૩ થી ૫ વર્ષની વય બાલમનોવિજ્ઞાન દ્રષ્ટિએ સૌથી મહત્વનો વિકાસ તબકકો હોય આ ઉંમરે અપાતું શિક્ષણમાં રસ-રૂચી- વલણો ધ્યાને લેવાય એ જરૂરી છે બળ માનસના ઉંડા અભ્યાસી શિક્ષકો કયાં? એ પણ શિક્ષણમાં બાધારૂપ છે
આજનો છાત્ર ‘નિયમ’ કરતાં ડબલ વજનની સ્કુલબેગ સાથે કરે છે અભ્યાસ
અર્લી ચાઈલ્ડ એજયુકેશન સિસ્ટમમાં પાંચ વર્ષથી નીચેના ટબુકડા બાળમિત્રોને પણ વિવિધ પ્રોજેકટસનું ભારણ સાથે બાળમનોવિજ્ઞાન
ન સમજતા શાળા સંચાલકો શિક્ષકો પોતાની નવા નવા ગતકડા કરીને ટબુકડાની સાથે વાલીઓને પણ હેરાન કરે છે
સર્વ શિક્ષા અભિયાન- હવે સમગ્ર શિક્ષા અભિયાન બાદમાં ‘મિશન’, જી.સી.ઈ.આર.ટી.કે એન.સી.ઈ.આર.ટી. કે પછી કેન્દ્રીય માનવ સંશાધન વિભાગ સૌ કોઈ શિક્ષણ વિભાગ માટે માર્ગદર્શન આપે, નિયમો બનાવે છે. પણ નગ્ન હકિકત એ છે કે ભાર વગરનાં ભણતરની સંકલ્પના કયાંય સિધ્ધ થઈ નથી.
આજે પણ માત્ર અઢી કે ત્રણ વર્ષનું ટબુકડું ૫૦૦ ગ્રામ વજનનું દફતર લઈને નર્સરી કે એથી મોટુ બાળક લોઅર કેજી કે હાયર કેજીં છાત્રો સ્કુલ બેગનો ભાર ઉપાડે છે. ભારતીય બંધારણ ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત, ફરજીયાત પ્રાથમિક શિક્ષણ આપવાનું સ્વીકાર્યું છે. ત્યારે ધો.૧,૨માં આપણા ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમને કારણે છાત્રોનાં દફતર શાળામાં જ રખાય છે. પણ આતો સરકારી શાળા પૂરતું, ખાનગી શાળામાં તો પાંચ છ વર્ષનું બાળક તેની ઉંમર જેવડુ વજન ઉપાડીને શાળાએ જાય છે. હવે વાલીઓ પણ સરકારશ્રીની ‘ભાર વગરના’ ભણતરની યોજના કાગળ ઉપર રહી ગયાની વાત છડે ચોક કે આંદોલન રૂપે કરી રહ્યા છે.
ધો.૩ થી ૮ તાસ પધ્ધતી અનુસાર વિદ્યાર્થીને પાઠય પુસ્તકો લાવવાના હોય પરંતુ શાળા તે તમામ પુસ્તકો નોટબુક સાથે રાખવાની સૂચના આપતા તેના દફતરનું વજન વધી જાય છે. ૫ થી ૭ કિલોનાં દફતરનાં વજનનો ભાર ઉપાડીને ખંભા-કેડ કે કરોડરજજૂના દુ:ખાવા વિદ્યાર્થીને થઈ ગયા છે.
સરકારી નિયમાનુસાર ધો.૩ થી ૫માં ભણતા છાત્રોનાં દફતરનું વજન ત્રણ કિલોથી વધારે ન હોવું જોઈએ. પણ આ નિયમો કોણ પાડે? ડી.ઈ.ઓ, શાસનાધિકારી, કેળવણી નિરીક્ષકો સ્કુલ બેગનું વજન ચકાસશે કયારે? અનેક છાત્રોને નાની ઉંમરે પીઠ-કમરનાં દુ:ખાવા થઈ ગયા છે ત્યારે તેને દફતરનાં ‘ભાર’માંથી મૂકત કોણ કરશે એ યક્ષ પ્રશ્ર્ન છે ??
ખંભે લટકાવીને ભારેખમ વજનદાર દફતરો લઈ વાંકા વળી ગયેલા વિદ્યાર્થીઓ માટે ધો.૧ થી ૫માં બે કિલો અંદરનું તથા ધો. ૬થી ૮માં ૫ કિલો અંદરના વજનનો નિયમ છે. આ નિયમ મુજબ કઈ શાળાનું દફતર હશે તે શોધવું મુશ્કેલ છે.
આટલા ભારેખમ દફતર ખંભાના પાછળનાં ભાગે લટકાવી ત્રણથી ચાર માળ પગથીયા ચડવાની મુશ્કેલીતો બાળકોને પૂછો તો ખબર પડે!! ખાનગી શાળામાં તો લિફટની સુવિધા હોતી જ નથી, અને જો હોય તો પણ એમાં વિદ્યાર્થીને પ્રવેશ અપાતો નથી. અને છેલ્લે છેલ્લે ‘ચલો સ્કુલ ચલે હમ’ના નારા સૌ લગાવશે પણ છાત્રોને દફતરના ભારથી મૂકત કરીને ‘ભાર વગરનું ભણતર’ કોણ આપશે!!