પાકિસ્તાનના સિંધ પ્રાંતના થારપારકર જિલ્લાના પાબુહર ગામનો હિન્દૂ પરિવાર ગોંડલમાં આઠ વર્ષથી જીવન નિર્વાહ કરી રહ્યા છે
ગોંડલના જેતપુર રોડ પર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં પાકિસ્તાન છોડી આવેલો બાર વ્યક્તિઓનો પરિવાર જીવન નિર્વાહ કરી રહ્યો છે, આ શરણાર્થી પરિવારને ગોંડલ ભાજપ પરિવારે ઉષ્માભેર આવકારી રાજકોટ ખાતે સન્માનિત કરતા પાકિસ્તાની પરિવાર નમ આંખો સાથે અવાચક બન્યો હતો.
ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા તે પહેલાથી પાકિસ્તાનના સોઢા રાજપૂત દરબાર પરિવાર લગ્ન વ્યવહાર માટે કચ્છ જાડેજા પરિવાર સાથે સંબંધો ધરાવવા માટે જાણીતા છે હાલ ગોંડલમાં જીવન નિર્વાહ કરતા મહાવીરસિંહ ભમરસિંહ સોઢા (ઉંમર વર્ષ ૩૩) ૧૨ વર્ષ પહેલા પોતાનું માદરે વતન પાકિસ્તાનનું પાબુહર ગામ છોડી ગોંડલને કર્મભૂમિ બનાવી હતી અને તેઓના લગ્ન પણ સાણંદ ખાતે થતા ત્રણ વર્ષ પહેલાં જ તેમને ભારતનું નાગરિકત્વ મળી જવા પામ્યું હતું.
વર્તમાન સમયે પાકિસ્તાનમાં અલ્પસંખ્યક બની રહેલ હિન્દુ સમુદાય ઉપર દિવસેને દિવસે સંકટના વાદળો ઘેરાઈ રહ્યા હોય મહાવીરસિંગ સોઢા દ્વારા આઠ વર્ષ પહેલા મોટાભાઈ મહાસિંગ અને નંદનસિંગને પરિવાર સાથે ગોંડલ તેડાવી લીધો હતો, આ શરણાર્થી ૧૨ હિન્દુ પરિવારજનોને સ્થાનિક ભાજપીઓ દ્વારા ઉસ્મા રૂપી ભેટ આપવામાં આવી હતી અને ગુરૂવારના રોજ રાજકોટ ખાતે યોજાયેલ સીએએ જાગૃતિ અભિયાનમાં આ શરણાર્થી પરિવારને લઈ જઈ સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, બાંધકામ શાખા ચેરમેન કૌશિકભાઇ પડાળીયા, નાગરિક બેન્કના ચેરમેન જયંતિભાઈ ઢોલ તેમજ શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અને નાગરીકત્વ મેળવવામાં બાકી રહેલ સોઢા પરિવારને વહેલામાં વહેલી તકે નાગરિકત્વ મળે તે માટે ના કાર્યો શરૂ કર્યા હતા.
મહાવીરસિંહ ભમરસિંહ સોઢા એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારનો અમે સહૃદય આભાર વ્યક્ત કરીએ છીએ શરણાર્થીઓની મનોવ્યથા શું હોય છે અને નાગરિકત્વની જરૂરિયાત કેટલી જરૂરી છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે ગંભીરતાથી વિચાર્યું છે સીએએ ખૂબ જરૂરી છે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ.