોને ઈન્ડસ્ટ્રીયલ પેકેજ આપવામાં આવશે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, કલમ ૩૭૦ અને ૩૫ એ હટયા બાદ જમ્મુ-કાશ્મીરમાં શાંતીનો માહોલ છવાયો છે અને વિદ્યાર્થીઓ કે જેઓ પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર ગયા હતા તેઓએ પણ શાંતીપૂર્વક રીતે પરીક્ષા આપી હતી.