ત્રંબા ખાતે સંત મોહનદાસ બાપાના વરદ હસ્તે આશિર્વાદ-પ્રસાદી સ્વરૂપે નિર્માણ થનાર મંદિર, આશ્રમ અને અન્નક્ષેત્રના ત્રિવેણી સંગમ સંકુલનું કરાયું ભૂમિ પૂજન
રાજકોટ તાલુકા ની પવિત્ર ભૂમિ ત્રંબા (કસ્તુરબા) ખાતે સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ તીર્થ ધામ રૂપાવટી આશ્રમ (ભાવનગર જિલ્લાના ગારીયાધાર પાસે) દ્વારા આશરે ૨ એકર જમીનમાં આકાર લેનાર મંદિર, આશ્રમ અને અન્નક્ષેત્ર ના સંકુલનું ભૂમિપૂજન સંત મોહનદાસ બાપા ગુરુ શામળા બાપાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું
નિર્માણ પામનાર આ પવિત્ર તીર્થભૂમિ ની નજદીક મહા ભારતના સમય કાળમાં વનવાસ દરમિયાન વિહરતા પાંડવો ત્રંબા પણ આવ્યા હતા અને ત્રંબકેશ્વર મહાદેવ શિવલિંગની સ્થાપના કરીને પૂજા અર્ચના કરેલ છે તેમજ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની લડત દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ધર્મપત્ની વંદનીય કસ્તુરબા ને અહીં રાખવામાં આવ્યા હતા.
અહીં ત્રિવેણી સંગમ છે. આજી નદીમાં પવિત્ર નર્મદા મૈયા ના નીરનું પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અથાગ મહેનત ના કારણે અવતરણ થયેલ છે.
આ પવિત્ર ભૂમિ પસંદ કરીને સંત શ્રી મોહનદાસ બાપા એ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક પરંપરા જયાં રોટલા નો ટુકડો ત્યાં હરિ ઢુકડોને ની પાવન પરંપરા જીવંત રાખવા રાજકોટ ભાવનગર વચ્ચે આવતા આ ત્રંબા ખાતે મંદિર તથા આશ્રમની સાથે અન્નક્ષેત્રના ભવનનું નિર્માણ કરીને પ્રારંભ કરવાનો સંકલ્પ કરેલ છે જે ૧૭૫ કિલોમીટર ના માર્ગ પર એકમાત્ર અન્નક્ષેત્ર હોવા ને કારણે યાત્રાળુઓ-પ્રવાસીઓ-વટેમાર્ગુઓ-સાધુ-સંન્યાસીઓ માટે આશીર્વાદ રૂપ સ્થળ બનશે.
આ રૂપાવટી-ગારીયાધાર શામળાબાપા ની આધ્યાત્મિક ધાર્મિક સંસ્થા આધ્યાત્મિક પ્રવૃતિઓની સાથે વિદ્યાર્થીઓ માટે શાળા તથા દર્દીઓ માટે હોસ્પિટલ બનાવી સમાજસેવા માટે અગ્રેસર છે વિવિધ કુદરતી આપતિ વખતે લોકોને પડખે ઊભી રહેલ છે.
આ પ્રસંગે આયોજિત સમારોહમાં ઉદબોધન કરતા ગુજરાત પવિત્ર ધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન અને ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવએ જણાવ્યું. કે, મનુષ્ય જીવનમાં સંતોની ભૂમિકા એક નાવિકની છે અને સંસારમાં મધદરીએ રસ્તો ભૂલનારને એક માર્ગદર્શક-દીવાદાંડી સ્વરૂપે તરીકે રસ્તો બતાવે છે.