દસથી વધુ સ્થળોએ મારા-મારીના બનાવમાં ચાર મહિલા સહિત ૧પ ઘવાયા
શહેરમાં મકર સંક્રાંતિના દિવસે પતંગ દોરા સાથે છરી, તલવાર, ધોકા પણ ઉડયા હતા. જુદા જુદા સ્થળોએ ૧રથી વધુ મારામારીના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. અલગ અલગ વિસ્તારોમાં પતંગ ઉડાડવાં પ્રશ્ર્ને અને નજીવા કારણોસર અને જુના મનદુ:ખ સહીતના મામલે જુથ અથડામણ અને મારા મારીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જેમાં બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં વાત કરવા માટે યુવાનને મોબાઇલ ફોન ન આપતા માથાકુટ બાદ બે જુથ સામ સામે આવી જતા દુકાનમાં તોડફોડ સહીત મારા મારી ચાર ઘવાયા હતા જયારે દસથી વધુ ડખ્ખામાં કુલ ૧પ થી વધારે ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નંબર ૮/૧૦ ના ખુણે રહેતા મનસુખભાઇ તળશીભાઇ કોબીયા નામના ૩૮ વર્ષના યુવાન સહીત બહેન જયશ્રીબેન પ્રવિણભાઇ મકવાણા અને પિત્રાઇ ભાઇ હીતેશ સોમાભાઇ કોબીયા નામના રપ વર્ષના યુવાન પર પાનની દુકાને આવી વાત કરવા માટે ફોન માંગી દુકાનદારે ફોન આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા શખ્સ ગાળો ભાંડી તૌફિક મહમદ સંધી, સમીર સિપાહી, ફૈઝલ, ઉમરાન, શાહરુખ, બંદુક અને અજાણ્યા ચાર પાંચ શખ્સોએ ટોળકી રચી દુકાનમાં તોડફોડ કરી મકાન પર બોટલોના ઘા કરી ધોકા પાઇપ અને ધારીયા છરી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો.
જયારે છોટુનગર ઝુંપડપટ્ટીમાં ત્રણ માથાકુટમાં ત્રણ ઘવાયા હતા. છોટુનગર ઝુપડીમાં રહેતા પરષોતમ જકશીભાઇ લોધડીયા નામના ૪૬ વર્ષના આધેડ પર સુરેશ ડાયા અને ગોવિંદે હુમલો કયો હતો. જયારે સામા પક્ષે સુરેશ ડાયાભાઇ કુંવરીયાએ નોંધાયેલી ફરીયાદ મુજબ પોતાના પર પરષોતમ, પરબત અને શિવરામે ધોકાથી હુમલો કર્યાનું જણાવ્યું હતુ જુની અદાવતમાં ખાર રાખી માથાકુટ થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જયારે છોટુનગરમાં ઝુપડપટ્ટીમાં રહેતા રેવીબેન સોમાભાઇ વાજેબીયા (ઉ.વ.૩પ) પર જુના ડખ્ખામાં પરબત અને સંજયે સળીયાથી હુમલો કરતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જયારે નાના મવા રોડ પર લક્ષ્મીના ઢોળા પાસે રહેતા આશિષ અમૃતભાઇ ચૌહાણ નામના રર વર્ષના યુવાન પર પતંગ ઉડાડવા પ્રશ્ર્ને પાડોશમાં રહેતા અશોક અને પુષ્પાએ માર મારતા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અન્ય બનાવમાં સહકારી સોસાયટીમાં રહેતો મેહુલ કાળુભાઇ જાદવ નામના ૧૭ વર્ષનો તરણ લાલપરી પાસે ગાયો ચરાવતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ દારુ પી ગાળો દઇ ધોકા વડે માર મારતા તરુણને માથાના ભાગે ઇજા થઇ હતી.
વધુ એક બનાવમાં દૂર સાગર રોડ પર ગુજરાત હાઉસીંગ કવાર્ટરમાં રહેતા સુનીલ બિરેનભાઇ શર્મા નામના ૩ર વર્ષના યુવાન પર તેની સાથે રૂમમાં રહેતા પિન્ટુ નામના શખ્સને રસોઇ બનાવવાનો વારો હોય જે બાબતે કહેતા ઉશ્કેરાયેલા પિન્ટુએ ધોકાથી માર માર્યો હતો. જયારે રૈયાધાર શાંતિનગર મફતીયાપરામાં શોભરામ રામહરખ જેસ્વાલ નામના ૪૦ વર્ષના યુવાન પર ત્રણ અજાણ્યા શખ્સોએ ઢીકા પાટુનો માર મારતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અન્ય બનાવમાં રણુજા મંદિર પાસે શાંતિનગરમાં રહેતાી ગીતાબેન ભરતભાઇ ચાવડા નામના ૩૫ વર્ષની પરિણીતા, નણંદ હેતલ દિનેશભાઇ રંગપરા (ઉ.વ.ર૮), નણદોય દિનેશભાઇ બચુભાઇ રંગપરા (ઉ.વ.ર૮) અને નણંદના પુત્ર એમલ રમેશભાઇ ખુમારીયા (ઉ.વ.૧૩) પર પાડોશીમાં રહેતા મુકેશ મનજી, તેની પત્ની રતન અગાઉ લાઇટના દરોડા મામલે માથાકુટનો ખાર રાખી છરી તલવાર વડે હુમલો કર્યો હતો. અને જંકશન મેઇન રોડ પર ઝુંપડપટ્ટીમાં રહેતા સીતાબેન મગનભાઇ ડીંડે (ઉ.વ.પ૦) ને પાડોશમાં રહેતી કંચને લાકડીથી માર મારતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શહેરમાં જુદા જુદા બાર સ્થળોએ થયેલી બધકાટીમાં ચાર મહિલાઓ સહીત કુલ ૧પ લોકો ઘવાયા હતા. પોલીસે તમામ ઘટનાની નોંધ કરી ફરીયાદ પરથી વધુ કાર્યવાહી હાથ ધરી છે.