અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધના વાદળો વિખેરાતા બજારમાં હાશકારો: સેન્સેક્સમાં ૫૦૦થી વધુ નિફ્ટીમાં ૧૫૦ પોઇન્ટથી વધુનો ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલનાં ભાવમાં થયેલો ઘટાડો અને અમેરિકી ડોલર સામે રૂપિયામાં જોવા મળેલી જોરદાર મજબુતાઈના કારણે આજે ઉઘડતી બજારે સેન્સેકસમાં ૫૦૦થી વધુ અને નિફટીમાં ૧૫૦ પોઈન્ટથી વધુનો તોતીંગ ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા ચાર દિવસથી બજારમાં સતત ચઢાવ-ઉતાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રુડ બેરલનાં ભાવમાં ૪.૮૪ ડોલરનો ઘટાડો થયો હતો તો અમેરિકી ડોલર સામે રૂપિયો ૨૨ પૈસા મજબુત બન્યો હતો જેનાં કારણે આજે શેરબજારમાં ફરી તેજીનો તોખાર દેખાયો હતો. ઉઘડતી બજારે સેન્સેકસમાં ૫૦૦થી વધુ જયારે નિફટીમાં ૧૫૦ પોઇન્ટથી વધુનો ઉછાળો આવતા રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી. આજે તેજીમાં ભારતી ઈન્ફ્રાટેલ, જેએસડબલ્યુ સ્ટીલ, ઝી એન્ટરટેનનાં શેરોનાં ભાવમાં ૩ ટકાથી લઈ ૪.૭૦ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો તો બીજી તરફ તેજીમાં પણ ટીસીએસ, ઓલ ઈન્ડિયા, એફસીએલ ટેક અને ટેક મહિન્દ્રાનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે બજારમાં જોરદાર કડાકો બોલી ગયો હતો તો મંગળવારે બજાર ફરી બેઠુ થયું હતું જયારે બુધવારે બજારમાં સામાન્ય મંદી જોવા મળી હતી. આજે જાણે તેજીનો ટન હોય તેમ ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી જોરદાર ઉછાળા સાથે ખુલ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૫૩૬ પોઈન્ટનાં ઉછાળા સાથે ૪૧,૩૫૪ અને નિફટી ૧૫૯ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૨,૧૮૫ પર ટ્રેડ કરી રહ્યા છે જયારે અમેરિકી ડોલર સામે રૂપિયો ૨૨ પૈસાની મજુબતી સાથે ૭૧.૪૬ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે.