નિર્ભયાને ન્યાય મળ્યો પણ મોડાસાની યુવતીને કયારે ન્યાય મળશે ?
આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી અને જવાબદાર પીઆઈને સસ્પેન્ડ કરવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર: ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતપડયા
નિર્ભયા બળાત્કારી હત્યારાઓને ૨૨મી જાન્યુઆરીએ ફાંસીના માંચડે લટકાવી દેવાનું ડેથ વોરંટ ઈસ્યુ થઈ જવા પામ્યો છે. તિહાર જેલમાં ફાંસીની તૈયારીઓ આરંભાય ચુકી છે તેવા સમયે બળાત્કારીઓને કડક સજાની તૈયારી વચ્ચે દેશભરમાં ભોગ બનનારને ન્યાય મળ્યો હોવાની અનુભૂતિનો માહોલ હજુ ચાલી રહ્યો છે ત્યાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બુધવારે સવારના પહોરમાં સેંકડો દલિત દેખાવકારોએ સમાજની ૧૯ વર્ષની દિકરી પર સામુહિક દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારી દેવાના મામલે પોલીસના નબળા વલણના મુદ્દે દેખાવો યોજાયા હતા.
અરવલ્લી જીલ્લાના મોડાસાના સાયરા ગામની સીમમાં બાવળના ઝાડ ઉપર છોકરીનો લટકેલો મૃતદેહ જોવા મળ્યો હતો. પરિવારજનોએ જયાં સુધી તમામ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર અને જવાબદાર પીઆઈને સસ્પેન્સ કરવાની માંગણી કરી હતી. મોડાસા રૂરલ પોલીસ મથકના ભોગ બનનાર દિકરીનાં ૭૨ વર્ષના મોટાબાપાએ દાખલ કરાવેલી ફરિયાદમાં નજીકના ગામના ચાર શખ્સોએ તેમના પરિવારની ૧૯ વર્ષની ભત્રીજીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યા પહેલા સામુહિક દુષ્કર્મનો ભોગ બનાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભોગ બનનાર દિકરી ફરિયાદીના ભત્રીજાની છ દિકરીઓમાં સૌથી નાની હતી. આ ઉપરાંત તેમના ભત્રીજાને એક દિકરો પણ છે. ફરિયાદમાં નોંધાયેલી વિગતો મુજબ ૧લી જાન્યુઆરીની રાત્રે પરિવારજનો એકાએક હાંફળા-ફાંફળા થઈ ગયા હતા જયારે મોડાસા ખરીદી માટે ગયેલ દિકરી ઘેર આવી ન હતી. ભોગ બનનાર તેની બહેન સાથે બજારમાં ગઈ હતી. બીજા દિવસે તપાસ દરમિયાન બપોર પછી ભોગ બનનારની બહેને માહિતી આપી હતી કે બિમલ ભરવાડ છોકરીને તેની આઈ-૨૦ મોટરમાં લઈ ગયો હતો અને તેની સાથે રહેલી બહેનને આ બાબત કોઈ ન કહેવા ધમકી આપી હતી.
સહકારી જીનીંગ મીલમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા ફુટેજમાં ભોગ બનનાર દિકરી મોટરમાં બેસતા દેખાય છે. આ મોટર આરોપી બિમલના પિતા ભરત ભરવાડના નામે રજીસ્ટર થયેલી છે. જયારે મોટર અંગે કિશોરીના પરિવારજનોએ ભરત ભરવાડને પુછતા તેણે જણાવ્યું હતું કે, આ મોટર તેનો દિકરો બિમલ વાપરે છે. બિમલ અંગે પુછતા તેમણે જણાવ્યું હતું કે, મોટર તેના ત્રણ મિત્રો લઈ ગયા હતા. આ ત્રણેયના નામ પણ ફરિયાદમાં નોંધવવામાં આવ્યા છે. બિમલ ભરવાડ ઉપરાંત આરોપીઓ તરીકે દર્શન ભરવાડ, સતિષ ભરવાડ, જીગર ભરવાડના પરિવારજનોએ છોકરી પાછી આવશે તેવા બચાવ કર્યો હતો. ૩જી જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, આ અંગે તેઓ કંઈ જાણતા નથી. બીજા દિવસે મોડાસાના પિનાક રબારીએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે તે છોકરી સમાજના એક વ્યકિત સાથે પરણાવી દેવામાં આવી છે અને તે લગ્ન પ્રમાણપત્ર સાથે ધરાવે છે. ભોગ બનનારના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે રબારીએ આ આશ્ર્વાસન આપ્યે રાખ્યો હતો અને આ બાબત સાબલપુર પોલીસ સ્ટેશનની છે.
