ભાજપ સરકાર જાણી જોઈને રેલીને અટકાવવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ
ઉના દલિત અત્યાચાર મામલે દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણી દ્વારા ૧૨મી જુલાઈના રોજ આઝાદી કુચનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ મહેસાણા જિલ્લા તંત્રએ આ કુચને મંજુરી આપી નથી. બીજી તરફ જીજ્ઞેશ મેવાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે મંજુરી ન મળી હોવા છતાં પણ આઝાદી કુચ આયોજન પ્રમાણે જારી રહેશે. મહેસાણામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ મામલે અઠવાડીયા અગાઉ જ અહેવાલો મંગાવવામાં આવ્યા હતા. ત્યારે રેલીના કારણે તોફાનો ફાટી નિકળે તેવી શકયતા હોવાથી મંજુરી આપવામાં આવી નથી.
અગાઉ રેલી માટે ૨૭મી જુનની મંજુરી અપાઈ હતી પરંતુ પરિસ્થિતિ વકરવાની ભીતિના પગલે રેલીને ૨૪ જુલાઈના આયોજીત કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી મંજુરી મળી ન હોવાથી જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપો કર્યા છે કે ગુજરાત સરકાર દ્વારા આઝાદી કુચને રોકવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મુદ્દા બાબતે આવતીકાલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ ક્ધવીનર કૌશિક પરમાર મહેસાણા જિલ્લા કલેકટરને મળવાના છે. જેમાં મંજુરી બાબતે વાચિત કરવામાં આવશે. આઝાદી કુચ પહેલા મહેસાણામાં દલિત સમાજના લોકો એકઠા થવાના છે. જયાં સભા પણ સંબોધવામાં આવશે. ઉનામાં કથિત ગૌહત્યાના મામલે દલિત યુવાનો ઉપર અત્યાચારના મામલે જીજ્ઞેશ મેવાણી દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. દલિતોને અધિકાર મળે તે માટે મંજુરી ન મળવા છતાં આઝાદી કુચ જારી રાખવાનો નિર્ણય કર્યો છે.