એસજીવીપી ગુરૂકુલમાં ગુરૂકુલ પરિવારનું સ્નેહમિલન યોજાયું: ૭૦૦૦ જેટલા ભાવિકો ઉપસ્થિત રહ્યાં
નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી પરિવારના ગુરુ સ્થાને બિરાજમાન શા. માધવપ્રિયદાસની સાનિધ્યમાં તેમજ પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુકુલ પરિવારનું સ્નેહ મિલન યોજાઇ ગયું
જેમાં હાઇકોર્ટ ઢોલરિયા, હાસ્યકલાકાર જગદીશ ત્રેવિેદી તેમજ ગુરુકુલની અન્ય શાખા રીબડા, દ્રોણેશ્વર અને જ્યોર્જિનીયા ગુરુુકુલના સંતો, ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થીઓ અને ગુરુુકુલ પરિવારના ૭૦૦૦ ઉપરાંત ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં સંતોએ ઠાકોરજી અને પૂજય શાસ્ત્રીજી મહારાજ, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા જોગી સ્વામીનું ભાવ પૂજન કર્યુ હતું. ત્યારબાદ સંતો અને હરિભકતોએ ગુરુ સ્થાને વિરાજમાન શા.માધવપ્રિયદાસજી સ્વામી, તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીનું હાર પહેરાવી પૂજન કર્યુ હતું.
ત્યારબાદ ચારેય સદગુરુ સંતોએ ગુરુકુલ સંત વૃંદ તથા સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા તમામ સંતોનું કપાળે ચંદનની અર્ચા કરી ફુલની પાંખડીઓથી વધાવી, પૂજન કર્યું હતું. આ પ્રસંગે પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે, માનવજીવન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થને સિદ્ધ કરવા માટે છે. એ ચારેય પુરુષાર્થને પ્રાપ્ત કરવા માટે નવી ઉર્જા, નવું સાહસ અને સમજણ સાથે ભગવાનનું સ્મરણ, સેવા, સમર્પણ, સ્નેહ, સદાચાર અને સત્સંગમાં વધુને વધુ પ્રીતિ થાય તેવા હેતુથી આ આયોજન કરાયું છે.
આ પ્રસંગે પાધરા પરિવાર દ્વારા જોગી સ્વામી હોલિસ્ટીક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ગાડી અર્પણ કરવામાં આવેલ. હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ હાસ્યસભર શૈલીમાં સફળ જીવનના પાંચ સુત્રો ૧) વહેલા ઉઠવું, ૨) હળવી કસરત કરવી, ૩) સાદો અને પથ્ય ખોરાક ખાવો, ૪) વ્યસનથી મુક્ત રહેવું અને ૫) ભગવાનમાં અચળ નિષ્ઠા વગેરે સવિસ્તર સમજાવ્યું હતું. આ સ્નેહમિલનમાં ૭૦૦૦ ઉપરાંત ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.