એક અરજી પાંચમી જાન્યુઆરીએ સાબલપુર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી ત્યારે ફરિયાદીને બાજુના ગામમાં આવેલા મંદિરના પુજારીનો ફોન આવ્યો હતો કે એક છોકરીનો મૃતદેહ ઝાડવા પર લટકેલી હાલતમાં લટકેલો છે. ફરિયાદી જયારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમની ભત્રીજીનો મૃતદેહ ઝાડવે લટકતો જોયો હતો ત્યારપછી તેમણે બિમલ અને તેના મિત્રો સામે ભત્રીજી પર બળાત્કાર અને હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર દિકરીનો મૃતદેહ મંગળવારે રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જોકે ત્યારપછી મૃતદેહને મોડાસા રાખવામાં આવ્યો હતો. દેખાવકારોએ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો.ગુણવંત રાઠોડને બુધવારે સવારે મળ્યા હતા. ડો.રાઠોડે જણાવ્યું હતું કે, આંદોલનકારો મને મળ્યા હતા અને તેમણે મારી પાસે પોસ્ટમોટમ રીપોર્ટ માંગ્યો હતો અને તેમને આપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો છે. બુધવારે સવારે દિકરીના પરિવારજનો અને પક્ષકારોએ જયાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી અને પીંક રબારીને પણ ૩ જાન્યુઆરી સુધી ફરિયાદ ન લેવા અંગે સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. ૫મી જાન્યુઆરીએ મૃતદેહ મળી આવ્યો છતાં ૭મી જાન્યુઆરીએ ફરિયાદ નોંધવામાં આવી હતી. કાર્યકરો આ કેસમાં યોગ્ય તપાસ અને ચારે-ચાર આરોપીઓની ધરપકડની માંગ કરી રહ્યા છે.
દલિત આગેવાન કિરીટ રાઠોડે જણાવ્યું હતું કે, રબારી બે માંગણીઓ છે આ જધન્ય અપરાધમાં આરોપીઓને તાત્કાલિક ઝડપી લઈ પગલા લેવામાં ઢીલ કરનાર પીઆઈને તાત્કાલિક ફરજ મોકુફ કર્યા બાદ જ મૃતદેહ સ્વિકારશે. ભોગ બનનારની ફઈએ આક્ષેપ કર્યો હતો કે અમારી દિકરી ગુમ થઈ કે તરત જ તેના પિતા ફરિયાદ કરવા ગયા હતા પરંતુ પોલીસ ફરિયાદ દાખલ કરી ન હતી. પોલીસે મૃતદેહ મળી આવ્યો પછી પણ બે દિવસ સુધી બળાત્કારનો ગુનો દાખલ કર્યો ન હતો. દેખાવકારો ગુજરાત એસસીએસટી સેલના એડિશનલ ડીજીપી કે.કે.ઓજાને મળીને આ બનાવમાં મોડાસા પોલીસ યોગ્ય કાર્યવાહી કરતી ન હોવાની ફરિયાદ કરી હતી. પીઆઈએનકે રબારી બળાત્કારનો ગુનો નોંધવામાં પણ અને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં પણ ગલ્લા-તલ્લા કરતા હતો છેક ૭મી જાન્યુઆરીએ પોલીસે ગુનો નોંઘ્યો હતો. એડીજીપી ઓઝાએ જણાવ્યું હતું કે, અમે સ્થાનિક ડીવાયએસપીને તાત્કાલિક જેમ બને તેમ જલ્દી આરોપીઓને ઝડપી લેવાની સુચના આપીને આ અંગે તપાસ કરીને જો કોઈની બેદરકારી સામે આવે તો તેની સામે તાત્કાલિક કાયદાકિય કાર્યવાહી કરવાના આદેશો પણ જારી કર્યા હોવાનું જણાવ્યું હતું.