ઇન્કમટેકસ વિભાગે નોટબંધીના અઢી માસના સમય ગાળા દરમિયાન જવેલરોએ દેખાડેલા રોકડ વ્યવહારોને અપ્રગટ સ્ત્રોતમાંથી થયેલી ગેરકાયદે આવક તરીકે જાહેર કરીને નોટિસો ફટકારતા જવેલર્સોમાં આક્રોશ
ભારતીયોનું અરબો રૂપિયાનું કાળુ નાણુ દાયકાઓથી સ્વીસ સહિતની વિદેશી બેન્કો અને અન્ય સ્થાનો પર છુપાયેલુ પડયું છે આ કાળા નાણાને બહાર લાવવા માટે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રૂા ૫૦૦ અને ૧૦૦૦ ની ચલણી નોટો પર નોટબંધી જાહેર કરી હતી. આ નોટબંધી દરમ્યાન પ્રમાણિક નાગરીકોને તકલીફ ન પડે તે માટે સરકારી જુનીનોટો બદલાવા માટે કેટલીક છુટછાટો આપી હતી. આ છુટછાટનો ગેરપયોગ કરીને અનેક લોકોએ અનેક સાચા ખોટા વ્યવહારો દેખાડીને જુની નોટોને બેન્કોમાં જમા કરાવી હતી. ગુજરાત ઇન્કમ ટેકસ વિભાગો અઢી વર્ષ બાદ આ નોટબંધીના ભૂતને ધુણાવીને આ સમયગાળા દરમ્યાન રૂા ર થી પ૦ કરોડનો વ્યવહાર દેખાડનારા જવેલરીવાળાઓને ટેકસ રીકવરીની નોટીસ ફટકારતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
ગુજરાત ઇન્કમટેકસ વિભાગે નોટબંધી દરમ્યાન એટલે કે ૮ નવેમ્બર ૨૦૧૬ થી ૩૦ ડીસેમ્બર ૨૦૧૬ના અઢી માસના ગાળામાં રૂા ર થી ૫૦ કરોડ સુધીનો વ્યવહાર દેખાડનારા જવેલરોને નોટીસો ફટકારીને ટેકસ રીકવર કરવા કાર્યવાહી કરી છે. ઇન્કમટેકસ વિભાગને શંકા છે કે નોટબંધી દરમ્યાન કાળા નાંણા ધરાવતા લોકોએ મોટા પ્રમાણમાં રોકડેથી સોના ચાંદીના દાગીનાથી ખરીદી કરી છે. જેથી, આ સમય ગાળા દરમ્યાન જવેલરોને રોકડમાં દેખાડેલા વ્યવહારોની ઇન્કમટેકસ વિભાગે લાંબા સમય સુધી ચકાસણી કર્યા બાદ આ નોટીસો પાઠવી છે. જવેલર્સ એસોસીએશન અમદાવાદના સુત્રોના જણાવ્યા મુજબ મોટાભાગના જવેલર્સો સામે આ સમયગાળા દરમ્યાન રૂા ર થી પ૦ કરોડ સુધીના થયેલા વ્યવહારો માટે ઇન્કમ ટેકસ દ્વારા આકરણી કરીને ટેકસ રીકવરીની કાર્યવાહી કરવામાં આવી છે.
ઇન્કમ ટેકસની આ આકરણીમાં કાર્યવાહીમાં નોટબંધી દરમ્યાન જે જવેલરોએ અપ્રગટ સ્ત્રોતમાંથી આવક દેખાડી છે. તેમને નોટીસ ફટકારવામાં આવી છે. ઇન્કમ ટેકસ વિભાગનાં એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે નોટબંધીના સમયગાળા દરમ્યાન અનેક જવેલરોએ રોકડેથી વધુ વેપાર દેખાડયો છે. જેથી સ્પષ્ટ થાય છે કે આ વેપાર જુની નોટોમાં રહેલા કાળા નાણાને સોના-ચાંદીમાં ફેરવવા માટે ઉપયોગ થયો છે. જેથી, વર્ષ ૨૦૧૬-૨૦૧૭ ની આકરણી કાર્યવાહી દરમ્યાન આવા અપ્રગટ સ્ત્રોતોમાંથી રોકડેથી થયેલા વ્યવહારોને શોધીને આવા વ્યવહારો દેખાડનારા જવેલરોને ટેકસ રીકવરીની નોટીસો આપવામાં આવી છે.
ઇન્કમટેકસની આ નોટીસોનો વિરોધ કરતા અમદાવાદ જવેલર્સ એસોસીએશનના સુત્રોએ જણાવ્યું હતું કે જવેલરોએ નોટબંધીના સમયગાળા દરમ્યાન થયેલ વેચાણના પુરેપુરા બિલો રજુ કરેલા છે. જેથી તેને અપ્રગટ આવકના સ્ત્રોત ગણી શકાય છે. મોટાભાગના વેપારીઓએ ઇન્કમટેકસ વિભાગ દ્વારા સમયાંતરે ઉભી કરાયેલી કચેરી સમયે પોતાના જવાબો રજુ કર્યા છે. તેમ છતાં સપ્ટેમ્બરથી ડીસેમ્બર વચ્ચે અનેક જવેલરોને ઇન્કમટેકસ વિભાગ દ્વારા ટેકસ રીકવરીની નોટીસો પાઠવી છે જે ગેરકાયદેસર છે. ઇન્કમ ટેકસ વિભાગે જે સમયગાળા દરમ્યાન અપ્રગટ આવકના સ્ત્રોત ગણીને જે વ્યવહારો માટે નોટીસ આપી છે. તે નોટબંધીના સમયગાળા દરમ્યાન ખરીદી માટે આવતા ગ્રાહકોની ઓળખ, સરનામા અને પાનકાર્ડ માંગવાનો નિયમ ન હતો.
જેથી, મોટાભાગના જવેલરોએ આવા પુરાવા વગર રોકડેથી વ્યવહારો કર્યા હતા હવે, ઇન્કમટેકસ વિભાગ આવા વ્યવહારોના પુરાવા માંગે છે તે ગેરકાયદેસર છે. હાલના મંદીના સમયમાં અઢી વર્ષ પહેલાની બાબતે ઇન્કમ ટેકસ વિભાગ આવી કાર્યવાહી નિદંનીય છે. આગામી
સમયમાં આવી કાર્યવાહી સામે ગુજરાતભરમાં જવેલર્સ એસોસીએશનો સંગઠ્ઠીત થઇને ઇન્કમટેકસની આવી કાર્યવાહીનોને વિરોધ કરશે. જેથી, આ મુદ્દે આગામી સમયમાં ઇન્કમ ટેકસ વિભાગ અને જવેલર્સો વચ્ચે વિવાદ થવાની સંભાવનાઓ સેવાય રહી છે.