રાજયના કુલ ૧.૨૫ કરોડ જેટલા સર્વે નંબરોની માપણી અયોગ્ય હોવાનો આક્ષેપ: જિલ્લા કલેકટરોને આવેદન અપાયું
ગુજરાતમાં જમીન રીસર્વે અને માપણીની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ બાબતે યોગ્ય નિર્ણય કરવામાં આવે અને ફરીથી માપણી થાય તેવી માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવી માપણીમાં છબરડાને કારણે કાનુની લડાઈ લડવાની ભીતિ છે. માપણી ખાનગી એજન્સીઓ અક્ષાંશ રેખાંશને અવગણીને માત્ર ઓફિસમાં બેસીને કરી હોવાથી બનાવટી રેકોર્ડ બન્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૭૧૧ જેટલી અરજીઓની ચકાસણી કરવામાં આવતા માપણી ૧૦૦ ટકા ખોટી થઈ હોવાનું પણ અગાઉ કહેવામાં આવ્યું હતું. આ માટે નવી માપણી રદ કરી જુની માપણીને આધારભુત ગણવા તેમજ બિન મંજુર કરનારા અધિકારીઓ અને દસ્તાવેજમાં છેડછાડ બાબતે ગુનો દાખલ કરવા માટે કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.
કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે, આ બાબતે તપાસપંચ નિમવામાં આવે અને કાર્યવાહી થાય. જો કે આ બાબતે કોઈ યોગ્ય જવાબ ન મળતા કોંગ્રેસે રાજયવ્યાપી ધરણા અને આવેદનનો કાર્યક્રમ શ‚ કર્યો છે. જેમાં દરેક જિલ્લા મથકે કોંગ્રેસ દ્વારા ધરણા બાદ આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે. જમીન માપણીમાં ભ્રષ્ટાચારને કારણે રાજયને નુકસાન ઉપરાંત લોકોને પણ મુશ્કેલી ભોગવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થવાની ભીતિ સર્જાય રહી છે ત્યારે જુની માપણીના આધારે રેકોર્ડની માન્યતા ચાલુ રાખવા કહેવામાં આવી રહ્યું છે.
રાજકોટમાં કલેકટર કચેરી ખાતે સેટેલાઈટ માપણીના વિરોધમાં રાજીવ સતાવજીના અધ્યક્ષ સ્થાનેથી આવેદનપત્ર પાઠવાયું હતું. કોંગ્રેસનું કહેવું છે કે, માપણી સેટેલાઈટના આધારે થઈ હોવાથી તેને માન્યતા આપી શકાય નહીં. આ માપણી ભુલ ભરેલી અને ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. જે પ્રજા માટે મુશ્કેલી સમાન છે. વધુમાં ભાજપ સરકાર ઉપર પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જાણી જોઈને જમીન માપણીમાં ભ્રષ્ટાચારને દબાવવામાં આવી રહ્યો છે. એક તરફ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી હોવાથી કોંગ્રેસ વર્કીંગ મોડમાં આવી ગયું છે અને જમીન માપણીનો મુદ્દો આગામી સમયમાં વધુ જોર-શોરથી ઉઠાવવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે.
ભાજપ વિરોધી ધરણામાં ‘બાપુ’ શા માટે દુર રહે છે?
કોંગ્રેસમાં શંકરસિંહને લઈને વિખવાદો શ‚ થયા છે ત્યારે બાપુ ભાજપમાં જોડાવવાના છે તે બાબતે સતત ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ ચર્ચાઓનું કોઈ પરીણામ મળી રહ્યું નથી. તેવામાં કોંગ્રેસ દ્વારા પણ શંકરસિંહની સતત અવગણના કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા શંકરસિંહને કોઈ મહત્વનું પદ સોંપવામાં આવ્યું નથી. ત્યારે હવે બાપુ લડી લેવાના મુડમાં છે. એક તરફ કોંગ્રેસ સાથે વિખવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ ભાજપના નેતાઓ સાથેની મુલાકાત શંકા ઉપસાવી રહી છે કે બાપુ પોતાનો છેલ્લો દાવ રમી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે એક વસ્તુ એ પણ સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધી શંકરસિંહ ભાજપ વિરોધી ધરણા જેવા કાર્યક્રમોમાં જોડાયા નથી. આવા કાર્યક્રમોથી બાપુએ હંમેશા દુરી બનાવી રાખી છે. ત્યારે હવે વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી હોવાથી કોંગ્રેસ દ્વારા ભાજપનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધ વચ્ચે જો કોંગ્રેસના મુખ્યનેતાઓ જ ન જોડાય તો આગામી ચુંટણીમાં કોંગ્રેસ કઈ રીતે સમગ્ર રણનીતિ પાર પાડશે તે જોવાનું રહ્યું.