સોનીયા ગાંધી, મમતા બેનર્જી સહિતના વિરોધપક્ષના નેતાઓ દિલ્હીમાં મળશે
એક તરફ દિલ્હી વિધાનસભાની ચુંટણી જાહેર થઇ ચુકી છે બીજી તરફ જેએનયુમાં થયેલી હિંસાના પગલે ઠેર ઠેર વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યાં છે ત્યારે આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી દહેશત છે આગામી તા.૧૩ ના રોજ રાજધાની દિલ્હીમાં વિપક્ષી નેતાઓની બેઠક મળશે.
કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી, તૃણમૃલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી, ડીએમકેના ચીફ એમ.કે. સ્ટાલીન તથા લેફટ અને સ્થાનીક પક્ષોના નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં જેએનયુમાં વિદ્યાર્થીઓ ઉપર થયેલા હુમલા સંદર્ભે રણનીતી ઘડી કાઢવામાં આવશે. આ બેઠકના કારણે દિલ્હીમાં રાજકારણ વધુ ગરમાશે. દિલ્હી વિધાનસભા ચુંટણી નજીકમાં છે ત્યારે આ પ્રકારની ઘટનાએ સમગ્ર વિશ્ર્વનું ઘ્યાન આ ચુંટણી તરફ ખેંચ્યું છે. અહીં નોંધનીય છે કે જેએનયુમાં થયેલા હુમલા બાદ ચકચાર જાગીછે રાજકીય પક્ષો વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શને સમર્થન આપી રહ્યા છે. વિદ્યાર્થીઓના વિરોધમાં સુરથી સુર મિલાવી વિદ્યાર્થીઓનું સમર્થન મેળવવાની ઇચ્છા વિરોધ પક્ષોની છે. વિદ્યાર્થીઓના સહારે વિરોધ પક્ષે કેન્દ્ર સરકારને ભિડવવા માંગે છે તેવું હાલની સ્થિતિ પરથી જણાઇ રહ્યું છે. જેએનયુમાં થયેલી હિંસાના પડઘા સમગ્ર દેશમાં પડયા છે. આ પડઘા મસમોટા વિદ્યાર્થી આંદોલનનું સ્વરુપ ધારણ કરે તેવી સ્થિતિ ઉભી થઇ છે. વિદ્યાર્થીઓ ઉ૫રના હુમલાના પગલે દેશની યુનિવર્સિટી કોલેજોમાં રોષ જોવા મળ્યો છે. આ રોષને ઠારવા માટે મોદી સરકારે પણ તૈયારી કરી છે બીજી તરફ વિરોધ પક્ષો આગામી તા. ૧૩ ના રોજ મસમોટી રણનીતી ઘડવા જઇ રહ્યાં છે.