સભ્યોએ પ્રશ્ર્નોની ભરમાર ચલાવી, દોઢ કલાકનો સમય પણ ઘટયો: મોટાભાગના પ્રશ્ર્નો-‘અધિકારીઓ
કામ કરતા નથી’: અધિકારીઓને ઘઘલાવવામાં કોંગ્રેસ અને અસંતુષ્ટ જુથે એકતા દર્શાવી
અસંતુષ્ટ જુથનાં બે સભ્યોની હાજરીમાં સર્વાનુમતે ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ તેમજ મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિનાં સભ્યોની વરણી
આજરોજ યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્યસભામાં ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ તેમજ મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિનાં સભ્યોની વરણી કરવામાં આવી હતી જોકે આ વરણી પૂર્વે જ અસંતુષ્ટ જુથના મોટાભાગનાં સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. સભા દરમિયાન સભ્યોએ પ્રશ્ર્નોની ભરમાર ચલાવીને સમગ્ર હોલને ગુંજવી નાખ્યો હતો. પ્રથમ કલાક ઘટયા બાદ વધારાની અડધી કલાક પ્રશ્ર્નોતરી માટે ફાળવવામાં આવી હતી. આ અડધી કલાક પણ પ્રશ્ર્નોતરી માટે ઘટી હતી. મોટાભાગના પ્રશ્ર્નો અધિકારીઓ કામ ન કરતા હોવાના રજુ થયા હતા.
જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરા, મોરબીનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને વાંકાનેરનાં ધારાસભ્ય મહમદ જાવેદ અલી પીરજાદાની પણ ઉપસ્થિતિ રહી હતી. પ્રમુખ અલ્પાબેન ખાટરીયા અને ડીડીઓ અનિલ રાણાવસીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ સામાન્ય સભામાં હંસાબેન વૈષ્ણવ અને શિલ્પાબેન મારવણીયા અંગત કારણોસર પૂર્વ મંજુરીથી રજા પર રહ્યા હતા જયારે રેખાબેન પટોળીયા, કિરણબેન આંદીપરા અને ભાનુબેન તળપદા કોઈપણ જાણ વગર ગેરહાજર રહ્યા હતા. સામાન્યસભા શરૂ થયા બાદ એક કલાકનો પ્રશ્ર્નોતરી રાઉન્ડ યોજાયો હતો. આ એક કલાકનાં રાઉન્ડમાં તમામ પ્રશ્ર્નોનો સમાવેશ ન થતા પ્રમુખ દ્વારા વધુ અડધી કલાક ફાળવવામાં આવી હતી. આમ કુલ દોઢ કલાક જેટલા સમયમાં પણ સભ્યોનાં પ્રશ્ર્નો ખુટયા ન હતા. સભ્યોએ પ્રશ્ર્નોનો મારો ચલાવીને અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો સામે સભ્યોની રજુઆતો પ્રત્યે ધ્યાન ન દેતા અધિકારીઓ સામાન્યસભામાં મીયાની મિંદડી થઈ ગયા હતા જોકે અધિકારીઓને ઘઘલાવવામાં અસંતુષ્ટ જુથ અને કોંગ્રેસી જુથે એકતા પણ બતાવી હતી. પ્રશ્ર્નોતરી રાઉન્ડ બાદ ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ તેમજ મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિનાં સભ્યોની વરણી કરવામાં આવી હતી જોકે આ વરણી પૂર્વે જ અસંતુષ્ટ જુથે વોકઆઉટ કર્યું હતું પરંતુ અસંતુષ્ટ જુથમાંથી બાલુ વિંઝુડા અને મગનભાઈ બંનેએ પોતાનું સ્થાન જાળવી રાખયું હતું. આ બે સભ્યોની હાજરીમાં બંને સમિતિઓના સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
