વિછિયા તાલુકાના મોઢુકા ગામે જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર યોજાઈ:ટુંક સમયમાં ૫૦ જેટલી પશુ એમ્બ્યુલન્સ વાનોની સેવા તેમજ જસદણને આધુનિક પશુ હોસ્પિટલની ભેટ અપાશે
વિંછિયા તાલુકાના મોઢુકા ગામે પશુપાલન, પાણી પુરવઠા અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના કેબિનેટમંત્રી કુંવરજીભાઇ બાવળીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર પશુપાલન ખાતું અને જિલ્લા પંચાયત રાજકોટના ઉપક્રમે યોજાઈ હતી.
પશુપાલનને ખેતીની પુરક નહીં પણ સમકક્ષ વ્યવસાય તરીકે વિકસાવવા રાજય સરકાર કટ્ટીબધ્ધ છેતેમ દીપ પ્રગટાવી પશુપાલન શિબિરનો પ્રારંભકરી જણાવતાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વધુમાં ઉમેર્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાજયમાં પશુપાલનના સુવ્યવસ્થિત વિકાસ માટે પશુપાલન શિબિરો, પશુ આરોગ્ય કેમ્પો અને શ્રેષ્ઠ દુધ ઉત્પાદક પશુની હરીફાઇઓ યોજવા સાથે પશુ સંવર્ધન અને દુધ ઉત્પાદકતા વધારવા રાજય વ્યાપી વિવિધ યોજનાઓ અમલી બનાવી હતી. તેઓનો ઉદેશય ખેતિ આધારીત ગ્રામિણ અર્થવ્યવસ્થાને પશુપાલન સાથે સાંકળી વધુ સમૃધ્ધ બનાવવાનો હતો. હાલ રાજય સરકાર દ્વારા પશુપાલન વિકાસલક્ષી અનેક યોજનાઓ જેવીકે નિ:શૂલ્ક કૃત્રિમ બીજદાન, નિ:શૂલ્ક પશુ આરોગ્ય સેવાઓ, વિદ્યુત ચાફકટર સહાય, કેટલ શેડ બાંધકામ સહાય, પોષણક્ષમ ચારાનું વાવેતર કરવા માટે સહાય, ડેરી ઉદ્યોગ માટે બલ્ક મિલ્ક કુલરની સહાય જેવી અનેક સહાયો અને પશુ આરોગ્યની જાળવણી માટે દસ ગામ દીઠ એક હરતા ફરતા પશુ દવાખાનાની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. જેનો મહત્તમ લાભ લઇ પશુપાલનને રોજગાર તરીકે સ્વીકારી આધુનિક અને તજજ્ઞોની સલાહ અનુસાર નફાકારક પશુપાલન કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. આ તકે તેઓએ જસદણ ખાતે આધુનિક પશુ હોસ્પીટલ મંજૂર થવા બાબતે જાણકારી આપતાં ટુંક સમયમાં ૫૦ જેટલી પશુ એમ્બ્યુલન્સ વાનોની સેવા પણ રાજય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યસરકાર દ્રારા પાવર ડ્રિવન ચાફકટર સહાય યોજના અંતર્ગત ૨૨ લાભાર્થી પશુપાલકોને પેમેંટ ઓર્ડરોનું મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. આ શિબિરમાં જિલ્લા પંચાયત સભ્ય કાળુભાઇ તલવડીયા,તાલુકા પંચાયતસભ્ય નારણભાઇ, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાકરીયા, વિંછીયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, સરપંચ વાલાભાઇ મેર, પશુપાલન વિભાગના અધિકારીઓ ડો. વી. કે. સરોડીયા, ડો. એ. એચ. મણવર, સર્કલ ઓફિસર સાંબડભાઈ, આસપાસના ગામોના આગેવાનો સર્વ જેઠાભાઇ રબારી, અજીતભાઈ ધોળકિયા, રમેશભાઈ ડાભી સહિત મોટી સંખ્યામાં આસપાસના ગામોના પશુપાલકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.