જુલાઇ માસના અંત સુધીમાં પરિણામ પણ જાહેર કરી દેવાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ થવાની એક તક મળી રહે તે માટે શનિવારથી પૂરક પરીક્ષા લેવામાં આવશે. સમગ્ર રાજ્યમાંથી પૂરક પરીક્ષામાં ૧૩૫૮૨૫ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. પૂરક પરીક્ષા ૮ જુલાઈથી શરૂ થશે અને ૧૧ જુલાઈના રોજ પૂર્ણ થશે.

બોર્ડ દ્વારા માર્ચમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષા બાદ બોર્ડ દ્વારા મે માસમાં પરિણામ જાહેર કરાયા હતા. જેમાં નાપાસ વિદ્યાર્થીઓ પૈકી કેટલાક વિદ્યાર્થીઓને પાસ થવાની તક મળી રહે તે માટે બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. ધોરણ-૧૦માં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે છે. જ્યારે સાયન્સમાં ગમે તેટલા વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં માત્ર એક જ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે છે. પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પોતાનું અમુલ્ય વર્ષ બચાવી આગળ અભ્યાસ કરી શકે છે.ધોરણ-૧૦ અને સાયન્સની પૂરક પરીક્ષા ૮ જુલાઈથી શરૂ થશે અને ૧૧ જુલાઈ સુધી ચાલશે. જ્યારે સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એક જ દિવસ લેવામાં આવશે. સાયન્સની પૂરક પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૪૨૬૭૯ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. જેમાં ગણિતમાં ૧૫૮૫૪ વિદ્યાર્થી, કેમેસ્ટ્રીમાં ૩૮૦૪૮ વિદ્યાર્થી, ફિઝિક્સમાં ૩૩૧૪૯ વિદ્યાર્થી, બાયોલોજીમાં ૧૫૧૪૩ વિદ્યાર્થી અને કમ્પ્યૂટરમાં ૧૩૮૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેનાર છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૫૮ હજાર જેટલા વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ થયા હતા. જેમાંથી અંદાજે ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર છે. જ્યારે ધોરણ-૧૦માં પણ ૫૩૧૪૬ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે.બોર્ડ દ્વારા જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાયા બાદ તાત્કાલિક જ પરિણામ અંગેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. જેમાં અંદાજે જુલાઈ માસના અંત સુધીમાં પૂરક પરીક્ષાના પરિણામ જાહેર કરી દેવાય તેવી શક્યતા છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.