પારિવારિક મિલકતના ડખ્ખા બાદ જમીન વિવાદમાં સપડાયેલા મહંત અને તેના સાગરીતોની શોધખોળ: ભડાકા કરી વાહનોમાં તોડફોડની ઘટનાથી ચકચાર
વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલા દેવાબાપાના આશ્રમની જગ્યાની બાજુમાં આવેલી જમીનની તકરારમાં આશ્રમના મહંતના સાગ્રીતો સહિતના ૧૧ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી રાજપરાના કોળી યુવાન પર ફાયરીંગ કરી કારમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરીયાદ થતા ચકચાર જાગી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા ધનજીભાઈ હમીરભાઈ રોજાસરા કોળીએ આરોપી દલસુખ વિરજીભાઈ, નારણજીભાઈ, વિરજીભગત તથા અન્ય ૭ થી ૮ અજાણ્યા શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.ફરીયાદી ધનજીભાઈ દેવાબાપાની જગ્યાના મહંત વિરજીભગત સાથે જમીનના કબ્જા બાબતે મન:દુખ હોય અને ફરીયાદી તેના મિત્રો સાથે આશ્રમની બાજુમાં ખરીદેલી જમીનની માપણી કરવા જતા દેવાબાપાની જગ્યાના મહંત વિરજી ભગતન કહેવાથી તેનો પુત્ર દલસુખ વિરજીભાઈ તથા નારણભાઈ ૭ થી ૮ અજાણ્યા શખ્સો સાથે ગેરકાયદેસર મંડળી રચી લાકડી,ધોકા, પાઈપ, અને બંદુક જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી ફરીયાદી તથા સાહેદો ઉપર જીવલેણ હુમલો કર્યોે હતો.
આરોપી નારણએ પોતાની પાસેના બંદુકના જોટામાંથી ફાયરીંગ કરતા ફરીયાદી ધનજીભાઈ કોળીને જમણા હાથ તથા બન્ને પગમાં ગંભીર ઈજા થતા તેઓ પડી ગયા હતા બાદ ઈજાગ્રસ્ત ફરીયાદી ધનજીભાઈ કોળીને પ્રથમ ચોટીલા અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ મધુરમ હોસ્પીટલમાં ખસેડાયેલા છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ફરીયાદી ધનજીભાઈ આજથી ચારેક વર્ષ પહેલા વાંકાનેર બાઉન્ટ્રીની બાજુમાં આવેલી દેવાબાપાની જગ્યા પાસે આવેલી ૯ વિઘા જમીન ૬૦ લાખ રૂપિયામાં ઠીકરીયાળી ગામના ધનજીભાઈ રણછોડભાઈ કોળી પાસેથી ખરીદેલી હતી. આ જમીનનો કબ્જો દેવાબાપા જગ્યાના મહંત વિરજીભગત પાસે હતો, ફરીયાદી ધનજીભાઈને રૂપિયાની જરૂર પડતા ૯ વિઘા જમીનમાંથી એક એકર જમીન રાજકોટના પ્રવિણભાઈ ઉર્ફે લાલાભાઈ રાવળને વેચી હતી અને તેનું સાટાખત કરી આપેલું હતું. વેચેલ જમીનના કબ્જા બાબતે મહંત વિરજીભગતને મળતા તેઓએ કહેલ કે જમીનની માપણી કરી જમીન લઈ લેજો ત્યાર બાદ ફરીયાદી ધનજીભાઈના જમીનની માપણી કરવાનું નકકી કરતા દેવાબાપાની જગ્યામાંથી મહંત વિરજીભગતનો પુત્ર દલસુખ તથા નારણ પાંચવડાવાળો અને બીજા ૭ થી ૮ શખ્સોએ ઘસી આવી કારમાં તોડફોડ કરી હતી અને બાદમાં નારણએ તેના બંદુકના જોટામાંથી ફાયરીંગ કરી ખૂની હુમલો કર્ર્યોેે હતો. વાંકાનેર તાલુકા પોલીસે મહંત વિરજીભગત સહિત ૧૧ સામે ગુન્હો દાખલ કર્યોે છે. વધુ તપાસ તાલુકાના પીએસઆઈ આર.પી જોડજા ચલાવી રહ્યા છે.