સુરેન્દ્રનગર ખાતે મેગા એક્ઝિબિશનનો સમાપન સમારોહ યોજાયો
સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને ભારત સરકારના એમ. એસ. એમ.ઇ. મંત્રાલયના સંયુકત ઉપક્રમે યોજાયેલ મેગા એકઝીબીશનનો સમાપન સમારોહ કેન્દ્રીય રાજયમંત્રી મનસુખભાઇ માંડવીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ સમાપન સમારોહ પ્રસંગે રાજયમંત્રી મનસુખભાઇ માંડવીયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે ઝાલાવાડ વિસ્તારને નર્મદાના પાણીનો સૌથી વધારે લાભ પ્રાપ્ત થયો છે, જેના કારણે ખેતી અને ખેતી અધારિત ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. આ વિસ્તારનો ખેડૂત નેટ હાઉસ અને ગ્રીન હાઉસના માધ્યમ થકી મહત્તમ ખેત ઉત્પાદન મેળવી વિવિધ પ્રોસેસીંગ કરી વિદેશમાં નિકાસ કરતો થશે, તે દિવસો હવે વધારે દૂર નથી.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા આ મેગા એકઝીબીશનના માધ્યમ થકી ઔદ્યોગિક ઉત્પાદન અને માર્કેટીંગ માટેની એક નવી દિશા ખુલી છે. આગામી દિવસોમાં ઝાલાવાડ વિસ્તાર ઔદ્યોગિક ક્ષેત્રે આગવા પ્રકારનું સ્થાન પ્રાપ્ત કરે તે માટેનું સાનુકુળ વાતાવરણ અહિં ઉપલબ્ધ છે. તેમણે વધુમાં ઝાલાવાડવાસીઓએ હંમેશા દિશાદર્શન આપવાનું કામ કરેલ હોવાનું જણાવી ઉમેર્યું હતું કે ઝાલાવાડે પણ વેપાર-ઉદ્યોગોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને પોતાની તાકાત થકી દુનિયાના વેપાર-ઉદ્યોગના નકશામાં આગવું સ્થાન બનાવ્યું છે, જે આપણા દરેક માટે ગૌરવની વાત છે.
આ પ્રસંગે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી કિશોરસિંહ ઝાલાએ પ્રાસંગિક ઉદ્દબોધમાં જણાવ્યું હતું કે આ મેગા એકઝીબીશનના માધ્યમ થકી ઝાલાવાડ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને એક નવી દિશા પ્રાપ્ત થશે. દુબઇથી આવેલ શ્રી રજનીશભાઇ શાહે જણાવ્યું હતું કે આ મેગા એકઝીબેશનના પરિણામો ભવિષ્યના ટૂકા જ સમયમાં ઝાલાવાડવાસીઓ નિહાળી શકશે. આ પ્રસંગે મંત્રી મનસુખભાઇ માંડવીયાએ પ્રાદર્શનમાં વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.