સૌથી વધુ ડ્રેનેજની ૮૪,૪૫૩ ફરિયાદો, સ્ટ્રીટલાઈટ બીજા ક્રમે, ગંદકીની ફરિયાદો પણ ૨૫,૬૯૧: ગત વર્ષની સરખામણીએ ૧૩ હજારથી વધુ ફરિયાદો
સ્માર્ટ સિટી બનવાના સપના નિહાળી રહેલા રાજકોટ શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું સ્પષ્ટ પુરવાર થઈ રહ્યું છે. છેલ્લા એક વર્ષ દરમિયાન મહાપાલિકાનાં કોલ સેન્ટરમાં ૨૦૫૩૧૩ ફરિયાદો નોંધાઈ છે જે પૈકી ૧૦૪૫ ફરિયાદો આજની તારીખે પણ હલ થયા વિનાની પેન્ડીંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ ૧૩,૦૦૦થી વધુ ફરિયાદો વધી છે. ચાલુ સાલ રેકોર્ડબ્રેક વરસાદનાં કારણે ડ્રેનેજને લગતી ફરિયાદો અવ્વલ નંબરે છે.
શહેરીજનોને લાઈટ, પાણી, રોડ-રસ્તા, ગટરની ફરિયાદો નોંધાવવા માટે રૂબરૂ આવવું ન પડે તે માટે મહાપાલિકા દ્વારા રાઉન્ડ ધી કલોક કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે જેના નંબર ૦૨૮૧-૨૪૫૦૦૭૭ છે. ગત ૧ જાન્યુઆરી-૨૦૧૯થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધીનાં સમયગાળામાં મહાપાલિકાના કોલ સેન્ટરમાં ૨૦૫૩૧૩ ફરિયાદો નોંધાઈ છે જે પૈકી ૧,૮૨,૦૭૬ ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે અને ૨૨,૧૯૨ ફરિયાદના નિકાલ માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આજની તારીખે ૧૦૪૫ ફરિયાદો એવી છે જે મહિનાઓ અગાઉ નોંધાઈ ચુકી છે પરંતુ જે હલ થઈ નથી અને પેન્ડીંગ બોલી રહી છે. સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજની નોંધાઈ છે. જેમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાની અને ઓવરફલો થતી હોવાની ૭૨,૩૨૧ ફરિયાદ જયારે મેઈન હોલનાં ઢાંકણા તુટેલા હોય, ડ્રેનેજ પાઈપલાઈન તુટેલી હોય, ગેરકાયદે ડ્રેનેજ કનેકશન, કુંડી રીપેરીંગ સહિતની ૧૨,૧૩૨ ફરિયાદો નોંધાઈ છે. સ્ટ્રીટલાઈટને લગતી ફરિયાદોનો ક્રમ બીજો છે. સ્ટ્રીટલાઈટને લગતી ૪૩,૯૬૬ ફરિયાદ નોંધાઈ છે જેમાં એલઈડી ડેમેજ હોવાની, દિવસ દરમિયાન લાઈટ ચાલુ રહેતી હોવાની, ઓછુ અજવાળુ પડતી હોવાની અને શોર્ટ સર્કિટને લગતી ફરિયાદોનો સમાવેશ થાય છે. રખડતા કુતરાઓની અને ડોગ બાઈટને ૨૬૩ ફરિયાદ, રખડતા ઢોરની ૧૪૭૬ ફરિયાદ, આવાસ યોજનાને લગતી ૪૨ ફરિયાદ, ચેક કલેકશનને લગતી ૧૨ ફરિયાદ, સીટી બસને લગતી ૨૪૨૫ ફરિયાદ, બાંધકામને લગતી ૭૭૫૨ ફરિયાદ, મરેલા ઢોર ઉપાડવા સહિતની ક્ધઝવેન્સી ડિપાર્ટમેન્ટને લગતી ૩૦૫૨ ફરિયાદ, ઈલેકટ્રીક વેસ્ટ કલેકશનની ૧૭ ફરિયાદ, દબાણ અંગેની ૨૩૭૭ ફરિયાદ, ફાયર બ્રિગેડને લગતી ૨૯૦ ફરિયાદ, આરોગ્ય અને ફુડ વિભાગને લગતી ૧૯૨ ફરિયાદ, બાગ-બગીચાની ૧૮૯૪ ફરિયાદ, ડંકી રીપેર કરવાની અને ડંકીમાં પાણી આવતું ન હોવાની ૬૩૪ ફરિયાદ, શાળા-કોલેજો પાસે ગેરકાયદે સિગારેટ અને ગુટખાનું વેચાણ થતું હોવાની ૮ ફરિયાદ, કોઈપણ સર્ટીફીકેટ વગર ડોકટરની પ્રેકટીસ ચાલી રહી હોવાની ૪ ફરિયાદ, પે એન્ડ પાર્કમાં ૮૧ ફરિયાદ, સોલીડ વેસ્ટ શાખાને લગતી ૨૫,૬૯૧ ફરિયાદ, વોંકળા સફાઈની ૬૭૪ ફરિયાદ, ટીપી શાખાને લગતી ૯૯૨ ફરિયાદ, ટેકસને લગતી ૪૦૩ ફરિયાદ, અર્બન મેલેરિયા ડિપાર્ટમેન્ટની ૨૪૬૩ ફરિયાદ જયારે પાણીને લગતી જેવી કે ડાયરેક પમ્પીંગ, ગેરકાયદે કનેકશન, ઓછા ફોર્સથી પાણી વિતરણ, પાણી ન મળ્યું હોવાની, પાઈપલાઈન લીકેજ હોવાની, દુષિત પાણી હોવાની, વાલ્વ વધુ સમય ખુલ્લો રહી ગયો હોવાની અને વાલ્વ ચેમ્બર ખરાબ હોવાની ૨૫,૬૭૨ ફરિયાદો છેલ્લા એક વર્ષ દરમ્યાન કોર્પોરેશનનાં કોલ સેન્ટરમાં નોંધાઈ છે.