૪ કરોડ ટાકાની છેતરપિંડી કરવાનો જેમના પર આક્ષેપ છે તે પૂર્વ ચીફ જસ્ટીસ સુરેન્દ્રકુમાર સિંહાએ અમેરિકામાં રાજ્યાશ્રય લઈ રહ્યાં છે
બાંગ્લાદેશના પૂર્વ ચીફ જસ્ટીસ સુરેન્દ્રકુમાર સિંહા વિરુધ્ધ ૪ કરોડ ટાકાની છેતરપિંડી કરવા બદલ ત્યાંની સ્થાનિક કોર્ટે ધરપકડનું વોરંટ નીકળ્યું છે. જજ સિંહા અમેરિકામાં રાજ્યાશ્રય લઈ રહ્યાં હોય બાંગ્લાદેશના ભ્રષ્ટાચાર વિરોધી પંચે તેની ચાર્જશીટમાં ફરાર ગણાવ્યા છે. સિંહા જાન્યુઆરી ૨૦૧૫થી નવેમ્બર ૨૦૧૭ દરમિયાન બાંગ્લાદેશના ૨૧માં ચીફ જસ્ટીસ તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ધાક ધમકીના પગલે તેમને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. વડાપ્રધાન શેખ હસીનાએ સિંહા સામે અખબારોમાં સરકાર વિરોધી સમાચારો આપવાનો આક્ષેપ મુકીને ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. ઢાંકાના ખાસ સિનિયર જજ કે.એમ.ઈમરુલ સુરેન્દ્રકુમાર સિંહા સામે ભ્રષ્ટાચાર વિરોધી પંચે મુકેલી ચાર્જશીટમાં લગાવવામાં આવેલી કલમોને ધ્યાનમાં લઈને તેમના સહિત અન્ય ૧૦ લોકોનું ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું હતું. સિંહા સામે વર્ષ ૨૦૧૬માં ૪ કરોડ ટાકાની છેતરપિંડી કરવા બદલ આ વોરંટ ઈસ્યુ થયાનું સરકારી વકીલ તપોષકુમાર પાલે પત્રકારોને જણાવ્યું હતું. બાંગ્લાદેશના ભ્રષ્ટાચાર વિરોધીપંચની ચાર્જશીટ મુજબ સુરેન્દ્રકુમાર સિંહા સહિત ૧૦ લોકોએ ખેડૂત બેન્ક સાથે ૪ કરોડ ટાકાની છેતરપિંડી આચરી હતી. બેન્કના બે ઉદ્યોગપતિઓ દ્વારા બનાવટી દસ્તાવેજો પર ૪ કરોડ ટાકાની લોન લેવામાં આવી હતી. આ લોનની રકમ સિંહાના ખાતામાં જમા કરવામાં આવી હતી.