મુખ્યમંત્રીના હસ્તે એમ.એસ.એન.ઈ કેટેગરીના ૪૭૧ પ્લોટોની ફાળવણી ડ્રો મારફતે કરાશે
આગામી તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે ૭૧મા પ્રજાસત્તાક પર્વની રાજય કક્ષાની થનારી ભવ્યાતીભવ્ય ઉજવણીની તૈયારીઓ ઉત્સાહભેર ચાલી રહી છે. રાજકોટ સ્થિત આ ઉજવણીને અનેરો બનાવવા રાજય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર અને અન્ય વિભાગો વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ કરી રહયા છે. આ ઉજવણીના ભાગ રૂપે રાજય સરકાર દ્વારા ગુજરાતના ઔધોગિક વિકાસને વેગ આપવાના ભાગરૂપે લોધીકા તાલુકાના ખીરસરા(રણમલ) ગામ ખાતે આવેલ ૯૨ હેકટર જમીન પર નવી ઔધોગિક વસાહત સ્થાપવામાં આવાનાર છે.
આગામી તા.૧૮મી જાન્યુઆરીના રોજ ખીરસરા ખાતે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ દ્વારા સવારે ૧૧-૩૦ કલાકે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તેએમ.એસ.એમ.ઇ. કેટેગરીના ૪૭૧ પ્લોટોની ફાળવણી ડ્રો મારફતે કરવામાં આવનાર છે.
યુવા ઉદ્યોગસાહસિકોને ફાળવવામાં આવનાર આ પ્લોટ પર પોતાના નવા ઉદ્યોગની સ્થાપના કરી રાજકોટના ઔધોગીક વિકાસને વેગ આપશે. નવી રોજગારીની તકોનું સર્જન થશે. આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર રાજકોટ દ્વારા વિવિધ એમ.એસ.એમ.ઇ. પ્રોત્સાહક યોજના અન્વયે સહાયનું વિતરણ કરાશે. જયારે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર ઔધોગીક એકમોનું સન્માન કરાશે. આ તકે ગુજરાત પોલ્યુશન કંટ્રેાલ બોર્ડના વિવિધ લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવનાર છે આમ કુલ મળી ૧૦૦૦થી વધુ લાભાર્થીઓને લાભાન્વીત કરવામાં આવનાર છે તેમ રાજકોટ શહેરના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને ગુજરાત ઔધોગીક વિકાસ નીગમના રિજિયોનલ મેનેજર બી.વી.દસાણીની યાદીમાં જણાવાયું છે.