આ હુમલામાં વિદ્યાર્થી સંગઠ્ઠનના પ્રમુખ સહિત ૩૦ જેટલા વિદ્યાર્થી, શિક્ષકો ઘાયલ થયા: ડાબેરી વિદ્યાર્થી સંગઠ્ઠનોનો એબીવીપીના કાર્યકરોએ હુમલો કર્યોનો આક્ષેપ, જયારે એબીવીપીનો પ્રતિ આક્ષેપ
એક સમયે દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થા ગણાતી જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી છેલ્લા થોડા સમયથી રાજકીય ગતિવિધીઓના અડ્ડા સમાન બની ગઇ છે. જેથી, સમયાંતરે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે પ્રાઘ્યાપકો કોઇના કોઇ વિવાદ મુદ્દે મીડીયામાં ચમકતા રહે છે.
ચાલુ વર્ષમાં દિલ્હી વિધાનસભાની ચુંટણી યોજનારી છે તે પહેલા જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હોદેદારો માટેની ચુંટણી યોજાનારી છે. જેથી આ વિઘાર્થી હોદેદારોની ચુંટણી પહેલા ડાબેરી વિદ્યાર્થી સંગઠ્ઠનો અને ભાજપના વિદ્યાર્થી સંટઠ્ઠન મનાતા એવીબીપી ના કાર્યકરો વચ્ચે સમયાંતરે ટકરાવ થતો રહે છે. આવો જ એક ગઇકાલ રાત્રે થયેલો ટકરાવ હિંસામાં ફેરવાયો હતો. જેમાં વિઘાર્થી યુનિયનના પ્રમુખ સહીત ૩૦ વિઘાર્થીઓ શિક્ષકોને ઇજાઓ પહોચવા પામી છે.
રાજધાની દિલ્હીમાં જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી માં ગઈકાલે ફરી એકવાર હિંસાની ઘટના ઘટી હતી. જેમાં જેએનયુ છાત્ર સંઘનાં અધ્યક્ષ આઈશી ઘોષ ઉપર ઘાતકી હુમલો થયો હતો અને તેને માથા સહિત ઈજાઓ થઈ હતી. જેએનયુ છાત્ર સંઘે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)નાં કાર્યકરોએ આ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનાને પગલે ફરી એકવાર રાજકીય આક્ષેપબાજીઓ શરૂ થઈ ગઈ હતી. તો બીજી બાજુ મોડી રાત્રે પોલીસના વડામથક બહાર મોટી સંખ્યામાં છાત્રો વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. પહોચેલા સ્વરાજ પાર્ટીના યોગેન્દ્ર યાદવ સાથે ધક્કામુક્કી થઈ હતી. જેએનયુમાં ફી વધારા મામલે છાત્રો છેલ્લા બે માસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે થયેલા હુમલાઓને જેએનયુ છાત્ર સંઘે દાવો કર્યો હતો કે, સાબરમતી અને અન્ય હોસ્ટેલમાં કથિતરૂપે એબીવીપીનાં કાર્યકરોએ મોઢે બુકાની બાંધીને હુમલો કર્યો હતો. જેમાં પથ્થરમારો અને તોડફોડ કરવામાં આવી હતી. આ દરમિયાન જ જેએનયુ છાત્ર સંઘનાં અધ્યક્ષ આઈશી ઘોષ પર હુમલો કરવામાં આવ્યો હતો. આટલું જ’ નહીં કેટલાક પ્રાધ્યાપકો ઉપર પણ હુમલો થયો હોવાનું કહેવાય છે.
જ્યારે એબીવીપીનું એક જણાવ્યું હતું કે , જેએનયુમાં એબીવીપી સાથે જોડાયેલા છાત્રો ઉપર વાસ્તવમાં ડાબેરી છાત્ર સંગઠન એસએફઆઈ, આઈસા, ડીએસએફનાં લોકોએ હુમલો કર્યો છે. આ હુમલામાં આશરે ૧૮ જેટલા લોકોને ઈજાઓ થઈ છે. જેમને એઈમ્સમાં ખસેડવામાં આવ્યા હતા.
નજરે જોનારા લોકોના કહેવું મુજબ રવિવારે સાંજે આશરે ૬.૩૦ વાગ્યે ૫૦ જેટલા નકાબધારી લોકો જેએનયુ કેમ્પસમાં ઘૂસી ગયા હતા અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો પર હુમલો કરી દીધો હતો. તેઓ હથિયારો સાથે કેમ્પસમાં ઘૂસી આવ્યા હતા. હુમલા દરમિયાન કેમ્પસમાં સ્થિત વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા અને હોસ્ટેલમાં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પચાસથી વધારે લોકો નકાબમાં તહેરો છુપાવીને યૂનિવર્સીટી કેમ્પસમાં ઘૂસી આવ્યા હતા, જેમના હાથોમાં હોકી સ્ટીક, સળિયા, બેટ જોવા મળી રહ્યા હતા. બીજી તરફ લેફ્ટ દ્વારા એબીવીપી પર આ હુમલાના આરોપ લગાવવામાં આવ્યા છે.
જેએનયુમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર થયેલો જીવલેણ હુમલો પૂર્વાયોજિત હોવાના કેટલાક પુરાવા સામે આવ્યા છે. વોટ્સએપ પર આ હુમલા માટે એક ગુ્રપ પણ બનાવવામાં આવ્યું હતું જેમાં કેવી રીતે હુમલો કરવો તેની વાતચીત થઇ હતી, આ પૂર્વાયોજી હુમલાની વાતચીતના સ્ક્રિનશોટ વાઇરલ થયા છે.
આ વોટ્સએપ ગુ્રપનું નામ યુનિટી અગેન્સ લેફ્ટ છે. જેમાં જેએનયુમાં કેવી રીતે પ્રવેશ કરવો અને ક્યા ગેટ પર શું સ્થિતિ છે તેની દરેક માહિતી શેર કરવામાં આવી હતી. સાથે જ હોસ્ટેલમાં પ્રવેશ્યા બાદ શું કરવું તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક મેસેજમાં લખેલુ છે કે યુનિ.ના વીસી આપણા જ છે વિદ્યાર્થીઓને મારો. જ્યારે એક મેસેજમાં લખેલુ છે કે આજે નહીં મારીએ તો ક્યારે મારીશું? આ મેસેજના સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે.
બીજી તરફ જેએનયુના બધા જ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને અંદર પોલીસે પ્રવેશ કરી લીધો છે. જ્યારે બહાર મોટી સંખ્યામાં એક્ટિવિસ્ટ્સ અને વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. આ ઘટનાની દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી, દિલ્હીના ઉપરાજ્યપાલ સહિતનાએ ટીકા કરી હતી. ગૃહ મંત્રાલયે પણ તેની નોંધ લીધી છે અને સમગ્ર મામલે પોલીસ વડા સાથે વાતચીત કરી હતી.