શાળામાં પાણીના ટાંકા બનાવવાનાં કામમાં સિંચાઈનાં અધિકારીઓ દોઢ ડાહ્યા થતા હોબાળો
જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પાણીના ટાંકા બનાવવાનું કામ શિક્ષણ સમિતિનું હોય છે પરંતુ આ કામ માટે સિંચાઈ સમિતિએ દરખાસ્ત કરી હોવાથી આ મામલે સામાન્ય સભામાં તમામ સભ્યોએ ભેગા મળીને હોબાળો મચાવી દીધો હતો. સિંચાઈ વિભાગના અધિકારીઓને તમામ સભ્યોએ એકત્રિત થઈને ઘઘલાવી નાખ્યા હતા. સભ્યોએ આ વેળાએ વિડીયો સમક્ષ કહ્યું હતું કે, સિંચાઈ વિભાગને રૂા.૬૨.૭૦ લાખનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે પરંતુ ડિસેમ્બર સુધીમાં સિંચાઈ વિભાગે માત્ર રૂા.૧.૭૦ લાખનાં જ કામ કર્યા છે. આમ સિંચાઈ પોતાનું કામ બરાબર રીતે કરતું નથી. શિક્ષણ સમિતિનાં કામોમાં દોઢ ડાહ્યું થઈ રહ્યું છે. જયારે જયારે સિંચાઈ વિભાગને કાંઈ રજુઆત કરવામાં આવે છે ત્યારે તેઓ તરફથી માત્રને માત્ર એક જ જવાબ આપવામાં આવે છે કે, અમારી પાસે પુરતો સ્ટાફ નથી.
કર્મચારીના અવસાન બાદ પરિવારને અપાતી સહાય વધારીને રૂા.૫૦ હજાર કરાઈ
જિલ્લા પંચાયતનાં કોઈ કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થાય તો તેના પરીવારને રૂા.૨૫ હજારની સહાય જિલ્લા પંચાયત તરફથી આપવામાં આવતી હતી. આજરોજ મળેલી સામાન્ય સભામાં આ સહાય વધારીને રૂા.૫૦ હજારનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જે સર્વાનુમતે પસાર થતા હવે કર્મચારીનાં અવસાન બાદ તેના પરિવારને રૂા.૫૦ હજારની સહાય મળવાપાત્ર થશે.
મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિ
ભાવનાબેન સેજુલભાઈ ભુત
કુસુમબેન પ્રવિણભાઈ ચૌહાણ
મધુબેન પંકજભાઈ નસીત
હેતલબેન રણજીતભાઈ ગોહેલ
અર્ચનાબેન પરેશભાઈ સાકરીયા
ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ
નાનજીભાઈ માધાભાઈ ડોડીયા
પરસોતમભાઈ કચરાભાઈ લુણાગરીયા
વિનુભાઈ જીવાભાઈ ધડુક
મનોજભાઈ વલ્લભભાઈ બાલધા
હેતલબેન રણજીતભાઈ ગોહેલ
સામાજીક ન્યાય સમિતિના ચેરમેન બાલુ વિંઝુડાનો ગોટાળો સભામાં ગાજયો
સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન બાલુ વિંઝુડા સામે સમિતિનાં સભ્ય સોમાભાઈ મકવાણાએ આક્ષેપ કર્યો હતો કે, ગત ૨૬ નવેમ્બરનાં રોજ સામાજીક ન્યાય સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં સભ્યોની સહમતીથી જે કામ થયા તેનો ફોટો ખેંચવા દેવામાં આવ્યો ન હતો અને બાદમાં સભ્યો છુટા પડયા એટલે ચેરમેન બાલુ વિંઝુડાએ કામમાં ફેરફાર કરી નાખ્યા હતા. ચેરમેન બાલુ વિંઝુડાનાં આ ગોટાળો સામાન્ય સભામાં ગાજયો હતો જોકે અધિકારીએ ચેરમેનની તરફેણ કરતા ડીડીઓએ હાથ ઉંચા કરીને વિકાસ કમિશનરને આ અંગે રજુઆત કરવાનું કહ્યું હતું.