ગૌહાટીમાં ખેલો ઈન્ડિયા-૨૦૨૦માં ૩૫ મેડલ જીતનાર ગુજરાતની ટીમને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેલો ઇન્ડીયા-ર૦ર૦ની આસામના ગૌહતીમાં ચાલી રહેલી રમતોમાં ૧૧ ગોલ્ડ સહિત ૩પ મેડલ્સ મેળવનારી ગુજરાતના ખેલાડીઓની ટીમનો ઉત્સાહ તેમની સાથે ગાંધીનગરથી વિડીયો કોલીંગ દ્વારા વાતચીત કરીને વધાર્યો હતો.
વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના ૧૮૦ જેટલા જે ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યા છે તેમને શુભેચ્છા આપતાં અને જોશ વધારતા કહ્યું કે તમારા સૌમાં અપાર ક્ષમતા છે હવે તમારે જિતના આત્મવિશ્વાસ સાથે અને જિતવું જ છે એવી જિજીવિષા સાથે વધુ ઉત્કૃષ્ટ પ્રદાન કરી ગુજરાતને વધુ મેડલ્સ અપાવવાના છે.
તેમણે આ યુવા ખેલૈયાઓને શાબાશી આપતાં એમ પણ કહ્યું કે, ભારતના ટોપ -૩ સ્ટેટસમાં ગુજરાત આ ખેલો ઇન્ડીયામાં સ્થાન મેળવે તેવો આપણો ધ્યેય છે. તમારે તે ધ્યેય મહેનત-ધગશ અને આત્મબળે સાકાર કરવાનો છે.
તા. ૯ થી રર જાન્યુઆરી-ર૦ર૦ દરમિયાન ખેલો ઇન્ડીયાની જે સ્પર્ધાઓ આસામના ગૌહતીમાં યોજાઇ રહી છે તેમાં જૂડો, એથ્લેટિકસ, શુટિંગ, બેડમિંગ્ટન, બોકસીંગ, સાયકલીંગ, જિમ્નેસ્ટીકસ, આર્ચરી, સ્વીમીંગ તથા ટેનિસ અને વેઇટ લિફટીંગની વ્યકિતગત રમતોમાં ગુજરાતના ખેલાડીઓએ અત્યાર સુધીમાં ૧૧ ગોલ્ડ ૧૦ સિલ્વર અને ૧૪ બ્રોન્ઝ સહિત ૩પ મેડલ્સ પ્રાપ્ત કરી લીધા છે.
મુખ્યમંત્રીએ આ યુવા ખેલૈયાઓ સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી વિડીયો કોલીંગથી વાતચીત કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
વિજયભાઇ રૂપાણીએ આ સૌ ખેલૈયાઓની સફળતાને બિરદાવતા કહ્યું કે આવતા વર્ષે ગુજરાત ખેલો ઇન્ડીયાનું યજમાન રાજ્ય બનવાનું છે ત્યારે ગુજરાતના ખેલૈયાઓ આ વર્ષની સ્પર્ધામાં ૪૦ થી વધુ મેડલ્સ જિતીને આવનારા ખેલો ઇન્ડીયા માટે જાતને વધુ આત્મબળથી તૈયાર કરે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે છેલ્લા બે વર્ષોમાં ખેલો ઇન્ડીયાની વિવિધ સ્પર્ધાઓમાં ગુજરાતે ૧૮ ગોલ્ડ સહિત બાવન મેડલ્સ મેળવેલા છે.
મુખ્યમંત્રીએ આસામના ગૌહતીમાં ખેલો ઇન્ડીયા-ર૦ર૦માં ભાગ લઇ રહેલા આ ખેલાડીઓની સફળતાથી સમગ્ર ગુજરાત ગૌરવાન્વિત છે તેમ પણ ઉમેર્યુ હતું.
તેમણે જણાવ્યું કે, સ્પર્ધાઓમાં હજુ વધુ ઉજ્જવળ દેખાવ કરી ટીમ ગુજરાત આવે ત્યારે તેમનું ઉમંગભેર સ્વાગત-સન્માન પણ કરવા ગુજરાતના સૌ નાગરિકો ઉત્સુક છે. આ ખેલાડીઓએ પણ મુખ્યમંત્રીના પ્રેરણા સંદેશને ઉત્સાહપૂર્વક ઝિલ્યો હતો અને મુખ્યમંત્રીએ ચિયર અપ કર્યા તેથી તેમનું જોશ પણ અનેક ગણું વધી ગયું હતું.