અઝીમ પ્રેમજી અથવા બિલ ગેટ્સ જેવા આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ સમાધાન કરાવે તેવો નિષ્ણાંતોનો મત
તાતા સન્સ અને સાયરસ મિસ્ત્રી વચ્ચેનો વિવાદ હવે આંતરરાષ્ટ્રીય કોર્પોરેટ ક્ષેત્ર માટે રસનો વિષય બની ચૂકયો છે. સાયરસ મિસ્ત્રીને તાતા જૂથમાં ફરી સમાવવાનો આદેશ તો અપાયો છે. પરંતુ બન્ને ભવિષ્યમાં સાથે મળીને સફળતાથી કામ કરે જે માટે મ્યુચ્યલ અન્ડસ્ટેન્ડીંગ પણ જરૂરી છે. જેથી હવે તાતાના પ્રશ્ર્નોને ટાટા કરી શકે તેવા મધ્યસ્થીની તાતી જરૂર ઉભી થઈ છે તેવું કહી શકાય.
સાયરસ મિસ્ત્રી છેલ્લા ત્રણ વર્ષથી તાતા જૂથમાં નહોતા. તેમને પરાણે બહાર કઢાયા હતા. મામલો કોર્ટમાં પહોંચતા કોર્ટે તેમને ફરીથી તાતા જૂથમાં સમાવવાનો ચૂકાદો આપ્યો હતો. હવે આ મામલો સમાધાન થવા જઈ રહ્યો છે. ત્યારે બન્ને વચ્ચે કોણ મધ્યસ્થી બનશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. તાતા જૂથ માત્ર ભારત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતનામ છે. માટે બન્ને વચ્ચેની મધ્યસ્થી માટે સેલીબ્રીટી કહી શકાય તે પ્રકારના મધ્યસ્થીની જરૂર રહેશે. જેમાં વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી તેમજ માઈક્રોસોફટના સ્થાપક બિલગેટ્સનું નામ ચર્ચાઈ રહ્યું છે. આ બન્ને ઉદ્યોગપતિઓ તાતા ગ્રુપ અને સાયરસ મિસ્ત્રી વચ્ચેના પ્રશ્ર્નોનું નિરાકરણ કરી શકશે.
તાજેતરમાં નિવૃત થયેલા ચીફ જસ્ટીસ દિપક મિશ્રા અને જસ્ટીસ ડી.એન.શ્રીક્રિષ્ના પણ તાતા અને મિસ્ત્રી વચ્ચેના વિવાદનું સમાધાન લાવી શકે તેવું ચર્ચાઈ રહ્યું છે. તાતા ગ્રુપ મસમોટુ સામ્રાજય ચલાવી રહ્યું છે. આવી સ્થિતિમાં સાયરસ મિસ્ત્રી સાથે થયેલો ખટરાગ બન્ને માટે આબરુનો સવાલ બની ચૂકયો હતો. સાયરસ મિસ્ત્રી તાતા જૂથમાં પોતાનો પગદંડો વધુને વધુ મજબૂત કરવા માંગતા હતા. બીજી તરફ તાતા ગ્રુપ મિસ્ત્રીના નિર્ણયોથી ખુશ ન હોવાનું ફલીત થયું હતું. આવા સંજોગોમાં ઉભો થયેલો વિવાદ ભારતીય ઉદ્યોગપતિઓ માટે મહત્વનું ઉદાહરણ સાબીત થયું છે.