ન્યાયીક પ્રક્રિયા ઝડપી બનાવવા અને કાયદાને અસરકારક બનાવવા ધરમુળથી ફેરફાર થશે
સજાના દરમાં વધારો કરવા ફોરેન્સિક પુરાવાને વધુ પ્રાધાન્ય અપાશે: બદલાયેલી સમાજ વ્યવસ્થાના કારણે કાયદામાં સુધારો કરવો નિષ્ણાંતોના મતે જરૂરી
દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૧૮૬૦મા લાગુ પાડવામાં આવેલા ભારતીય દંડ સહિતા (આઇપીસી) અને ગુનાહિત કાર્યવાહીનો કાયદો (સીઆરપીસી)માં ધરમુળથી ફેરફાસ સાથે લોકસભામાં ખરડો આવી રહ્યો છે. આઇપીસી અને સીઆરપીસીના કાયદાને અસરકારક બનાવી અને ન્યાયીક પ્રક્રિયા ઝડપી બનાવી માટે વર્ષો જૂના કાયદામાં સુધારો કરવો નિષ્ણાંતોના મતે જરૂરી ગણાવી કાયદામાં કેટલાક ફેરફાર સાથે સંસદમાં મુકવાની મજુરી માગવામાં આવી છે. બદલાયેલી સમાજ વ્યવસ્થાના કારણે કાયદાને અસરકારક બનાવી સજાનું પ્રમાણ વધારવા પર વિચારણા થઇ રહી છે.
બળાત્કાર જેવા ધૃણાસ્પદ ગુનાઓ પર અંકુશ લાવવા માટે કાયદાનો ડર જરૂરી બન્યો છે. સજાના ડરના કારણે જ ગંભીર ગુનાનું પ્રમાણ ઘટી શકે તેમ હોવાથી અંગ્રેજ સમયના વર્ષો જૂના કાયદામાં ઘણો સુધારો કરી કાયદા મંત્રાલય, પોલીસ સંશોધન અને વિકાસ, મહિલા અને બાલ વિકાસ મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલય સહિતના સંબંધિત વિભાગો સાથે સંકલન કરી કાયદામાં ધરમુળથી ફેરફાર માટે ચર્ચા-વિચારણાને ઝડપી કરવામાં આવી છે. આઇપીસી અને સીઆરપીસીના સુધારા અંગે સુચનને ધ્યાને રાખીને સંસદમાં મંજુરી માટે ટૂંક સમયમાં જ લાવવામાં આવનાર છે.
૨૦૨૦ના લોકસભાના બજેટ સત્ર દરમિયાન આઇપીસી અને સીઆરપીસીમાં સુધારો લાવતું બીલ લાવવામાં આવશે તેમ નિષ્ણાંતો જમાવી રહ્યા છે. નવા સુધારેલા કાયદાની કડક જોગવાઇ કરવા સહિતના સુધારા સાથેના સુચનો રાજયના પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ન્યાધિશ, સિનિયર વકીલો અને નાગરિક સમાજ દ્વારા કરવામાં આવ્યા છે.
સમાજને સુરક્ષિત રાખવા માટે વર્ષો જૂના કાયદામાં સુધારો કરી ન્યાયીક પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવા પર નિષ્ણાંતો દ્વારા મંતવ્ય રજૂ કર્યા છે. અપરાધિ દોષિત ઠર્યા બાદ તેને અપાતો અપીલ કરવાનો ચાન્સ નહીવત કરી સજાનું પ્રમાણ વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે. ગુનેગારોને કાયદાનો ભય હશે તો જ ગુનાનું પ્રમાણ ઘટાડી શકાય તેમ હોવાનું નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું છે.
કાયદાને અસરકારક બનાવવા માટે ફોરેન્સિક પુરાવાને પ્રાધાન્ય આપવાથી ગુનો સાબીત કરવો સરળ બની જતો હોવાથી પોલીસ તપાસમાં ફોરેન્સિક પુરાવા વધુને વધુ ચાર્જશીટમાં રજુ કરાવાથી સજાનું પ્રમાણ વધી શકે તેમ હોવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરો (બી.પી.આર.ડી.) અને ડીજે. અન્ય જવાબદારી વચ્ચે પોલીસ દળોનો સામનો કરી રહેલા પડકારોના સમાધાન શોધવા માટે ફરજિયાત છે. બ્રિટીશ શાસન દરમિયાન સમાજને સુરક્ષિત રાખવા માટે આઇપીસી અને સીઆરપીસીના કાયદામાં કરવામાં આવેલી જોગવાઇમાં ફેરફાર અંગે વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે. આઇપીસી અને સીઆરપીસીની હાલની જોગવાઇમાં આરોપીને સજા કરાયા બાદ તેને નીચેની અદાલતને પડકાર કરવા માટે ઉપરની અદાલતમાં અપીલ દાખલ કરી સજાના ચુકાદાની સમિક્ષા કરવા રજૂઆત કરવામાં આવે છે. અપીલની સુનાવણીમાં વર્ષો લાગતા હોવાથી ભોગ બનનારને ઉચિત સમયે ન્યાય મળતો ન હોવાથી કાયદાની અસરકારકતા નહીવત બની જાય છે.
મહિલા અત્યાચાર અને દુષ્કર્મ અને જાતિય સતામણી જેવા કેસ પહેલાના સમયમાં સમાજની કેટલીક મર્યાદાના કારણે બનતા ન હતા. આજે સમાજમાં મહિલાઓને પુરૂષ સમોવડી અને સુશિક્ષિત બની પણ તેની સુરક્ષાનો પ્રશ્ર્ન વધુ જટિલ બનતા કાયદામાં સજાનું પ્રમાણ વધારવું જરૂરી બન્યું હોવાનું નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
સમાજની હાલની વાસ્તવિકતાને ધ્યાને રાખી કાયદો બનાવવામાં આવશે. મહિલાઓ, બાળકો અને નબળા વર્ગને ઝડપી ન્યાય અપાવવામાં મહત્વ આપવામાં આવ્યું છે. ફાન્સ અને જર્મની જેવા દેશોમાં કાયદાની તપાસ ન્યાયિક મેજિસ્ટ્રેટ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે અને તેની ચકાસણી કરવામાં આવતો હોવાથી આરોપીને સજા થાય તેવા પુરતા પુરાવા મળી રહે છે. તેમજ તપાસનીશને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ન્યાયિક પ્રણાલિકામાં સુધારો કરવા માટે એલ.કે.અડવાણી દ્વારા ૨૦૦૩માં બનાવવામાં આવેલી માલીમથ સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. આ માટે દરેક જિલ્લા મથકે ફોરેન્સિક પ્રયોગ શાળા અને રાષ્ટ્રીય સ્તરની ફોરેન્સિક પ્રયોગ શાળા શરૂ કરી ફોરેન્સિક પુરાવાને મહત્વ આપવા પર ભાર મુકવામાં આવ્યો છે.