મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગુજરાતના વેપાર-ઊદ્યોગ પ્રતિનિધિમંડળના પદાધિકારીઓ સાથે ગાંધીનગરમાં બેઠક
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની આગામી ઊદ્યોગ નીતિના ઘડતરમાં વેપાર-ઊદ્યોગ મંડળો-ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સૂઝાવો તથા અન્ય રાજ્યોની ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના સર્વગ્રાહી પાસાંઓનો અભ્યાસ ધ્યાને લેવાની નેમ દર્શાવી છે.
આ સંદેર્ભમાં તેમણે કહ્યું કે, ભારતને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કરવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં ગુજરાત વેપાર, ઊદ્યોગ તથા ઔદ્યોગિક ઉત્પાદનોના ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપી લીડ લેવા તત્પર છે.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ-પ્રતિનિધિઓની ઉચ્ચ સ્તરીય બેઠક તેમના વિવિધ પ્રશ્નોની રજૂઆતો અંગે યોજવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, નાણાંના અધિક મુખ્ય સચિવશ્રી, જી.પી.સી.વી.ના અધ્યક્ષ અને સભ્ય સચિવ શ્રી એ. સી. એસ મૂકેશ પૂરી, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, ઊર્જા અગ્ર સચિવ શ્રીમતી સુનયના તોમર, ઊદ્યોગ કમિશનર શ્રી રાહૂલ ગુપ્તા, GIDCના મેનેજિંગ ડિરેકટર શ્રી થેન્નારસન, ખજખ કમિશનર શ્રી રંજીતકુમાર અને ચેમ્બર્સના પદાધિકારીઓ જોડાયા હતા.
પ્રતિનિધિમંડળે ગુજરાત સરકાર દ્વારા વેપાર-ઊદ્યોગને મળી રહેલા પ્રોત્સાહનો તેમજ સરળ નીતિઓને કારણે ઊદ્યોગ-વેપાર સંચાલનમાં સુગમતા માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર દર્શાવ્યો હતો.મુખ્યમંત્રીશ્રીને પ્રતિનિધિમંડળે એવી પણ ખાતરી આપી કે ભારતને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવાના ધ્યેયમાં ગુજરાત લીડ લઇ શકે તે હેતુસર રાજ્યના વેપાર-ઊદ્યોગ મંડળો સરકાર સાથે કદમથી કદમ મિલાવીને ચાલશે અને પૂર્ણ સહયોગ કરશે.વેપાર ઊદ્યોગ પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ માટે મહત્વપૂર્ણ નિર્ણય ચેમ્બર્સની રજૂઆતોનો સંવેદનશીલ પ્રતિસાદ આપતાં લીધા છે તેને આવકારીને આભારની લાગણી વ્યકત કરી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ વેપાર-ઊદ્યોગ મંડળોની GIDCની જમીન, MSME અંતર્ગત સહાય, GST સહિતની રજૂઆત અંગે સત્વરે યોગ્ય કરવા સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા.
સી.એમ-પીઆરઓ/અરૂણ